શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2024 (08:00 IST)

કોર્ટે કેજરીવાલના રિમાન્ડ પહેલી એપ્રિલ સુધી વધાર્યા, કેજરીવાલ શું બોલ્યા?

Arvind Kejriwal- દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ વધુ સાત દિવસ લંબાવવાની માગ કરવામાં આવી હતી.
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કોર્ટે ચુકાદો સંભળાવતા પહેલી એપ્રિલ સુધી અરવિંદ કેજરીવાલની રિમાન્ડ વધાર્યા છે અને ત્યાં સુધી તેઓ ઈડીની કસ્ટડીમાં રહેશે.
 
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.
 
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીએમ કેજરીવાલને ધરપકડના એક સપ્તાહ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા.
 
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
 
બીબીસીના કાનૂની બાબતોના સંવાદદાતા ઉમંગ પોદ્દારના જણાવ્યા અનુસાર આ સુનાવણીમાં કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ, દિલ્હી સરકારનાં મંત્રી આતિશી, સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતાં.
 
ઈડીએ કોર્ટને કેજરીવાલની કસ્ટડી વધુ સાત દિવસ લંબાવવા જણાવ્યું હતું.
 
આ દરમિયાન કેજરીવાલે કોર્ટને કહ્યું કે તેઓ રિમાન્ડનો વિરોધ નથી કરતા, પરંતુ તેઓ ઈડી દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સંપૂર્ણ તપાસ માટે તૈયાર છે.
 
જોકે, કેજરીવાલના વકીલે કોર્ટને કહ્યું કે કેજરીવાલ વિરોધ નથી કરી રહ્યા તેનો અર્થ એ નથી કે તેઓ ઈડી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારે છે.
 
તેમણે કહ્યું, "સાચું કૌભાંડ તો ઈડીની તપાસ પછી થયું છે. તેમનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો છે. ઈરાદો એવું વાતાવરણ ઊભું કરવાનો છે કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટ છે."
 
કેજરીવાલે કોર્ટમાં આરોપ લગાવ્યો કે, "ભાજપને ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા 55 કરોડનું દાન મળ્યું. આમાં મની ટ્રેઇલ સ્પષ્ટપણે સાબિત થઈ હતી. એક સહ-આરોપીએ ધરપકડ થયા બાદ રૂ. 55 કરોડનું દાન આપ્યું હતું. તપાસનો હેતુ આ જ હતો."
 
તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈડીનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને કચડવાનો છે.
 
પીટીઆઈ અનુસાર, કોર્ટમાં રજૂ કરાય તે પહેલાં કેજરીવાલને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના નિવેદન પર તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. વીકે સક્સેનાએ એવું કહ્યું હતું કે જેલમાંથી દિલ્હીની સરકાર નહીં ચાલે.
 
તેના પર કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે, લોકો તેનો જવાબ આપશે.