લૉકડાઉન : પ્રવાસી મજૂરો મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર તથા રાજ્ય સરકારોને ફટકાર
કોરોના વાઇરસને પગલે દેશમાં લાગુ કરાયેલા લૉકડાઉન દરમિયાન જોવા મળેલી પ્રવાસી શ્રમિકોની 'મુશ્કેલીઓ' અને 'દયનrયતા' પર સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લેતાં નોંધ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી આ મામલે ચૂક થઈ છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલમાં જણાવ્યા અનુસાર જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ. આર. શાહની પીઠે જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ મામલો જોઈ રહી હોવા છતાં, 'સમસ્યાનો ઉકેલ લાવવા માટે અસરકારક અને ઠોસ પ્રયાસો કરવાની જરૂર છે.'
પીઠે જણાવ્યું, 'દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોની મુશ્કેલીઓ અને દયનિયતા પર અમે જાતે જ સંજ્ઞાન લીધું છે. પગપાળા અને સાઇકલો પર જઈ રહેલા પ્રવાસી શ્રમિકોની દુર્ભાગ્યપૂર્ણ અને દયાજનક પરિસ્થિતિ અખબારો અને મીડિયા અહેવાલોમાં સતત જોવા મળી રહી છે.'
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શ્રમિકોને સહાય કરવામાં ચૂક થઈ છે. કોર્ટે એવું પણ કહ્યું કે સરકારો દ્વારા પ્રવાસી શ્રમિકોને મફત પ્રવાસન, આશ્રય અને અન્નની સુવિધા પૂરી પાડવા માટે તત્કાલ પગલાં લેવાની પણ જરૂર છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ભારત સરકાર, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નોટિસ પાઠવી છે અને જવાબ માગ્યો છે.