મોદી સરકાર 3.0માં ખાતાંની વહેંચણી : ગુજરાતમાંથી કોને કયું મંત્રાલય મળ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી મંત્રીપરિષદના શપથગ્રહણના એક દિવસ બાદ મંત્રીઓને વિભાગની વહેંચણી કરવામાં આવી છે. સરકારે ચાર મહત્ત્વપૂર્ણ વિભાગોમાં કોઈ ખાસ ફેરફાર નથી કર્યા. અમિત શાહને આ વખતે પણ ગૃહ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
રાજનાથસિંહ પાસે સંરક્ષણ મંત્રાલયનો પ્રભાર ચાલુ રહેશે. વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને માર્ગપરિવહન મંત્રી નીતિન ગડકરીનાં ખાતાં ગત મંત્રીમંડળની માફક રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવી કૅબિનેટમાં ગત સરકારના કેટલાય મંત્રીઓને આ વખતે જગ્યા નથી મળી. આવાં મંત્રીઓમાં સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર અને અનુરાગ ઠાકુરનાં નામ પ્રમુખ છે.
જેડીયુના રાજીવરંજનસિંહને પંચાયતી રાજ, ડેરી અને પશુપાલન મંત્રાલય આપવામાં આવ્યું છે. આ મંત્રાલય ગત ટર્મમાં પરશોત્તમ રૂપાલા પાસે હતું.
ટીડીપીના કે. રામમોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. આ મંત્રાલય પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે હતું તેમને આ વખતે કમ્યુનિકેશન તથા ઉત્તર-પૂર્વના રાજ્યોના વિકાસની જવાબદારી અપાઈ છે. પહેલીવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવામાં આવેલા સી.આર. પાટીલને જળશક્તિ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
જ્યારે મનસુખ માંડવિયાને શ્રમ, રોજગાર, યુવા અને રમતગમત બાબતોનું મંત્રાલય આપવામાં આવ્યું છે.