બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ઑગસ્ટ 2021 (18:46 IST)

૧૮ મહિનાની બાળકીના પેટમાંથી ૪૦૦ ગ્રામનું અવિકસિત ભ્રુણ જટીલ સર્જરી દ્વારા દૂર કરાયુ

દોઢ વર્ષની દીકરીને ત્રણ મહીનાથી પેટમાં ગાંઠની તકલીફથી પીડાતી જોઇ પિતા હર્ષીતભાઇ ચિંતાતુર રહેતા. એક દિવસ સોશિયલ મીડિયા પર ટ્વીટરમાં સર્ફીંગ કરી રહ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલના ટ્વીટર હેન્ડલ પર તબીબો દ્વારા બાળકોની પણ વિવિધ પ્રકારની જટીલ સર્જરી કરવામાં આવતી હોવાની પોસ્ટ નજરે પડી. તેઓએ તરત જ આશાના કિરણને મનમાં જગાવીને તબીબને પોતાના બાળકીની પીડા વિશેની માહિતી આપતું ટ્વીટ કર્યું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડ઼ૉ. રાકેશ જોષીએ પણ હર્ષિતભાઇના ટ્વીટના જવાબમાં દીકરીને હોસ્પિટલ લઇ આવવા કહ્યું..... પછી જે થયુ તે ઘટના અવિસ્મરણીય બની ગઇ....
મધ્યપ્રદેશના નીમુચ જિલ્લામાં રહેતા હર્ષીતભાઇ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૧૮ મહીનાના દીકરી વેદીકાની પેટમાં ગાંઠની તકલીફને લઇને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા. દીકરીનું પેટ અચાનક ફૂલી જવાથી તેણી અત્યંત વેદના સહન કરી રહી હતી. મધ્યપ્રદેશમાં વિવિધ રીપોર્ટસ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસીત ભ્રુણ હોવાનું નિદાન થયુ. આ ભ્રુણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબો તૈયાર થયા નહીં. જેથી હર્ષીતભાઇની નીરાશામાં વધારો થયો. 
તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા તેમના સગાએ ટ્વીટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આ પ્રકારની સર્જરી શક્ય હોવાનું જણાવતા તેમના પિતાએ સિવિલના તબીબનો ટ્વીટરના માધ્યમથી સપર્ક કર્યો અને સિવિલ હોસ્પિટલમાં દીકરી વેદીકાને લઇને આવી પહોંચ્યા. 
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા વેદિકાનું સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યું. જેમાં દોઢ વર્ષની વેદીકાના પેટમાં ૪૦૦ ગ્રામનું અવિકસિત ભ્રુણ હોવાનું ચોક્કસ તારણ થયુ.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી પાસે આ પ્રકારની અત્યંત જટીલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું. 
બાળરોગ સર્જરી વિભાગના એસોશિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. તૃપ્તી શાહના સહયોગથી સમગ્ર સર્જરી ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને આ ભ્રુણ દૂર કર્યું. 
સર્જરીની વિગત આપતા ડૉ. રાકેશ જોષી કહે છે કે, ૧૮ મહીનાની બાળકીના પેટમાં અવિકસીત ગર્ભ હોવાની ૨૦ વર્ષની તબીબી કારકિર્દીમાં ત્રીજી ઘટના જોવા મળી છે. વિશ્વમાં ૫ લાખ બાળકોએ એક બાળકમાં આ પ્રકારની અત્યંત જટીલ બીમારી થતી જોવા મળે છે. સર્જરી દરમિયાન ચોકસાઇ અને તકેદારી રાખવામાં ન આવે તો બાળકીની ધોરીનસ, જમણી કિડની, સ્વાદુપિંડ, યકૃત અને કિડનીના રક્ત સ્ત્રાવને નુકસાન પહોંચવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. આ તમામ બાબતોની સાવચેતી રાખીને સમગ્ર સર્જરી સફળાતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. 
વેદીકાને પીડામુક્ત જોઇ તેના પિતા હર્ષીતભાઇ ભાવવિભોર બન્યા હતા. તેઓએ મધ્યપ્રદેશથી ગુજરાત આવીને સમગ્ર સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ થવા બદલ અને સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર અને સુવિધા મળવા બદલ સિવિલ હોસ્પિટલના તબીબો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. 
સિવિલ હોસ્પિટલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં રાજ્ય બહારથી પણ સારવાર અર્થે આવતા દર્દીઓનો ધસારો જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ક્યારેય કોઇ પણ દર્દીને સારવાર માટે ના પાડવામાં આવી નથી. તબીબો દ્વારા તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રીતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 
 
*બાળકીમાં અવિકસીત ભ્રુણ કઇ રીતે બને છે?
આ પ્રકારના ભ્રુણના વિકાસ માટે પેરાસાયટિક ટ્રિવન અને ટેરેટોમેટ્સ એમ બે પ્રકારની થીયરી કામ કરે છે. વેદીકામાં જોવા મળેલું ભ્રુણ આ બંનેમાંથી કોઇપણ થીયરીના કારણે વિકસીત થયેલ હોવાની સંભાવના હતી. જેમાં ગર્ભની શરૂઆત થાય ત્યારે અંડકોષ ફલિત થયા બાદ બે ભાગમાં વહેચાયુ હશે તેમે માનવામાં આવે છે. જેમાંથી એક સામાન્ય બાળક અને બીજો અંડકોષ બાળકમાં સમાઇ જતા “ફિટ્સ ઇન ફિટુ” એટલે કે ગર્ભમાં ગર્ભ તરીકે વિકસે છે. તેમાં લોહીનો સપ્લાય જીવંત બાળકમાંથી મળે છે, અને મગજ, હ્યદય , ફેફસા જેવા અંગો હોય છે પરંતુ તે નિષ્ક્રીય રહે છે.