પંજાબમાં ભીષણ માર્ગ અકસ્માત, નહેરમાં ખાબકી ફોર્ચ્યુનર કાર, 5 લોકોના મોત
લુધિયાણાના પાયલ નગરના નિકટ મોડી રાત્રે એક મોટી દુર્ઘટના થઈ. નહેરમાં એક કાર પડી જવાથી 5 લોકોના મોત થઈ ગયા. એક અન્ય ઘાયલ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યુ છે કે કાર અસંતુલિત થઈને નહેરમાં ખાબકી હતી. જોકે વિસ્તૃત તપાસ પછી જ આ વિશે આગળ કશુ સ્પષ્ટ રૂપે કહી શકાશે.
મળતી માહિતી મુજબ દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 11.30 વાગે બની. ફોર્ચ્યુનર કારમાં છ લોકો જઈ રહ્યા હતા. જ્યારે તેઓ પાયલ નજીક ગામ ઝમટ પુલ પર પહોંચ્યા ત્યારે તેમની કાર નહેરમાં પડી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં પોલીસે સ્થાનિક લોકોની મદદથી કારને કેનાલમાંથી બહાર કાઢી હતી. કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત મળી આવી છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ જતિન્દર સિંહ (40) પુત્ર ભગવંત સિંહ, જગતાર સિંહ (45) પુત્ર બાવા સિંહ, જગ્ગા સિંહ (35) પુત્ર ભજન સિંહ, કુલદીપ સિંહ (45) પુત્ર કરનૈલ સિંહ અને જગદીપ સિંહ (35) પુત્ર. ગુરમીત સિંહ તરીકે થઈ છે.
કારમાં બેઠેલા નાંગલા નિવાસી મેવા સિંહનો પુત્ર સંદીપ સિંહ અકસ્માતમાં બચી ગયો હતો. તે કેનાલમાં તરીને બહાર આવવામાં સફળ રહ્યો હતો. અકસ્માતમાં બચી ગયેલા સંદીપને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કાર બેકાબૂ થઈને કેનાલમાં પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પણ એક કારમાં સવાર 7 લોકોમાંથી 5 લોકો કેનાલમાં પડી ગયા હતા, જેમાં તેમના મોત થયા હતા. કાર ખાનગી બસ સાથે અથડાતા ભાખરા કેનાલમાં પડી હતી.