1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Cyclone Alert

6 રાજ્યો પર ખતરો મંડરાઈ રહ્યો છે, ISROએ આગામી 3 મહિના માટે ચેતવણી જારી કરી

cyclone
દેશ ત્રણ ચક્રવાતના ભયનો સામનો કરી રહ્યો છે, અને આ ત્રણેય આગામી ત્રણ મહિનામાં લગભગ છ રાજ્યોમાં વિનાશ વેરી શકે છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના સમયગાળા માટે ચેતવણી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ત્રણ ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવાની ધારણા છે, અને આ ત્રણેયની તીવ્રતા છેલ્લા 44 વર્ષ કરતા 83% વધુ હોવાની ધારણા છે. તેથી, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સતર્ક રહેવું જોઈએ, અને સરકારોએ અગાઉથી સાવચેતીનાં પગલાં લેવા જોઈએ.

40 વર્ષમાં સૌથી ખતરનાક વાવાઝોડું આવશે? ISROના પૂર્વાનુમાનનો શું છે અર્થ, જાણો PDIનો આખો ખેલ
 
ભારતમાં સામાન્ય રીતે વાવાઝોડાની બે મુખ્ય સિઝન જોવા મળે છે. પહેલી સિઝન ચોમાસું શરૂ થાય તે પહેલાં એટલે કે એપ્રિલથી જૂનની શરૂઆત સુધી હોય છે, જ્યારે બીજી સિઝન ચોમાસું પૂરું થયા બાદ ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન રહે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં વાવાઝોડાં સર્જાવાની શક્યતા વધુ રહે છે. ચોમાસા દરમિયાન સામાન્ય રીતે વાવાઝોડાંનું નિર્માણ ઓછું જોવા મળે છે.
 
ઉત્તર હિંદ મહાસાગરમાં મુખ્યત્વે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે અરબી સમુદ્રની સરખામણીએ બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડાં સર્જાય છે.
 
ISROના પૂર્વાનુમાન બાદ કેમ થઈ રહી છે ચર્ચા?
 
ISROની એક શાખા દ્વારા કરવામાં આવેલા મોસમી પૂર્વાનુમાન બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે આ વર્ષે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન આવ્યું હોય એવું ખતરનાક વાવાઝોડું આવી શકે છે. જોકે, આ વાતને સમજવા માટે ISROના પૂર્વાનુમાનમાં આપવામાં આવેલા **Power Dissipation Index (PDI)**ને સમજવો જરૂરી છે.
 
પૂર્વાનુમાન મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં 3 ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સર્જાવાની શક્યતા છે. આ વાવાઝોડાંનો કુલ Power Dissipation Index (PDI) 13.06 × 10⁶ નૉટ્સ રહેવાનું અનુમાન છે. આ આંકડો છેલ્લા 44 વર્ષના સરેરાશ PDI 7.15 × 10⁶ કરતાં વધારે છે.
 
શું છે Power Dissipation Index એટલે કે PDI?
 
Power Dissipation Index (PDI) એક વૈજ્ઞાનિક માપદંડ છે, જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલી ઊર્જા મુક્ત કરે છે તેનો અંદાજ આપે છે.
 
માત્ર એક સિઝનમાં કેટલાં વાવાઝોડાં સર્જાશે તેનાથી વાવાઝોડાની સિઝનની તીવ્રતા નક્કી થતી નથી. PDIમાં વાવાઝોડું કેટલા સમય સુધી ટકી રહે છે અને તે દરમિયાન કેટલું શક્તિશાળી બને છે, જેવી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
 
સરળ ભાષામાં કહીએ તો, એક સિઝનમાં કેટલાં વાવાઝોડાં સર્જાયાં, તેઓ કેટલા શક્તિશાળી હતાં અને કેટલા સમય સુધી સક્રિય રહ્યાં—આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને PDIની ગણતરી કરવામાં આવે છે. તેથી PDI માત્ર વાવાઝોડાંની સંખ્યાનો આંકડો નથી.

તો શું આ વર્ષે એક જ અત્યંત ખતરનાક વાવાઝોડું આવશે?

 
ISROના પૂર્વાનુમાનમાં સરેરાશ કરતાં વધુ PDI રહેવાની વાત કરવામાં આવી છે. તેનો સીધો અર્થ એવો નથી કે આ સિઝનમાં કોઈ એક જ વાવાઝોડું અત્યંત ખતરનાક અથવા છેલ્લા 40 વર્ષનું સૌથી શક્તિશાળી હશે.
 
તેનો અર્થ એ છે કે આ સિઝનમાં સર્જાનારા તમામ વાવાઝોડાં દ્વારા મુક્ત થનારી કુલ ઊર્જા લાંબા ગાળાની સરેરાશ કરતાં વધુ રહેવાની શક્યતા છે.

વાવાઝોડું ક્યારે અને ક્યાં આવશે તે અગાઉથી નક્કી કરવું મુશ્કેલ

 
આ વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ એક મોસમી પૂર્વાનુમાન છે. વાવાઝોડું ચોક્કસ ક્યારે, ક્યાં અને કેટલી તીવ્રતાનું બનશે, તેની આગાહી આટલા લાંબા સમય પહેલાં ચોક્કસ રીતે કરવી મુશ્કેલ હોય છે.
 
તેવી જ રીતે, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં મળીને ચોક્કસ 3 વાવાઝોડાં જ સર્જાશે, એવું પણ જરૂરી નથી. વાવાઝોડાંની સંખ્યા આના કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે અને તેમ છતાં સિઝનનો PDI સરેરાશ કરતાં વધારે રહી શકે છે.
 
અટલે ISROના આ પૂર્વાનુમાનને “40 વર્ષનું સૌથી ખતરનાક એક વાવાઝોડું આવવાનું છે” તરીકે સમજવું યોગ્ય નથી. તે સમગ્ર વાવાઝોડાની સિઝનમાં વાવાઝોડાંની કુલ તીવ્રતા અને ઊર્જા સરેરાશ કરતાં વધુ રહેવાની સંભાવના દર્શાવે છે.

ભારતમાં એક વર્ષમાં કેટલાં વાવાઝોડાં સર્જાય છે
ઉત્તર હિંદ મહાસાગર - બંગાળની ખાડી અને અરબી સમુદ્ર- માં વર્ષે આશરે પાંચ જેટલાં વાવાઝોડાં સર્જાય છે. જે વિશ્વભરમાં સર્જાતાં વાવાઝોડાંનાં 5થી 6 ટકા જેટલાં છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે વિશ્વમાં દર વર્ષે સરેરાશ 80 જેટલાં વાવાઝોડાં સર્જાય છે.
 
ગુજરાત જેના કાંઠે આવેલું છે એ અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં સામાન્ય રીતે વધારે વાવાઝોડાં સર્જાય છે. હવામાન વિભાગ પ્રમાણે અંદાજે ચાર વાવાઝોડાં બંગાળની ખાડીમાં સર્જાય ત્યારે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સર્જાય છે.
 
મેથી જૂન અને ઑક્ટોબરથી નવેમ્બર દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાં વધારે તીવ્ર હોય છે. જ્યારે ચોમાસા દરમિયાન સર્જાતી સિસ્ટમો એટલી તીવ્ર હોતી નથી.
 
આ ઉપરાંત વિશ્વભરમાં સર્જાતાં વાવાઝોડામાંથી 20-30 વાવાઝોડાં એવાં હોય છે જે ખૂબ જ વધારે તાકવર બની જાય છે એટલે કે તે અતિ તીવ્ર ચક્રવાતની કૅટેગરીમાં આવી જાય છે.
 
જ્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાંમાંથી 2થી 3 વાવાઝોડાં વધારે તાકતવર બને છે.
 
જ્યારે અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંને જોવામાં આવે તો તેનો ખતરો ગુજરાત પર સૌથી વધારે રહેલો છે. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં આગળ વધીને મોટે ભાગે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કાંઠે આવેલા દેશો જેવા કે પાકિસ્તાન, ઓમાન, યમન અથવા સોમાલિયા તરફ જાય છે.
 
જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે કોર્ટમાં કહ્યું કે 'અમે હિન્દુ નથી'
બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં કેમ સર્જાય છે?
 
હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં વાવાઝોડાં સામાન્ય રીતે આંદામાન સાગર કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાય છે અથવા ઉત્તર-પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલાં વાવાઝોડાનાં અવશેષો ચીનના સમુદ્ર પરથી થઈને બંગાળની ખાડીમાં આવે છે.
 
પ્રશાંત મહાસાગરમાં ઉત્તર હિંદ મહાસાગર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે અને તેની બાકી રહેલી સિસ્ટમો બંગાળની ખાડીમાં પહોંચ્યા બાદ ફરીથી વાવાઝોડાનું સ્વરૂપ લેતી હોય છે. જેથી અહીં વધારે વાવાઝોડાં સર્જાય છે.
 
અરબી સમુદ્રમાં સામાન્ય રીતે દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વાવાઝોડાં સર્જાય છે અથવા બંગાળની ખાડીનાં વાવાઝોડાંના બાકી રહેલા અવશેષો અરબી સમુદ્ર પર પહોંચે છે. પરંતુ આ સિસ્ટમો અરબી સમુદ્ર પર પહોંચતા પહેલાં ખૂબ નબળી પડી જાય છે. જેથી ઘણી સિસ્ટમો અરબી સમુદ્રમાં પહોંચી શકતી નથી.
 
હવામાન વિભાગની માહિતી પ્રમાણે અરબી સમુદ્રનું તાપમાન બંગાળની ખાડીના તાપમાન કરતાં સામાન્ય રીતે નીચું હોય છે. જેના કારણે અહીં વાવાઝોડાં ઓછાં સર્જાય છે.
આગળનો લેખ
BMW 7 Series Facelift લૉંન્ચ, મસાજવાળી સીટ સાથે લકઝરી ઈંટિરિયર, જાણો કિમંત