1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. pakitani people indian citizenship

અમદાવાદમાં 158 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા: હર્ષ સંઘવીએ સોંપ્યા પ્રમાણપત્રો

Harsh Sanghvi
Harsh Sanghvi
અમદાવાદમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિકતા મેળવનારા શરણાર્થી પરિવારોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. નાયબ મુખ્યમંત્રીએ શરણાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "તમે હંમેશાં હૃદયથી તો ભારતીય જ હતા, પરંતુ આજથી સત્તાવાર રીતે પણ ભારતના નાગરિક બની ગયા છો." તેમણે ઉમેર્યું હતું કે હવે પાકિસ્તાની પાસપોર્ટ રાખવાનું કલંક દૂર થઈ જશે અને દરેક વ્યક્તિ ગર્વથી ભારતીય પાસપોર્ટ ધરાવી શકશે.

પાકિસ્તાનમાં થયેલા અત્યાચારો અને ભારત સ્થળાંતરની કહાની

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનમાં લઘુમતી સમાજની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ત્યાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ પરિવારો પર અત્યાચાર આચરવામાં આવતા હતા. પોતાના પરિવાર અને બાળકોની સલામતી માટે સુરક્ષાની શોધમાં આ પરિવારો ભારત સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકતા મેળવનારા પરિવારો અને મોટી સંખ્યામાં તબીબોએ પણ પાકિસ્તાનમાં તેમની સાથે થયેલા દુર્વ્યવહાર અને ભેદભાવની આપવીતી વર્ણવી હતી તથા ભારત સરકારનો આભાર માન્યો હતો.

 

"અમારા માટે આજે જ દિવાળી": શરણાર્થીઓમાં ખુશીનો માહોલ

નાગરિકતા મળતા જ તમામ શરણાર્થી પરિવારોએ ભારે ખુશી વ્યક્ત કરી હતી. એક વૃદ્ધ શરણાર્થીએ ભાવુક થઈને કહ્યું હતું કે નાગરિકતા મળવાથી તેમને નવું જીવન મળ્યું છે અને આજે જ તેમના માટે સાચી દિવાળી છે. ૨૦૧૭માં પાકિસ્તાનથી ભારત આવેલા રાયચંદ નામના શરણાર્થીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં સતત ભય અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે જીવવું પડતું હતું, પરંતુ ભારત સરકારે તેમને આશ્રય અને તમામ સુવિધાઓ પૂરી પાડી છે. આખો પરિવાર ભારતમાં આવી જતાં અને નાગરિકતા મળતાં તેઓ અત્યંત આનંદ અનુભવી રહ્યા છે.

 
આગળનો લેખ
Gold Silver Price Down: સોના કરતાં ચાંદીના ભાવ કેમ વધુ ઘટ્યા? આગામી 10 દિવસમાં ભાવમાં કેટલો ઘટાડો થશે? દિવાળીના નવા દરો જાહેર થયા છે.