શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 12 જુલાઈ 2024 (18:29 IST)

એક વર્ષમાં ગુજરાતના 478 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી વતન પરત ફર્યા

 fishermen
ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તેમજ નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા 67માં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના ઉપલક્ષ્યમાં તમીલનાડુના મદુરાઈ ખાતે “ફિશરીઝ સમર મીટ-2024”નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહના અધ્યક્ષ સ્થાને તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમર મીટમાં ગુજરાત તરફથી મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
 
ફ્લોટિંગ જેટ્ટીનું પણ નિર્માણ કરવામાં આવશે
મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી સમયમાં ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ફંડ અંતર્ગત નવા ચાર ફિશિંગ હાર્બરનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે અદ્યતન તકનીકોના માધ્યમથી ફ્લોટિંગ જેટ્ટીનું પણ નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં બોટ રજીસ્ટ્રેશન માટે રીયલ ક્રાફ્ટ બોટ સર્વે, ડીઝલ સબસીડી અને દરિયામાં બોટ લઇ જવા માટેની ઓનલાઈન ટોકન સીસ્ટમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના ફળસ્વરૂપે માછીમારોને તેમને મળવાપાત્ર યોજનાઓનો લાભ સરળતાથી અને ઝડપી મળી રહ્યો છે.
 
દરિયાઈ સીમા ઉલ્લંઘનની ઘટનામાં ઘટાડો આવશે
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને ભારત સરકાર તરફથી જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી છે. દુર્ભાગ્યવશ ગુજરાતના ઘણા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. ભારત સરકાર અને વડાપ્રધાન મોદીના પ્રયાસોથી છેલ્લા એક વર્ષમાં ગુજરાતના આશરે 478 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઇ વતન પરત ફર્યા છે. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા બોટ પર સેટેલાઈટ આધારિત ટ્રેકિંગ અને સંચાર ઉપકરણ લગાવવાના રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં અવી છે. તેનાથી દરિયાઈ સીમા ઉલ્લંઘનની ઘટનામાં ઘટાડો આવશે.  
 
1300 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી 
વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મત્સ્યોદ્યોગના વિકાસ માટે શરુ કરેલા પ્રયાસોને હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રહેલી સંભાવનાઓને પરિપૂર્ણ કરવા ચાલુ વર્ષે મત્સ્યોદ્યોગ વિભાગ માટે મુખ્યમંત્રીએ રૂ. 1300 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. મત્સ્યોદ્યોગલક્ષી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં ગુજરાતમાં થાય, તો રાજ્યના મત્સ્ય ખેડૂતો નવી તકનીક અને મત્સ્યપાલન અંગે યોગ્ય માર્ગદર્શન સાથે વધુ સારું ઉત્પાદન કરી શકશે. આ ઉપરાંત વિશ્વ સમક્ષ પર્યાવરણ સંરક્ષણ પણ ખૂબ જ મોટો પડકાર છે.