ટાર્ગેટ પૂરું ન થતાં બોસે આપી 200 ઉઠક-બેઠકની સજા! મહિલા કર્મચારીની હાલત બગડી, લોકોમાં રોષ
hh
ચીનના હાંગઝોઉ શહેરમાંથી સામે આવેલો એક મામલો હાલમાં વર્કપ્લેસના દબાણ અને કર્મચારીઓ પર લાદવામાં આવતા વિચિત્ર નિયમોને લઈને ચર્ચામાં છે. અહીં એક મહિલા કર્મચારી કંપનીનું સેલ્સ ટાર્ગેટ પૂરું કરી શકી નહોતી, જેના પગલે તેના મેનેજરે કથિત રીતે તેને શારીરિક સજા આપી હતી. મહિલાને કાં તો દંડ ભરવા અથવા સ્ક્વોટ કરવાની પસંદગી આપવામાં આવી હતી.
ટાર્ગેટ પૂરું ન થતાં સામે આવ્યો વિચિત્ર નિયમ
28 જુલાઈના રોજ યાંગ નક્કી કરાયેલો ટાર્ગેટ પૂરો કરી શકી નહોતી. ત્યારબાદ કથિત રીતે મેનેજરે તેની સામે બે વિકલ્પ રાખ્યા હતા. એક વિકલ્પ દરેક અધૂરા ટાસ્ક માટે 50 યુઆન એટલે કે આશરે 709 રૂપિયા દંડ ભરવાનો હતો, જ્યારે બીજો વિકલ્પ દરેક અધૂરા ટાર્ગેટ માટે 100 સ્ક્વોટ કરવાનો હતો.
યાંગના જણાવ્યા મુજબ, તેની પાસે દંડ ભરવા માટે પૈસા નહોતા. તેથી તેણે શારીરિક સજાનો વિકલ્પ પસંદ કર્યો. બે ટાર્ગેટ પૂરા ન થયા હોવાથી તેને કુલ 200 સ્ક્વોટ કરવા પડ્યા હતા. તેણે અલગ-અલગ જગ્યાએ સ્ક્વોટ કરતી વખતે વીડિયો પણ બનાવ્યા અને પુરાવા તરીકે પોતાના સુપરવાઇઝરને મોકલ્યા હતા.
200 સ્ક્વોટ બાદ ચાલવું પણ મુશ્કેલ બન્યું
શરૂઆતમાં યાંગે કોઈક રીતે કસરત પૂરી કરી લીધી, પરંતુ છેલ્લો સેટ પૂરો થતાં તેની તબિયત બગડવા લાગી. તે યોગ્ય રીતે ઊભી પણ રહી શકતી નહોતી. ચાલતી વખતે તેના પગ લથડવા લાગ્યા અને બંને પગમાં ભારે દુખાવો થવા લાગ્યો.
આમ છતાં તેણે તરત જ ડૉક્ટરનો સંપર્ક કર્યો નહોતો. રિપોર્ટ અનુસાર, આર્થિક મુશ્કેલી પણ તેનું એક કારણ હતું. જોકે, થોડા દિવસોમાં તેની સ્થિતિને લઈને ચિંતા વધવા લાગી. ઘટના બાદ આશરે પાંચ દિવસ પછી તેના પેશાબનો રંગ સામાન્ય કરતાં ઘણો ઘાટો દેખાયો. ત્યારબાદ તેણે હોસ્પિટલ જવાનો નિર્ણય લીધો.
ડૉક્ટરોએ જણાવી ગંભીર બીમારી
હોસ્પિટલમાં તપાસ બાદ ડૉક્ટરોએ યાંગને રૅબ્ડોમાયોલિસિસ (Rhabdomyolysis) નામની ગંભીર સ્થિતિ હોવાનું જણાવ્યું. આ સ્થિતિમાં મસલ્સને વધુ પડતું નુકસાન થવાથી સ્નાયુઓની અંદરના કેટલાક પદાર્થો ઝડપથી લોહીમાં ભળી શકે છે.
આ સ્થિતિને હળવાશથી લેવી જોખમી બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં તેની અસર કિડની પર પડી શકે છે અને કિડની ફેલ થવા જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
યાંગના શરીરમાં ક્રિએટિન કિનેઝનું સ્તર 16,000 U/Lથી પણ વધુ હોવાનું જણાવાયું હતું, જે સામાન્ય સ્તરની સરખામણીમાં ખૂબ વધારે છે. જોકે, રાહતની વાત એ રહી કે તેની સ્થિતિ કિડની ફેલિયર સુધી પહોંચી નહોતી. ડૉક્ટરોએ તેને આરામ કરવાની અને થોડા સમય સુધી ભારે કસરત કે વધુ મહેનતથી દૂર રહેવાની સલાહ આપી હતી.
સારવાર પાછળ આશરે 20 હજાર રૂપિયાનો ખર્ચ
યાંગના જણાવ્યા મુજબ, સારવાર દરમિયાન તેના આશરે 1,400 યુઆન એટલે કે લગભગ 20 હજાર રૂપિયા ખર્ચાયા હતા. બીમારીને કારણે તે નોકરી પણ ચાલુ રાખી શકી નહોતી અને 30 જુલાઈના રોજ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું.
ત્યારબાદ મામલો માત્ર સારવાર સુધી મર્યાદિત રહ્યો નહોતો. યાંગે આરોપ લગાવ્યો કે કંપની દ્વારા એવા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા, જેને પૂર્ણ કરવાનું દબાણ કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું હતું.
તેણે મેનેજર ઝાંગ પાસેથી સારવાર અને આવવા-જવાના ખર્ચ ઉપરાંત 15 હજાર યુઆન એટલે કે આશરે 2.1 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી.
મેનેજરે કહ્યું- મામલો હોય તો કાયદાકીય રસ્તો અપનાવો
યાંગની માંગને મેનેજર ઝાંગે સ્વીકારી નહોતી. રિપોર્ટ અનુસાર, તેમણે યાંગને કાયદાકીય કાર્યવાહી કરવાનો રસ્તો અપનાવવા કહ્યું હતું.ત્યારબાદ યાંગે સ્થાનિક ટીવી કાર્યક્રમનો સંપર્ક કર્યો, જ્યાં લોકો અને કંપનીઓ વચ્ચેના વિવાદોને સામે લાવીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન ઝાંગે કથિત રીતે સ્વીકાર્યું હતું કે તેમના કેટલાક પગલાં શ્રમ નિયમોની વિરુદ્ધ હતા. જોકે, તેમણે યાંગને વળતર આપવાની જવાબદારી સ્વીકારી નહોતી.
આ પછી યાંગે સ્થાનિક શ્રમ નિરીક્ષણ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીઓએ મામલાની તપાસ કરવાની વાત કહી છે.
