લોકસભાની ચૂંટણી 2019-અમદાવાદમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના ગુરૂવારના છેલ્લા દિવસે અમદાવાદમાં ૨૬ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કુલ ૩૪ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર કુલ ૧૭ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ તેમજ મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સધન પ્રયાસો હાથ ધરાયા છે. અત્યાર સુધીમાં ૧૧,૦૦૦ વાહનો ચેક કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાંથી ૧.૫૫ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. શહેરમાંથી ૧૫,૩૬૧ દારૂની બોટલ પકડી પાડીને કુલ ૪૫ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ૭૩ લાખનો દારૂ ઝડપી પડાયો છે. શહેરમાંથી ૧૭,૦૦૦ બેનર-જાહેરાતો સરકારી મકાનો પરથી તથા ૧૩,૦૦૦ બેનરર-જાહેરાતો ખાનગી માલિકીના મકાનો પરથી હટાવવામાં આવ્યા છે. ઇવીએમ પ્રશિક્ષણ માટે શહેરમાં ૧,૩૮૦ જગ્યાએ ઇવીએમ નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ૪.૧૭ લાખ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૩ લાખ લોકોએ મોક વોટિંગ કર્યું હતું.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર ૨૦૧૫થી ૩,૩૫,૭૦૭ ચૂંટણીકાર્ડના ફોર્મ સ્વીકારાયા હતા. તમામનો નિકાલ કરાયો છે. સુધારા સાથેના અને નવા ચૂંટણીકાર્ડ વિતરણની પ્રક્રિયા ચાલુ છે. હાલમાં નવા ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા નથી. અમદાવાદમાં ૭૧૯ શતાયું મતદાતાઓ છે. જેમને સાથે રાખીને આગામી દિવસોમાં શતાયુ મતાદાતા ઉજવણી કરાશે. ૧૬,૦૦૦ દિવ્યાંગ મતદાતાઓ માટે હાલમાં ૯૧૩ વ્હિલચેર અને મદદ માટે ૨,૫૦૦ સ્વયંસેવકોની વ્યવસ્થા કરાઇ છે. અમદાવાદમાં આચારસંહિતા ભંગની આઠ ફરિયાદો થઇ હતી. જે તમામનો નિકાલ કરી દેવાયો છે. તેમજ સિ-વિજીલ એપ્લીકેશન મારફત ૬૭ ફરિયાદો મળી હતી. જેનો પણ નિકાલ કરી દેવાયો છે.