કુવૈતમાં આગને કારણે એક ભારતીય પરિવારના ચાર લોકોનું મોત
કુવૈતમાં શુક્રવારે રાતે ઘટેલી એક દુર્ઘટનામાં એક પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં.
આ દુર્ઘટના કુવૈત શહેરના અબાસ્સિયામાં ઘટી, જ્યાં મૅથ્યૂ મુલક્કલ નામની એક વ્યક્તિના ઘરે શુક્રવારે આગ લાગી હતી.
આ દુર્ઘટનામાં મૅથ્યૂ મુલક્કલ, તેમનાં પત્ની લીની મુલક્કલ અને તેમનાં બે બાળકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
કુવૈતમાં ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “આ દુર્ઘટના ઘરમાં આગ લાગવાને કારણે થઈ હતી. દૂતવાસ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે અને મૃતકોના અવશેષ વહેલાસર ભારત પહોંચાડવામા મદદ કરશે.”
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, કેરળના અલાપુઝાના નીરટ્ટૂપુરમનો આ પરિવાર હતો. પરિવાર એક દિવસ પહેલાં જ પોતાની રજાઓ માણીને કેરળથી કુવૈતસ્થિત તેમના ઘરે આવ્યો હતા.
સમાચાર પત્રએ 'અરબ ટાઇમ્સ'ના જણાવ્યા અનુસાર પહેલા માળે એક એસીમાં શૉર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. આ કારણે પરિવારના ચાર સભ્યોની શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયાં હતાં.
નોંધનીય છે કે આ પહેલાં કુવૈતની એક બહુમાળી ઇમારતમાં ગયા મહિને આગ લાગી હતી. એ ઘટનામાં 49 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં મોટા ભાગના ભારતીયો હતા.