21મીએ અટલજીના અસ્થિકળશ ગુજરાતમાં નર્મદા સહિત છ નદીઓમાં અસ્થિવિસર્જન
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના અસ્થિકળશ ૨૧મી ઓગષ્ટે ગુજરાત આવી પહોચશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઇને અમદાવાદ આવશે તે વખતે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.જોકે,૨૪-૨૫મી ઓગષ્ટે મળનારી પ્રદેશ કારોબારીની બેઠક હાલપુરતી મુલતવી રાખવામાં આવી છે.
૧૬મી ઓગષ્ટે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનુ અવસાન થયુ હતું. ગુજરાત પ્રદેશ ભાજપે ૨૨મી ઓગષ્ટે સર્વદલિય સાર્વજનિક પ્રાર્થના સભાનું આયોજન કર્યુ છે. સાંજે ૪થી ૬ દરમિયાન પ્રાર્થનાસભા યોજાનાર છે. આ ઉપરાંત ૨૧મીએ બપોરે સાડા ત્રણ વાગે અમદાવાદ એરપોર્ટ પર અટલજીના અસ્થિકુંભ પહોચશે. અસ્થિ વિસર્જન માટે પણ ખાસ રુટ બનાવાયા છે. ૨૧મીએ અમદાવાદમાં સાબરમતી અને સુરતમાં તાપીમાં અસ્થિવિસર્જન કરાશે જયારે ૨૫મીએ સોમનાથ સ્થિત ત્રિવેણી સંગમ અને વડોદરામાં મહીમાં અસ્થિ વિસર્જન કરવા નક્કી કરાયુ છે. ૨૭મીએ સિધ્ધપુરમાં સરસ્વતી અને ભરુચમાં નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવનાર છે.
આ ઉપરાંત ૨૫થી ૩૦ ઓગષ્ટ સુધી મહાનગરો ઉપરાંત જીલ્લામથકોએ પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી છે. રાજ્યની નગરપાલિકા,જીલ્લા અને તાલુકા પંચાયતો, મ્યુનિ.કોર્પોરેશન, સરકારી બોર્ડ નિગમો, વિવિધ સહકારી સંસ્થાઓમાં ય અટલજીના અવસાન અંગેનો શોક પ્રસ્તાવ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ શોકત પ્રસ્તાવ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટસ પર ઇમેલથી મોકલી આપવા જણાવી દેવાયુ છે. નોંધનીય છેકે,આ કાર્યક્રમમાં કયાંય ભાજપ પક્ષના ઝંડા કે ધજાનો ઉપયોગ નહી કરવા આદેશ જારી કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે.ભારે વરસાદને કારણે વડાપ્રધાનની મુલાકાત રદ કરાઇ હતી. આ વખતે ૨૩મી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ સિંચાઇ યોજનાનું ઉદઘાટન કરવાના છે.