રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 4 ઑગસ્ટ 2021 (12:29 IST)

લવલીના બોરગોહાઈ : જાણો કોણ છે લવલીના બોર્ગોહાઈ જેણે ભારતને મેડલ અપાવ્યો

ભારતીય મહિલા બૉક્સર લવલીના બોરગોહાઈની ટોક્યો ઑલિમ્પિકમાં સેમિફાઇનલમાં હાર થઈ છે અને એ સાથે જ તેઓ ત્રીજા ક્રમાંકે કાંસ્યપદક વિજતા બન્યાં છે. લવલીનાએ ભારત માટે બીજો ઑલિમ્પિક મેડલ પીવી સિંધુ અગાઉ જ નિશ્ચિત કરી લીધો હતો. એમની પાસે બ્રોન્ઝ મેડલને સિલ્વર કે ગોલ્ડમાં તબદીલ કરવાનો મોકો હતો પંરતુ તેઓ દુનિયાનાં નંબર એક મહિલા બૉક્સર બુસેનાઝ સુર્મેનલી સામે હારનો સામનો કરવો પડ્યો. સેમિફાઇનલમાં હાર સાથે જ તેઓ ત્રીજા ક્રમાંકે રહ્યાં છે અને તેમને બ્રોન્ઝ મેડલ એનાયત થશે.
 
સેમિફાઇનલમાં હાર બાદ મૅચમાં લવલીનાએ કહ્યું કે, તેઓ બહેતર ન કરી શક્યાં તેનાથી નાખુશ છે. એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે પણ નિશાન તો ગોલ્ડ મેડલ જ હતો. ઑલિમ્પિકમાં મહિલાઓનાં પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે, આનાથી અનેક છોકરીઓને પ્રેરણા મળશે.
 
એમણે કોચ સંધ્યા ગૌરાંગને દ્રોણાચાર્ય સન્માનનાં હકદાર છે એમ પણ કહ્યું. લવલીનાએ બૉક્સિંગ વેલ્ટરવેટ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીનનાં તાઈપેની નિએન-ચિનને હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. 
 
લવલીનાએ જે નિએન-ચિન ચેન સામે જીત મેળવી, તેઓ પૂર્વ વિશ્વ ચૅમ્પિયન છે અને ભૂતકાળમાં કેટલાક મુકાબલામાં તેમણે લવલીનાને હરાવ્યાં પણ હતાં. લવલીના વર્ષ 2018ની વિશ્વ ચૅમ્પિયનશિપમાં પણ તેમની સામે હાર્યાં હતાં. પરંતુ આ વખતે તેમણે જીત મેળવી છે. ભારતનાં નાનાં ગામો-કસબામાંથી આવતાં અન્ય ખેલાડીઓની જેમ જ 23 વર્ષીય લવલીના પણ આર્થિક પરેશાનીઓનો સામનો કરીને ઑલિમ્પિક સુધી પહોંચ્યાં છે.
 
લવલીનાને માઇક ટાયસનની સ્ટાઇલ પસંદ છે પણ મહમદઅલી તેમને પ્રિય છે. જોકે, આ બધાથી અલગ તેમને પોતાની એક ઓળખ પણ ઊભી કરવી છે.
 
કિકબૉક્સિંગથી બૉક્સર બનવાની સફર
 
લવલીના બોરગોહાઈએ સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવ્યું એ પ્રસંગે
 
આસામના ગોલાઘાટ જિલ્લામાં 2 ઑક્ટોબર 1997એ ટિકેન મામોની બોરગોહાઈના ઘરે લવલીનાનો જન્મ થયો હતો.
 
તેમના પિતા ટિકેન એક નાના વેપારી હતા અને પોતાની દીકરીની ઇચ્છાઓ પૂરી કરવામાં, તેને સાથ આપવા તેમણે ખૂબ આર્થિક સંઘર્ષ કરવો પડ્યો હતો.
 
એમને લવલીના સહિત ત્રણ દીકરીઓ હતી અને પાડોશમાંથી ઘણી વાતો સાંભળવી પડતી હતી.
 
જોકે, તેને અવગણીને જોડકી બહેનો લિચા અને લીમાએ કિકબૉક્સિંગ શરૂ કરી અને આ જોઈને લવલીના પણ જોડાયાં.
 
લવલીનાની બેઉ બહેનો કિકબૉક્સિંગમાં નેશનલ ચૅમ્પિયન બની પરંતુ લવલીનાએ પોતાના માટે કંઈક અલગ વિચારી રાખ્યું હતું.
 
તેમનો એક કિસ્સો જાણીતો છે. એક દિવસ તેમના પિતા અખબારમાં વીંટાળીને મીઠાઈ લાવ્યા તો તેમાં લવલીનાને મહમદઅલીની તસવીર જોઈ.
 
એ વખતે પિતાએ મહમદઅલીની કહાણી દીકરીને સંભળાવી અને પછી બૉક્સિંગની સફર શરૂ થઈ.
 
પ્રાયમરી સ્કૂલમાં 'સ્પોર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા'ની ટ્રાયલ થઈ તેમાં કૉચ પાદુમ બોરોની નજર લવલીના પર પડી, અને એ રીતે વર્ષ 2012થી બૉક્સિંગ તાલીમનો આરંભ થયો.
 
પાંચ વર્ષોની અંદર તેઓ એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ સુધી પહોંચી ગયાં. જોકે, લવલીનાને ભારતમાં એક અલગ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડ્યો.
 
તેમની કૅટેગરીમાં મહિલા ખેલાડી ઓછી છે આથી તેમને અભ્યાસ માટે 'સ્પારિંગ પાર્ટનર' (સાથી બૉક્સર) નથી મળતી.
 
તેમણે ઘણી વાર એવા ખેલાડીઓ સાથે અભ્યાસ કરવો પડે છે જે 69 કિલોગ્રામ વર્ગના નથી હોતા.
 
ઑલિમ્પિક પહેલાં માતાની સર્જરી
 
આસામમાં લવલીનાને 'ગુડ લક' કહી રહેલા લોકો. વિપક્ષ અને સત્તાપક્ષે લવલીના માટે એક સંયુક્ત રેલી પણ કરી હતી
 
ટોક્યો ઑલિમ્પિક અગાઉ અમુક મહિના લવલીના માટે મુશ્કેલ હતા. લવલીનાનાં માતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની હતી એટલે એ તાલીમમાં નહોતાં જોડાઈ શક્યાં.
 
સર્જરી બાદ લવલીના તાલીમમાં પરત ફર્યાં. જોકે, કોરોનાની બીજી લહેરને કારણે તેમને લાંબો સમય પોતાના રૂમમાં જ વીડિયો માફરતે તાલીમ લેવી પડી. કેમ કે કોચિંગ સ્ટાફના અમુક સભ્યો એ વખતે કોરોનાથી સંક્રમિત હતા.
 
માર્ગમાં અવરોધો અનેક આવ્યા પણ લવલીનાએ એક-એક કરીને તમામને પાર કર્યાં.
 
એ મહિલા, જે જાપાનમાં લોકોને હિન્દી ભાષા શીખવી રહ્યાં છે
 
લવલીનાની કારકિર્દીમાં મહત્ત્વનો પડાવ વર્ષ 2018માં આવ્યો, જ્યારે કૉમનવેલ્થ ગૅમ્સ માટે તેમની પસંદગી કરવામાં આવી.
 
જોકે, લવલીનાને આ વિશે સત્તાવાર સૂચના કથિત રીતે નહોતી અપાઈ અને તેમને અખબાર મારફતે આ વાત જાણવા મળી હોવાની વાતનો વિવાદ પણ થયો હતો.
 
કૉમનવેલ્થમાં તેઓ મેડલ જીતી ન શક્યાં પરંતુ અહીંથી તેમણે રમતની તકનીક અને માનસિક તથા મનોવૈજ્ઞાનિક પાસાં પર કામ કરવાનું શરૂ કર્યું.
 
પરિણામ એ આવ્યું કે વર્ષ 2018 અને 2019માં તેમણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કાંસ્ય પદક જિત્યું.
 
તાજેતરમાં ટોક્યો ઑલિમ્પિકમાં મણિપુરનાં મીરાબાઈ ચાનુએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો ત્યારે હવે પૂર્વોત્તરનાં જ લવલીનાએ પણ મેડલ પાક્કો કરી લીધો છે.
 
આસામમાં લવલીનાને લઈને એટલો ઉત્સાહ છે કે આસામના મુખ્ય મંત્રી અને વિપક્ષના ધારાસભ્યોએ એક સાથે લવલીનાનાં સમર્થનમાં સાઇકલ રેલી કાઢી હતી.
 
સ્પોર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના એક વીડિયોમાં લવલીનાએ કહ્યું હતું કે તેમને કમ સે કમ એક વાર તો ઑલિમ્પિકમાં ભાગ લેવો જ છે અને પછી પ્રોફેશનલ બૉક્સિંગ કરવી છે.
 
ઑલિમ્પિકની પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં તેમને બાય મળ્યો હતો અને જર્મન ખેલાડીને હરાવીને તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં હતાં.