દક્ષિણ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન ભાગદોડ, 151નાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં હેલોવીન ફેસ્ટિવલમાં ભાગદોડ થતાં ઓછામાં ઓછા 151 લોકોનાં મોત થયાં છે. અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અંદાજે 80 લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં 19 વિદેશી નાગરિક હોવાનું પણ જાણવા મળ્યું છે અને અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.
ઘાયલ લોકોની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને એવા પણ અહેવાલો છે કે ઘણા લોકોને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો.
સમાચાર એજન્સી યોનહૈપે અધિકારીઓના હવાલેથી આ જાણકારી આપી છે.
રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે ઘટનાસ્થળે ડિઝાસ્ટર મૅનેજમેન્ટની ટીમને તુરંત રવાના થવાના આદેશ આપી દીધા છે.
આ ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન સહિત વિશ્વના ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પર આવી રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઇતેવોનમાં જમીન પર આડા પડેલા લોકોને સીપીઆર ટ્રીટમેન્ટ અપાઈ રહી છે.
ઘટના શનિવારે બની હતી. અહીં સાંકડી ગલીઓમાં હેલોવીન દરમિયાન ભારે નાસભાગ થઈ હતી.
આ પહેલાં સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો સાંજે હેલોવીન દરમિયાન નાસભાગની આશંકા વ્યક્ત કરાઈ હતી. અમુક લોકો પ્રમાણે ભીડના કારણે ઇતેવોન વિસ્તાર અસુરક્ષિત લાગી રહ્યું છે.