કુવૈતથી ભારત લવાયા 45 મૃતદેહો, તેમને જોઈને દરેકની આંખો થઈ ગઈ ભીની
કુવૈતમાં એક બહુમાળી ઇમારતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહો લઈને ભારતીય વાયુસેનાનું એક વિમાન કોચિન માટે રવાના થઈ ગયું છે. શુક્રવારે સવારે આ વિમાન કુવૈતથી રવાના થયું. પરિસ્થિતિની સમીક્ષા કરવા કુવૈત પહોંચેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ પણ આ વિમાનમાં હતા.
ભારતીય એલચીકચેરીના અધિકારીઓ અનુસાર કીર્તિવર્ધનસિંહ ત્યાં કુવૈતી અધિકારીઓ સાથે સંકલન કરવા અને મૃતદેહોને ઝડપથી સ્વદેશ લાવવા માટે કુવૈત પહોંચ્યા હતા. કુવૈતી અધિકારીઓ અનુસાર કુવૈતના મંગફ શહેરમાં બનેલી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 45 ભારતીયોના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે.
આ દુર્ઘટનામાં 45 ભારતીયો સાથે જ ફિલિપિન્સના ત્રણ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. કુલ 49 લોકોનાં મોત થયાં છે અને 50 લોકો ઘાયલ થઈ ગયા છે. બિન-નિવાસી કેરળવાસીઓની બાબતોના વિભાગના અધિકારીએ બિનસત્તાવાર રીતે જણાવ્યું હતું કે તેમના વિભાગના હેલ્પ ડેસ્કને મળેલી માહિતી અનુસાર દુર્ઘટનામાં કેરળનાં 24 લોકો માર્યા ગયા છે.
અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા હતા. તેઓએ પાંચ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી હતી. કીર્તિવર્ધન સિંહ આજે એ જ વિમાનમાં પરત ફર્યા છે જે વિમાન દ્વારા મૃતદેહો લાવવામાં આવ્યા હતા.
એરપોર્ટ પર ભારતીયોના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારજનોને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શબને ઓળખવા માટે શબપેટી પર મૃત્યુ પામેલા વ્યક્તિનો ફોટો મૂકવામાં આવે છે.