શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2024 (10:36 IST)

સાબરકાંઠામાં ભાજપના લોકસભા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કેમ થઈ રહ્યો છે

સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારનો વિરોધ 
ભાજપ તરફથી સાબરકાંઠા લોકસભા માટે પડતા મુકાયેલ ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના કાર્યકરોએ અરવલ્લી અને મોડાસામાં કમલમના કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા.

Sabarkantha- સાબરકાંઠા લોકસભા માટે પહેલાં ભીખાજી ઠાકોરને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
 
જોકે તેમની અટક અને જ્ઞાતીને લઈને થયેલા વિવાદ પછી તેમણે ગત શનિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું કે, "હું લોકસભા 2024ની ચૂંટણી અંગત કારણોસર લીધે નહીં લડી શકું."
 
ભાજપે પોતાની જાહેર કરેલી અંતિમ યાદીમાં સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયાને ટિકિટ આપી હતી.
 
કાર્યકરોએ કહ્યું કે "શોભનાબહેન બારૈયા આયાતી ઉમેદવાર છે અને તેઓ પાર્ટીનાં સભ્ય પણ નથી. તેમને જો સીધી ટિકિટ આપવામાં આવતી હોય અને પાર્ટી માટે 20-25 વર્ષથી કામ કરતા કાર્યકરોની કદર ન થતી હોય તો આવનારા સમયમાં કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભાજપના કાર્યકરોએ ઘરે બેસી જવું પડશે. એટલે જ ભાજપે ફરીથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવી જોઈએ અને અમે ખાતરી આપીએ છીએ કે તેમને અમે જંગી બહુમતીથી જિતાડીશું."
 
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગરમાં ભીખાજી ઠાકોર સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ભીખાજી ઠાકોરે કહ્યું, "પાર્ટીનો નિર્ણય મારા માટે માથા પર છે. હું નારાજ નથી. હું પાર્ટીનું કામ કરીશ અને કાર્યકરોને પણ સમજાવીશ."
 
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના વડોદરા લોકસભાનાં ઉમેદવાર રંજનબહેન ભટ્ટે પણ આંતરિક વિરોધ પછી પોતે લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી. જ્યારે પોરબંદરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા વિરુદ્ધ પણ પોરબંદર લોકસભા વિસ્તારમાં બેનરો લાગ્યાં હતાં.