કોંગ્રેસના બે ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરાને દિલ્હીનું તેડું
કોંગ્રેસમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઇને ચાલી રહેલી વિચારણા દરમિયાન બે ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બન્ને નેતાઓને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર જોવા આવે છે. લલિત કગથરાએ રાજકોટ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે, જ્યારે લલિત વસોયાએ પોરબંદર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. આટલું જ નહીં, બન્ને નેતાઓને પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહ્યાં છે.
શિવરાજ પટેલે રાજકોટથી ચૂંટણી લડવાની ના પાડ્યાં બાદ નવા સમીકરણો બની રહ્યાં છે.દિલ્હી જતાં પહેલાં લલિત કગથરાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ટિકિટ માટે દિલ્હી નથી જઇ રહ્યો. પરંતુ જો પાર્ટી ચૂંટણી લડવાનું કહેશે તો હું તૈયાર છું. હું પાર્ટીનો વફાદાર સૈનિક છું. પાર્ટીના આદેશનું પાલન કરીશ.
દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે જ ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. સાથે જ તેમણે રાજકોટ કોંગ્રેસમાં ભંગાણની વાત પણ નકારી હતી. ઉપરાંત પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગી મામલે પણ કોંગ્રેસમાં વિકટ પરિસ્થિતિ ઉભી થતી જોવા મળી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર બેઠક પર કોળી બાદ ક્ષત્રિય સમાજે પણ દાવેદારી નોંધાવી છે. કુલ મળીને આ બેઠક પર ચાર લોકોએ દાવેદારી નોંધાવતાં કોંગ્રેસ અવઢવમાં છે. સોમા પટેલ, લાલજી મેર, ઋત્વિક મકવાણા બાદ હરપાલસિંહ ચુડાસમાએ પણ દાવેદારી નોંધાવી છે.