ભાભરમાં ગાયોની ઇમ્યુનિટી વધારવા રોજનો 10 લાખનો ખર્ચ, લમ્પી વાયરસને કારણે 2 કરોડનું દેવું
ભાભરમાં આવેલી દેશની સૌથી મોટી ગૌ - હોસ્પિટલ ધરાવતી ગૌશાળા હાલમાં લમ્પી રોગના કારણે નાણાકીય ભીડમાં મુકાઈ છે. જલારામ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત આ ગૌશાળા પર હાલમાં બે કરોડનું દેવું થઈ ગયું છે જેનું કારણ છે ગાયોમાં ફેલાયેલો લમ્પી રોગ. આ રોગચાળાને લીધે હાલમાં ગાયોને વધુ પડતો પૌષ્ટિક આહાર આપવો પડે છે જેના લીધે દૈનિક ખર્ચમાં આશરે 50 ટકા જેટલો ખર્ચ વધી ગયો છે. આ ખર્ચ વધીને રોજનો 10 લાખ સુધી પહોંચી ગયો છે. હાલમાં સંસ્થામાં 10,000 જેટલી અશક્ત, વૃદ્ધ, બીમાર અને લમ્પીગ્રસ્ત ગાયો અને નંદી છે.250 ગોવાળ, 50 મેડિકલ સ્ટાફ ગાયની સેવામાં, 1999માં સ્થાનિક સ્તરે શરૂ થયેલી આ ગૌશાળામાં 300 કિમી ઘેરાવામાં કોઈ પણ બીમાર, ફ્રેક્ચર થયેલી કે એસિડ એટેકનો ભોગ બનેલી ગાયને લાવવા માટે વિશેષ ડિઝાઇનની 22 એમ્બ્યુલન્સ છે. 250 ગોવાળ અને 50 મેડિકલ સ્ટાફ સતત તેમની દેખરેખ રાખે છે.
આ વિશે સંસ્થાના ફાઉડિંગ ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, હાલમાં અમારી ગૌશાળામાં 10,000 જેટલી ગાયો છે જેમાંથી 500 ગાય લમ્પી ગ્રસ્ત જ્યારે 1200 જેટલા નંદી છે. મોટાભાગની ગાયો બીમાર, વૃદ્ધ અને અશક્ત હોઇ તેમને લમ્પી ન થાય તે માટે તેમની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે. આ માટે અમે તેમને ખાસ ખોરાક આપીએ છીએ જેના માટે વધુ ખર્ચ થઈ રહ્યો છે. લમ્પી પહેલા અમે રોજનો 7 લાખનો ખર્ચ કરતા હતા કે હવે રોજનો 10 લાખ પહોંચી ગયો છે. આ કારણે આશરે 2 કરોડનું દેવું થયું છે. પહેલા અમે જે દાણ 150 બોરી મગાવતા તે હવે રોજની 400 બોરી મંગાવીએ છીએ. ગાયની દવાનો ખર્ચ પણ વધ્યો છે. લોકોને અપીલ છે કે યોગ્ય મદદ કરે જેથી બાકી બિલ ચૂકવી શકાય.ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, અમે એસિડ એટેક અને આગથી દાઝેલી ગાયો માટે ખાસ એસી વોર્ડ રાખ્યો છે. આ સિવાય અકસ્માતે ફ્રેકચર થયેલી ગાયો માત્ર એશિયાની બેસ્ટ સુવિધા છે જેમાં અમે ગાયોને પ્લેટ મૂકીને ચાલતી કરીએ છીએ અને માલિકને સોંપીએ છીએ. હાલમાં અમારે ત્યાં 150 જેટલી ફ્રેકચર ગાયો છે. અમારી હોસ્પિટલ 15 વીઘામા ફેલાયેલી છે.લંપીને કારણે ગાયની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેને પહેલા કરતા વધુ અને ખાસ ખોરાક અપાઈ રહ્યો છે. હાલમાં ગાયોને ગવારનો ભરડો, જવનો ભરડો, મકાઈનો ભરડો, કપાસનો ખોળ, ટોપરું, હળદર, તેલ, ગોળ, અજમો, મેથી મિશ્રિત ખોરાક અપાઈ રહ્યો છે. આ ખોરાક ગાયને લમ્પી સામે રક્ષણ આપે છે.