ખંભાતમાં સમાજસેવિકાને ઝાડ સાથે બાંધી 2 મહિલા સહિત 4 જણે બે લાખના ચેકની પઠાણી ઉઘરાણી કરી
ખંભાત શહેરના અકબરપુર, મોટી ચુનારવાડ પાસે એક સમાજ સેવિકા પાસે બે મહિલા સહિત ચાર શખ્સોએ બે લાખનો ચેક માંગીને ગડદાપાટુનો માર મારીને પીપળાના ઝાડ સાથે બાંધી દેવાનો મામલો સામે આવ્યો છે. જોકે, 12 દિવસ પહેલાં બનેલી આ ઘટના અંગે મહિલાએ અવાર-નવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં આખરે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી નિતલબેન ઉર્ફે મિત્તલબેન નિતિનભાઈ સુથાર સમાજ સેવિકાનું કામકાજ કરે છે. અને એકાદ વર્ષ પહેલા સુનિલભાઈ ઉર્ફે જાગો ચુનારા, હાર્દિકભાઈ રાજેશભાઈ ચુનારા, કોકિલાબેન રાજેશભાઈ ચુનારા અને મીનાબેન ચુનારાનું સરકારની જનધન યોજના એસબીઆઈમાં ખાતા ખોલાવી આપ્યા હતા અને આવકના દાખલા પણ કઢાવી આપ્યા હતા.ચારેય જણાં દ્વારા બે લાખના ચેકની માંગણી ચાલુ કરી દેવામાં આવી હતી. ગત સાતમી જુલાઈના રોજ તેણી તાલુકા પંચાયતમાં હાજર હતી ત્યારે એ સમયે ચારેય શખસો રીક્ષા લઈને આવ્યા હતા અને તેને બળજબરીથી રીક્ષામાં બેસાડી અકબરપુર, મોટી ચુનારવાડ પાસે લઈ ગયા હતા. જ્યાં તેની પાસે બે લાખના ચેકની માંગણી કરી હતી. પરંતુ તેણીએ ચાર હજાર રૂપિયા રોકડા લાવી છું, તે આપી દઉ તેમ કહેતા જ ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી અપશબ્દ બોલીને નજીકમાં આવેલા પીપળાના ઝાડ સાથે દોરડાથી બાંધી દઈને ઉપર ગોળવાળુ પાણી નાંખ્યું હતુ.જયેશભાઈ અને સુનિલભાઈએ આ અંગેનો વીડિયો બનાવ્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને મિત્તલબેનને છોડાવ્યા હતા. આ અંગે તેઓએ ખંભાત શહેર પોલીસ મથકે તમામ વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ચારેય જણાં વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.