મ્યાનમાર સાથે સંબંધ મજબૂત કરવા પર ચર્ચા, મોદીની આંગ સાન સૂકી સાથે મુલાકાત
ચીનમાં બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી મંગળવારે ત્રણ દિવસીય યાત્રા મ્યાનમાર ગયા છે. બ્રિક્સમાં પીએમ નરેન્દ્ર મોદીની યાત્રા કામયાબ માનવામાં આવી રહી છે. આ યાત્રામાં પહેલીવાર ચીની ધરતી પરથી પાકિસ્તાનના આંતકવાદી સંગઠનો પર આંગળી ઉઠાવવામાં આવી છે. પીએમ મોદીનો મ્યાનમારની આ પ્રથમ દ્વિપક્ષીય યાત્રા છે. તે અગાઉ 2014માં આસિયાન ભારત શિખર સમ્મેલનમાં ભાગ લેવા ગયા હતા.
પીએમ મોદીએ તેમના ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, આ મુલાકાત ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ કરશે. બંને દેશોની સરકારો અને બિઝનેસો વચ્ચે ગાઢ સહકારનો માર્ગ તૈયાર કરશે.
મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ હટિન ક્યાવે મંગળવારે સાંજે પીએમ મોદીના માનમાં ભોજનસમારંભનું આયોજન કર્યું હતું જ્યાં મોદીએ રાષ્ટ્રપતિ યૂ હટિન ક્યાવને સાથે મુલાકાત કરી અને મ્યાનમાર સાથે ભારતના ઐતિહાસિક સંબંધ મજબૂત કરવાની ચર્ચા કરી. ક્યાવના નિમંત્રણ પર મોદી મ્યાનમાર ગયા છે. પીએમ મોદી બુધવારે મ્યાનમારના સ્ટેટ કાઉંસલર આંગ સાન સૂકી સાથે દ્વિપક્ષિય ચર્ચા કરશે.