Lalit Vasoya - કોણ છે પોરબંદર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા
કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે, જેમાં પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. રાજકીય કારકિર્દી ઉપરાંત તે પોતે એક ખેડૂત પણ છે. તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે.
લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ વાય બી.કોમનો અભ્યાસ કર્યો હતો. તેમનુ કહેવું છે કે તેમની રાજકીય કારકિર્દી જોઈને જ કોંગ્રેસ દ્વારા તેમને મહત્વના કાર્યો સોંપવામાં આવે છે. 2017ના પાટીદાર અનામત આંદોલનમાં લલિત વસોયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. જેની અસરને લઈને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભારે બહુમતિ સાથે જીત મળી હતી. ત્યારબાદ તેઓએ 2019માં ભાજપ નેતા રમેશ ધડૂક સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતાં, જોકે તેમાં તેઓની હાર થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેમને 2022ની ગુજરાત વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી હતી, જોકે તેમાં પણ તેઓને હારનો સામનો જ કરવો પડ્યો હતો.
વર્ષ 2017માં રાજકોટની ધોરાજી બેઠક પરથી નોંધાવેલી ઉમેદવારી દરમિયાન આપેલા સોગંદનામા અનુસાર લલિત વસોયાની સંપતિની વાત કરીએ. આ સોગંદનામા પ્રમાણે લલિત વસોયાની જંગમ સંપતિ કુલ રૂ. 1,99,490 છે. તેમની સ્થાવર મિલકતો પર નજર કરીએ તો તેમની પાસે કુલ રૂ. 1,60,00,000ની સ્થાવર મિલકત છે. જેમાં જમીન, મકાન અને વારસામાં મળેલ જમીનનો સમાવેશ થાય છે.લલિત વસોયાને હાર્દિક પટેલ ગ્રૂપના માનવામાં આવતા હતાં. જેથી હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તો ચર્ચા ચાલી હતી કે, લલિત વસોયા પણ આવું જ કરી શકે છે. પરંતુ લલિત વસોયાને હવે કોંગ્રેસે બીજી વખત પોરબંદરથી લોકસભાની ટીકિટ આપી છે.