ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. ગુજરાતના જાણીતા લોકસભા ઉમેદવાર
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2024 (21:58 IST)

જાણો બનાસકાંઠા સીટ પર કોણ છે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ ઉમેદવાર ગેનીબેન ઠાકોર

ganiben
ganiben


લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસે બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની સામે ભાજપમાંથી રેખાબેન ચૌધરી ચૂંટણી લડી રહ્યાં છે. ગેનીબેન પોતાના બેબાક અંદાજ અને શાબ્દિક પ્રહારો માટે જાણીતા છે.

ગેનીબેન ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી.

2019માં ગેની ઠાકોરે સમુદાયની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ઠાકોર સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો.ગેનીબેને કહ્યું હતું કે, “છોકરીઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં કંઈપણ ખોટું નથી. તેઓએ સોશિયલ મિડિયાથી દૂર રહેવું જોઈએ અને ભણવામાં વધુ સમય પસાર કરવો જોઈએ”. અગાઉ 2018માં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું. બાદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ‘મહિલાઓને શાંત પાડવાનો’ પ્રયાસ કરી રહ્યાં હતાં.

ડ્રાય સ્ટેટ તરીકે ‘ઓન પેપર’ ઓળખ ધરાવતા ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો બેફામ થાય છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ અંગે કોંગ્રસેના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે જનતા રેડ કરીને સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમણે ધુળેટીની વહેલી સવારે 3 વાગ્યે સમર્થકો સાથે મળી દારૂ ભરેલ ગાડી ઝડપી હતી અને સ્થળ પર તેમનો નાશ કર્યો હતો. આ પૂરા મામલામાં હવે વહીવટીતંત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય સામ-સામે આવી ગયા હતા. હકીકતમાં દારૂનો ગેરકાયદે ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે આ રીતે ધારાસભ્ય સામે ગુનો નોંધાતા હવે કોંગ્રેસ આ પૂરા મામલે આંદોલનના મૂડમાં હતા. ધારાસભ્યોની જનતા રેડ બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને 174 સ્થળો પર પોલીસે રેડ પાડી હતી.દિયોદરમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેનીબેને કહ્યું કે, કોંગ્રેસને જીતાડવા જો મારી સીટ પર બીજો કાબીલ ઉમેદવાર હશે તો હું મારી સીટ છોડવા તૈયાર છું. આપણે કોંગ્રેસને જીતાડવાની છે. આવનાર સમયમાં બુથ પર હાથમાં તલવાર-કટાર લઈને ઉભા રહેવું પડશે.