બાળવાર્તા - ઉપકારનો બદલો
એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા નહોતી. શિયાળો આવી પહોંચ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો બચ્ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈ, મારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્યા હોય તો બચ્ચાંને તેમાં રહેવા દોને.’
કૂતરો ભલો હતો. તે બોલ્યો, ‘બચ્ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.’
કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.’
કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.’
કૂતરો બોલ્યો, ‘ભલે, થોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજે.’
કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્યો, ‘હવે તો બચ્ચાં મોટાં થઈ ગયાંને?’
કૂતરીએ રોફ દેખાડતાં કહ્યું, ‘હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરા પણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી.’
કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્યા ને જોરથી ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે અપકાર કરી બદલો વાળ્યો.
બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે. એટલે સમજી વિચારીને જ ઉપકાર કરવો!