બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (09:39 IST)

દિવાળી પછી ૧ર,૩૪૪ વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકોની ભરતી કરાશે

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્‍ચ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્‍યાઓ સત્‍વરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્‍વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત દિવાળી પછી તૂર્ત જ આ જગ્‍યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં જે જગ્‍યાઓની ભરતી થનાર છે તેમાં ૩૦૦૦ જેટલા પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકો, માધ્યમિક તથા ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણના ૭પ૧૮ શિક્ષણ સહાયકો તથા ઉચ્‍ચ શિક્ષણ સાથે સંકળાયેલી વિવિધ સંવર્ગની કુલ ૧૮ર૬ ખાલી જગ્‍યાઓની ભરતીનો સમાવેશ થાય છે. આમ, આગામી દિવસોમાં કુલ ૧ર,૩૪૪  વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો તથા અધ્યાપક સહાયકોની ભરતી થતાં શિક્ષણ કાર્યને વધુ વેગ મળશે. પ્રાથમિક શિક્ષણમાં જે ૩૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી થનાર છે તેમાં અન્‍ય માઘ્‍યમોમાં રહેલ ખાલી જગ્‍યા પર પ્રથમ ભરતી કરવામાં આવશે.
 
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્‍યાઓ કેન્‍દ્રીયકૃત રીતે ભરવા શિક્ષણ વિભાગે વર્ષ ર૦૧૧-૧રમાં જાહેરનામું બહાર પાડયું હતું. અગાઉ છેલ્‍લે એપ્રિલ  ર૦૧૬માં લગભગ ૬૩૧૬ જગ્‍યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી. તેમાંથી ૪૦૬૩ શિક્ષણ સહાયકોને નિમણૂંક આપી દેવામાં આવી હતી. ત્‍યારબાદ આર્થિક નબળા પછાત વર્ગના ઉમેદવારોને ૧૦ ટકા અનામત આપવાનું રાજય સરકારે ઠરાવતા હવે નવા રોસ્‍ટર રજીસ્‍ટર પ્રમાણિત કરાવ્‍યા બાદ શિક્ષણ સહાયક ઉમેદવારોની ભરતી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 
 
રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શાળાઓની જગ્‍યાઓમાં વયનિવૃત્‍તિથી નિવૃત્‍ત થતા શિક્ષકોની ખાલી જગ્‍યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં નિયામક શાળાઓની કચેરી દ્વારા કરવામાં આવશે. ઉલ્‍લેખનીય છે કે નિયામક શાળાઓની કચેરી દ્વારા સૌ પ્રથમવાર આટલી મોટી સંખ્‍યામાં શિક્ષણ સહાયકોની ભરતી થશે.
 
ઉચ્‍ચ શિક્ષણમાં ૧૮ર૬ જગ્‍યાઓની ભરતી થનાર છે તેમાં ૧૩૪ આચાર્યો, ૧૦૦૪ અધ્યાપક સહાયક અને બિન શૈક્ષણિક વર્ગ ૩-૪ની ૬૮૮ ખાલી જગ્‍યાઓની ભરતીનો સમાવેશ થાય છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકોની પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સહાયકોની ભરતીની કાર્યવાહી નિયામક, શાળાઓની કચેરી તથા અધ્યાપક સહાયકોની ભરતીની પ્રક્રિયા, કમિશ્‍નર, ઉચ્‍ચ શિક્ષણ કમિશ્‍નરની કચેરી દ્વારા કરવામાં આવશે.