ગરબા રમનારા લોકો માટે હેલ્થ ટિપ્સ
જો...જો...રાસ-ગરબા રમતા ફળો-શાકભાજીનું જ્યુસ લેવાનું ન ભૂલશો
ખેલૈયાઓ ગરબે ઘૂમવા રાહ જોઇ રહ્યાં છે. ગરબે ઘૂમવા તેઓ એક મહિના અગાઉથી જ રાહ જોઇ રહ્યાં છે અને અવનવી પ્રેક્ટિસ, સ્ટેપ અને ગેટપની તૈયારી કરી રહ્યાં છે. પરંતુ ખરા અર્થમાં આ તમામ તૈયારીઓ જો છેલ્લી ઘડીએ હવા ન થઇ જાય એટલા માટે થોડા થોડા અંતરે બ્રેક સમયે જ્યુસ લેવાનું ન ભૂલશો.
ફેલમા હાયેક, ડેમી મૂર, જેનીફર એનીસ્ટોન, ગ્વિનેથ પેલ્ટ્રો કે બેયોન્સ નોવેલ્સ જેવી હોલીવૂડની અદાકારાઓ તાજીમાજી અને સ્વસ્થ રહેવા ચોક્કસ પ્રકારના જ્યુસ પીએ છે. તેઓ દ્રઢપણે માને છે કે આ જ્યુસ તેમના શરીરમાં રહેલાં ઝેરી પદાર્થો બહાર ફેંકી દેવામાં મદદ કરે છે. જ્યુસ અને નાળિયેર પાણી સ્વાસ્થ્યપ્રદ લાગે છે. જ્યારે બેયોન્સને ગરમ પાણીમાં લીંબુ, માપલે સિરપ નાખેલું મિશ્રણ શ્રેષ્ઠ જણાય છે. આ અદાકારાઓની જેમ ઘણી સેલિબ્રિટી સ્ત્રીઓ કે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે પડતા ચિંતિત લોકો આ પ્રકારના જ્યુસને જ પોતાનો મુખ્ય આહાર બનાવે છે. તેઓ એમ કહે છે કે આ પ્રકારના જ્યુસના સેવનથી તેમને તાજગીનો અનુભવ થાય છે. જોકે આહાર નિષ્ણાતો કહે છે કે આવાં જ્યુસ ફળોનું કે શાકભાજીનું સ્થાન ન લઈ શકે. તેનું કારણ એ છે કે જ્યુસ કાઢતી વખતે આપણે ફળો અને શાકભાજીની છાલ કાઢીને ફેંકી દઈએ છીએ. હકીકતમાં સૌથી વધુ પોષક તત્ત્વો છાલમાં જ રહેલાં હોય છે. તેથી વારંવાર કોઈ પણ ફળ કે શાકભાજીના જ્યુસ પીવાને બદલે તે સમારીને ખાવા વધુ ગુણકારી પુરવાર થાય છે. જોકે જ્યુસ સારું કે ફળ-શાકભાજી સારાં અને જુદી ચર્ચાનો વિષય છે. પરંતુ આ પ્રકારના જ્યુસને મુખ્ય આહાર માનનારા લોકો કહે છે કે કાચા ફળો અને શાકભાજીમાંથી બનાવવામાં આવેલાં તાજાં જ્યુસમાં વધારાની શર્કરા નથી હોતી. તેને બનાવીને તાત્કાલિક પી લેવાં જોઈએ. અથવા જ્યારે પીવાં હોય ત્યારે જ બનાવવાં જોઈએ. જો તેને રાખી મૂકવામાં આવે તો તેમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. દર ત્રણ કલાકે આવાં જ્યુસનું સેવન કરવું જોઈએ. અને તેની વચ્ચેના સમયમાં કોઈ જાતનો ખોરાક ન લેવો જોઈએ.
જોકે ઘણાં ડાયટિશિયન માત્ર આ પ્રકારના જ્યુસને મુખ્ય ખોરાક તરીકે લેવાનો વિરોધ કરે છે. તેઓ કહે છે કે ફળોમાં પ્રચૂર માત્રામાં વિટામીન અને ખનીજ તત્ત્વો હોવા છતાં તે આપણા શરીર માટે જરૃરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, પ્રત્યેક વિટામીન અને બધા જ ખનીજ તત્ત્વોની આપૂર્તિ નથી કરી શકતા.