રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By

Gujarati kids story - વાંદરાનું કાળજુ

''મિત્રતા એક અનોખો સંબંધ છે. દરેક માણસ પોતાના જીવનમાં મિત્રો બનાવે છે. પણ સાચા મિત્રો ઘણા ઓછાને મળે છે. તમે જાણો આ વાર્તા થી 
 
નર્મદા નદીને કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતુ. તેના પર એક વાંદરો રહેતો હતો. તે વાંદરાને જાંબુ ખૂબ જ ભાવતાં હતા. નીચે નદીમાં એક મગર પોતાના પરીવાર સાથે રહેતું હતુ. એક દિવસ વાંદરો જાંબુ ખાતો હતો, અને મગર નીચે આરામ કરી રહ્યો હતો. જાંબુ ખાતાં-ખાતાં વાંદરાના હાથમાંથી થોડાં જાંબુ નીચે મગર પર પડી રહ્યા હતા. મગરે તેને ચાખ્યાં તો તેને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગ્યો.
 
આ રોજનો ક્રમ થઈ ગયો હતો કે વાંદરો જાંબુ ખાતો અને નીચે પડેલાં જાંબુ ખાવા માટે મગર આમતેમ ડોલતો રહેતો હતો. એક દિવસ વાંદરાનું ધ્યાન મગરની આ ક્રિયા પર ગયું. આથી તેને જાણી જોઈને ઝાડની ડાળી હલાવી બહુ બધાં જાંબુ નીચે પાડ્યાં. મગર તો રાજીનો રેડ થઈ ગયો. આમ, બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ.
 
એક દિવસ મગર થોડાં જાંબુ પોતાના પરીવાર માટે લઈ ગયો. તેની પત્ની અને બાળકોને આ જાંબુ ખૂબ જ ભાવતા હતા. તેથી તે રોજ પોતાનાપરીવાર માટે જાંબુ લઈ આવતો. એક દિવસ તેની પત્નીને વિચાર આવ્યો કે આ જાંબુ કેટલા મીઠા છે. વાંદરો રોજ આ ફળ ખાય છે તો તેનું કાળજુ કેટલું મીઠું હશે ! તેને પોતાનો આ વિચાર પોતાના પતિને જણાવ્યો. મગરે પહેલા તો ના પાડી દીધી કે નહી એ તો મારો મિત્ર છે, હું આવુ કેવી રીતે કરી શકું ? પણ તેની પત્ની જીદ લઈને બેસી ગઈ કે તમે વાંદરને લઈને નહી આવો તો હું તમારી સાથે નહી રહું. 
વિચાર કરતાં-કરતાં મગરના મનમાં પણ લાલચ આવી ગઈ, અને પોતાની પત્નીને ખુશ કરવા તેણે આ વાત માની લીધી. 
 
બીજા દિવસે જ્યારે એ નદી કિનારે વાંદરાને મળ્યો ત્યારે તેણે કહ્યું કે ' તને કદી નદીની અંદરની દુનિયા જોવાની ઈચ્છા નથી થતી ? વાંદરો બોલ્યો ' થાય છે, પણ શું કરું મને તરતાં નથી આવડતુ ને.
 
મગરે કહ્યું ' અરે, હું છુ ને તારો દોસ્ત. તુ મારી પીઠ પર બેસી જા અને હું તને બધે ફરાવીશ. વાંદરો તો તૈયાર થઈ ગયો. અને તરતજ મગરની પીઠ પર જઈને બેસી ગયો. મગર પાણીમાં ઉતરી તરવા લાગ્યો. વાંદરો તો પહેલીવાર પાણીમાં ફરી રહ્યો હતો. તેને ખૂબ મજા પડી રહી હતી. બંને મિત્રોએ એકબીજા સાથે વાતચીત કરવાની શરૂ કરી દીધી.
 
જ્યારે વાતો કરતાં-કરતાં તેઓ નદીની વચ્ચે પહોંચ્યાં ત્યારે વાંદરાએ કહ્યું કે ' માફ કરજે મિત્ર, મારે તને મારવો પડશે, કારણકે મારી પત્નીને તારું કાળજુ ખાવું છે. આ સાંભળી વાંદરો પહેલાં તો ગભરાઈ ગયો, પણ પછી તરત જ મનમાં કાંઈ વિચારી બોલ્યો ' અરે મિત્ર, તારે મને પહેલાં કહેવું જોઈએ ને, આજે જ મે મારું કાળજું ધોઈને ઝાડ પર સૂકવવા મૂક્યું છે, આપણે તેને લેવા માટે પાછા ફરવું પડશે. 
 
મગર તો આ સાંભળી તરત જ લાળ ટપકાવતો પાછો વળ્યો. નદીને કિનારે આવતાં જ વાંદરો છલાંગ મારી ઝાડ પર ચઢી ગયો. અને બોલ્યો '
 
અરે, મૂર્ખ કાળજુ પણ કદી ઝાડ પર મૂકાય ? તેના વગર આપણે કેવી રીતે જીવી શકાય ? આજથી તારી અને મારી મિત્રતા તૂટી ગઈ. તારા જેવા મિત્ર હોય તો દુશ્મનની શું જરુર છે ? આ સાંભળી મગર શરમનો માર્યો નદીમાં પાછો વળી ગયો.
 
શીખ - આ વાર્તા પરથી શીખ મળે છે કે મિત્ર એવા હોવા જોઈએ જે મુસીબતમાં તમને કામ આવે, એવા મિત્રોથી દૂર રહો જે પોતાના સ્વાર્થ માટે તમને નુકશાન પહોચાડે.