ગોધરામાં અનાથ ભાઇઓની સહાય સરકારે મંજૂર કરી પણ બેંક મેનેજરે કહ્યું ‘પિતાનું દેવું ચૂકતે કરો પછી જ મળશે!’
ગોધરાના રાયસીંગપુરામાં રહેતાં યોગેન્દ્રસિંહ રાયમલસિંહ રાઠોડ અને હરજીતસિંહ રાયમલસિંહ રાઠોડની માતા વર્ષ 2016 માં મૃત્યુ પામી હતી. બાદમાં કોરોનામાં તેમના પિતા પણ મૃત્યુ પામતા બંને બાળકો અનાથ થઇ ગયા હતા. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બંને ભાઇઓના ખાતામાં દર માસે રૂા. 4 હજારની સહાય હરકુંડી ગામે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં જમા કરાવ્યા હતા.
કોરોનાથી મૃત્યુ પામેલાનો મોટો દિકરો યોગેન્દ્રસિંહ ધોરણ 11 અને નાનો દિકરો હરજીતસિંહ ધોરણ 7 માં અભ્યાસ કરે છે. તેઓના બેંક એકાઉન્ટમાં દર માસે સહાયના 4 અને 4 હજાર મળીને 8000 જમા થયા છે. જે સહાયના પૈસાથી બાળકોના અભ્યાસ, તેમના વિકાસ અને પાલન પોષણમાં વાપરે છે.પણ ગ્રામીણ બેંક મેનેજર તેઓના ખાતાના પૈસા ઉપાડી ન આપતા બંને ભાઇઓની હાલત કફોડી બની છે.સરકારી સહાયના પૈસા નિષ્ઠુર બેંક મેનેજરના લીધે ન મળતાં અનાથ બાળકો લાચાર બન્યા હતા. તેઓના માસા હાલ તેઓના પાલક પિતા બન્યા છે.
તેઓ પણ બેંકમાં જઇને આજીજી કરવા બેંક મેનેજર સહાયના પૈસા મળશે નહી, પહેલા અમારી બેંકમાંથી અનાથ થયેલા બાળકોના પિતાએ લીધેલી ખેતી લોનના પૈસા ભરો તો જ પૈસા મળશે તેમ જણાવીને દર વખતે બેંકમાંથી રવાના કરી દેતા હતા. અનાથ બાળકોના પિતાએ લીધેલી લોન વ્યાજ સાથે 72 હજાર જેટલી થતી હતી. તેની રીકવરી કરવા બેંક મેનેજરે બાળકોને મળતી સહાય વર્ષ 2021 ના ઓકટોબર માસથી રોકી દેતા બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે.ગરીબ અને અનાથ બે ભાઇઓને સરકારમાંથી મળતી સહાય બેંક ન આપતા ગામના સરપંચ તથા બાળકોના પાલક પિતા બેંકમાં જઇને અભ્યાસના ખર્ચ માટે સહાયના નાણાં આપવા આજીજી કરી પણ બેંક મેનેજરે ખાતામાંથી પૈસા ઉપાડવા દીધા ન હોવાનું રાયસીંગપુરા ગામના સરપંચે જણાવ્યું હતુ. જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાં રજુઆત કરવા વિભાગ દ્વારા બેંકને સહાયના 4 હજાર - 4 હજાર બંને ભાઇઅોને જણાવ્યું હતુ તો પણ બેંક મેનેજરે નાણાં આપ્યા ન હતા.