અસમના કાજીરંગામાં ટ્રક અને બસની ટક્કર, 20 લોકોના મોત, અનેક ઘાયલ
Assam bus crash
આસામના કાઝીરંગા નજીક રોંગાજહાનથી એક દુ:ખદ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે, જ્યાં એક ટ્રક અને મિનિબસ વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હોવાની આશંકા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે, મૃત્યુઆંક હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવ્યો નથી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ઝડપી ગતિએ જતી મિનિબસે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સ્વપ્નિલ ડેકાએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે, "અમને પ્રારંભિક અહેવાલો મળ્યા છે કે અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. અમે બધા ઘટનાસ્થળે હાજર છીએ અને બસમાંથી મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે."
ઘાયલોને સારવાર માટે કોહોરા મોડેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે.
શુક્રવારે બપોરે, કાઝીરંગા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લગભગ 40 મુસાફરોને લઈ જતી એક મિનિબસ ટ્રેલર ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 20 લોકોના મોતની આશંકા છે.
અહેવાલો અનુસાર, મિનિબસ ઉપલા આસામના જોરહાટથી ગુવાહાટી જઈ રહી હતી. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ 715 પર કોહોરા રેન્જમાં હાટીકુલી ટી એસ્ટેટ નજીક રંગાજન ખાતે થયો હતો.
અકસ્માતના થોડા સમય પછી ઘટનાસ્થળે પહોંચેલા કેબિનેટ મંત્રી અતુલ બોરાએ કહ્યું, "પ્રશાસન દ્વારા મને જાણ કરવામાં આવી છે કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. મિનિબસને થયેલા નુકસાનને જોતાં એવું લાગે છે કે તે ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી."

