સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (20:15 IST)

પાકિસ્તાની મહિલાએ વ્હાટ્સએપ પર કંઈક એવુ લખી નાખ્યુ કે કોર્ટે આપી મોતની સજા

પાકિસ્તાનમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક મહિલાને ઈશનિંદાના આરોપમાં ફાંસીની સજા આપવામાં આવી છે. મહિલા પર આરોપ છે કે તેણે વોટ્સએપ પર પૈગમ્બર મોહમ્મદ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. આ મામલો થોડો જૂનો છે પરંતુ હાલમાં જ તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ત્યાંની એક કોર્ટે મહિલાને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ ઘટના બાદ પાકિસ્તાનમાં ઈશનિંદાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
 
હકીકતમાં આ ઘટના પાકિસ્તાનની રાવલપિંડી કોર્ટની છે. ડૉનની રિપોર્ટ મુજબ કોર્ટે ફરિયાદી ફારૂક હસનાતની ફરિયાદ પર  બુધવારે આ નિર્ણય સંભળાવ્યો છે. આરોપી મહિલાનું નામ અનિકા અતીક છે અને તેની સામે ત્રણ આરોપો સાબિત થયા છે. કહેવામાં આવ્યું હતું કે મહિલાએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે, ઇસ્લામનું અપમાન કર્યું છે અને સાયબર કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
 
મહિલાએ આ બધું વોટ્સએપ પર મોકલેલા તેના એક મેસેજમાં કર્યું જ્યારે 2020માં તેણે તેના એક મિત્ર ફારૂકને ગુસ્સામાં અપશબ્દોથી ભરેલો મેસેજ મોકલ્યો. ફારુકે અનિકાને મેસેજ ડિલીટ કરવા અને માફી માંગવા કહ્યું, પરંતુ તેણીએ ના પાડી. આ પછી ફારુકે અનિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે અનિકા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
 
આ પછી મામલો રાવલપિંડી કોર્ટમાં પહોંચ્યો અને ત્યારબાદ કોર્ટે બુધવારે મહિલાને ફાંસીની સજા સંભળાવી. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફારુકે 2020માં જ અનિકા અતીક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અનિકા અને ફારૂક પહેલા મિત્રો હતા. પરંતુ તેઓની કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.