વૉલમાર્ટ અને HDFC બેંકે ક્રેડિટ કાર્ડની કરી જાહેરાત, જાણો ફાયદા
વૉલમાર્ટ ઇન્ડિયાએ ફક્ત તેના બેસ્ટ પ્રાઇઝ મોર્ડન હૉલસેલ ‘બી2બી કૅશ એન્ડ કૅરી’ સ્ટોર્સના સભ્યો માટે કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવા એચડીએફસી બેંક લિ. સાથે સહભાગીદારી કરી છે. વૉલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિશ ઐયર અને એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ તથા માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવ દ્વારા ‘બેસ્ટ પ્રાઇઝ’ સ્ટોર ખાતે આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, આ કાર્ડને સમગ્ર ભારતમાં આવેલ અન્ય 26 ‘બેસ્ટ પ્રાઇઝ’ મોર્ડન હૉલસેલ સ્ટોર ખાતે પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું.
વૉલમાર્ટ ઇન્ડિયાના ભારતવ્યાપી ‘બેસ્ટ પ્રાઇઝ’ના નોંધણી પામેલા સભ્યો હવે તેમને પહેલેથી જ ઉપલબ્ધ થતાં ચૂકવણીના અન્ય વિકલ્પોની સાથે એક્સક્લુસિવ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ મારફતે તેમની ખરીદીઓની ચૂકવણીઓ પણ કરી શકશે. તેઓ સ્ટોરમાં આ એક્સક્લુસિવ કાર્ડ મારફતે તેમજ બેસ્ટ પ્રાઇઝ ઓનલાઇન પ્લેટફૉર્મ www.bestprice.in મારફતે અને આસિસ્ટેડ-ઓર્ડરિંગ સોલ્યુશન્સ દ્વારા ચૂકવણી કરી શકશે. જેમની સમક્ષ હવે કૉ-બ્રાન્ડેડ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે તેવા 10 લાખથી વઘુ સભ્યોની સાથે (ખાસ કરીને કરિયાણાઓ) કંપની ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સના સ્વીકરણને વેગ આપી રહી છે.
આ કૉ-બ્રાન્ડેડ કાર્ડ ‘બેસ્ટ પ્રાઇઝ’ના સભ્યોને વાર્ષિક ખર્ચ પર 6% સુધીની બચત કરાવવાની સાથે તમામ પ્રકારની ખરીદીઓ પર રીવૉર્ડ્સ અને કૅશબૅક આપશે. આ કાર્ડ બે પ્રકારે ઉપલબ્ધ છે. એન્ટ્રી લેવલનું કાર્ડ બેસ્ટ પ્રાઇઝ સેવ સ્માર્ટ નામથી ઓળખાય છે અને કેટલાક ચોક્કસ ખર્ચને આધિન વાર્ષિક રૂ. 14,250 સુધીની બચત પૂરી પાડે છે. તેવી જ રીતે, તેનું પ્રીમિયમ પ્રકારનું કાર્ડ બેસ્ટ પ્રાઇઝ સેવ મેક્સ તરીકે ઓળખાય છે અને તે વાર્ષિક રૂ. 40,247 સુધીની બચત પૂરી પાડે છે. આ કાર્ડને ડિસ્કવર ફાઇનાન્શિયલ સર્વિસિસના બિઝનેસ યુનિટ ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવશે તથા બેસ્ટ પ્રાઇઝ સભ્યો તેમને પ્રાપ્ત થતાં વિશેષાધિકારો અને ઑફરોની સાથે-સાથે તે તેમના વ્યાવસાયિક ખર્ચને સરળીકૃત કરવામાં અને તેનું વ્યવસ્થાપન કરવામાં પણ મદદરૂપ થશે.
આ લૉન્ચની જાહેરાત કરતાં વૉલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિશ ઐયરએ જણાવ્યું હતું કે, ‘આ સહભાગીદારી અમારા સભ્યો, ખાસ કરીને કરિયાણા અને અન્ય નાના વ્યવસાયીઓને સમૃદ્ધ થવા માટેની અમારી કટિબદ્ધતાનો પડઘો પાડે છે. તેનાથી સભ્યોને તેમની વ્યવસાયની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં તથા સ્ટોરમાં વધુ સમય ગાળવામાં અને તેમના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં મદદ મળી રહેશે. આ કાર્ડ મારફતે ચૂકવણીઓ કરીને અમારા સભ્યો એક કાર્યક્ષમ ડિજિટલ અર્થતંત્ર તરીકે ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યાં છે. અમે દેશમાં શૅર્ડ વેલ્યૂનું સર્જન કરવાના પગલાં લઇને ખરેખર આનંદ અનુભવીએ છીએ. ’
એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ તથા માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવએ લૉન્ચ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, ‘નાના અને મધ્યમ ઉદ્યમો ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આથી અમને એ વાતનો આનંદ છે કે, અમે આ સેગમેન્ટના ખાસ રીટેઇલર્સ માટે આ વિશેષ કાર્ડ પૂરું પાડી રહ્યાં છીએ, જે તેમને અસાધારણ રીવૉર્ડ્સની સાથે તેમના વ્યવસાયના તમામ પ્રકારના ખર્ચાઓ માટે સરળતાથી ધિરાણ પૂરું પાડશે. દેશના એક અગ્રણી ક્રેડિટ કાર્ડ જારીકર્તા તરીકે દરેક ભારતીય માટે ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવાનો અમારો પ્રયાસ છે, જેમાં બિઝનેસ યુઝર્સનો સમાવેશ થાય છે. અમને વિશ્વાસ છે કે, અમે આ કાર્ડ મારફતે તેમની વિકસિત થઈ રહેલી જરૂરિયાતોને પરિપૂર્ણ કરી શકીશું.’
ડિસ્કવર માટેના એપીએસીના રીજનલ મેનેજિંગ ડિરેક્ટર એની ઝેંગએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક અને વૉલમાર્ટ ઇન્ડિયા સાથેનો અમારો કરાર તેમના બેસ્ટ પ્રાઇઝ સભ્યોને ચૂકવણીના અનુકૂળ આવનારા ઉપાયો પૂરાં પાડશે તથા તેઓ કૉ-બ્રાન્ડેડ કાર્ડનો ઓનલાઇન અને વૉલમાર્ટ ઇન્ડિયાના બેસ્ટ પ્રાઇઝ સ્ટોર્સ ખાતે ખરીદી કરતી વખતે રૂબરૂમાં ઉપયોગ કરી શકશે. ડિસ્કવર ગ્લોબલ નેટવર્કનો લાભ ઉઠાવીને એચડીએફસી બેંક બેસ્ટ પ્રાઇઝ કૉ-બ્રાન્ડેડ કાર્ડધારકો સમગ્ર વિશ્વમાં તેની સ્વીકૃતિ થવાની સાથે ડાઇનર્સ ક્લબના સભ્યોને ઉપલબ્ધ થતાં અનેક વિશેષ લાભનો ફાયદો ઉઠાવી શકશે.’
સભ્યો સીધા જ બેસ્ટ પ્રાઇઝ સ્ટોર ખાતે અથવા તો www.bestprice.in પર આ કાર્ડ માટે અરજી કરી શકે છે. એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડની અરજીની પ્રક્રિયા હાથ ધરવા અને ગ્રાહકોને તેના સંબંધિત સેવા પૂરી પાડવા માટે સ્ટોર્સની અંદર બૂથ ઊભા કરશે.