ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 10 જુલાઈ 2021 (07:55 IST)

GSTના 36 કંપનીના 71 સ્થળે દરોડા, 2ની ધરપકડ; 1741 કરોડના ખોટા વ્યવહારો કરી 319 કરોડ ITC મેળવવાનું કૌભાંડ પકડાયું

સ્ટેટ જીએસટી વિભાગની 80 ટીમે 36 કંપનીઓના 71 સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડા પાડ્યા હતા. જેમાં ભાવનગરના અફ્ઝલ સાદિકઅલીની રૂ. 739 કરોડ, પ્રાંતિજના મીનાબહેન રાઠોડની રૂ. 577 કરોડના બોગસ બિલિંગમાં ધરપકડ કરાઈ છે. સ્ટેટ જીએસટીએે શુક્રવારે રાજ્યના 36 કંપનીઓ, પેઢીઓ અને બોગસ બિલિંગ ઓપરેટર્સ તથા તેમના સંલગ્ન ધંધા તેમજ રહેઠાણ મળીને 71 સ્થળોએ દરોડા પાડ્યા હતા. માધવ કોપર દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ દ્વારા આઇટીસી મેળવવામાં આવતી હોવાનું જીએસટીના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. જેના આધારે જીએસટીના અધિકારીઓએ માધવ કોપરના સ્થળે તેમજ તેની પાસેથી બોગસ બિલોની ખરીદી કરતા લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા. સ્થળ તપાસમાં મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડીજીટલ ડેટા મળી આવ્યો છે. માધવ કોપરને ત્યાંથી મળી આવેલા દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.

પ્રાથમિક વિગતો મુજબ માધવ કોપર દ્વારા રૂ. 425 કરોડની ખરીદી દર્શાવી આશરે રૂ. 75 કરોડની બોગસ આઇટીસી દ્વારા કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અન્ય બિલિંગ ઓપરેટર્સના સ્થળોએ તપાસમાં મીનાબહેન રંગસિંહ રાઠોડ અને અફ્ઝલ સાદિકઅલી સવજાણીના રહેઠાણના સ્થળોએ પણ તપાસની કાર્યવાહી સમાંતર રીતે કરવામાં આવી હતી. પ્રાંતિજના મીનાબહેન રાઠોડે કુલ રૂ. 577 કરોડના બોગસ બીલીંગ દ્વારા રૂ. 109 કરોડની આઇટીસીનું કૌભાંડ આચર્યું હતું. ભાવનગરના અફ્ઝલ સવજાણીએ 25 બોગસ પેઢીઓ બનાવીને રૂ. 135 કરોડની આઇટીસી ઘર ભેગી કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાયા છે. પ્રાંતિજના મીનાબહેન રાઠોડ દ્વારા 32 જેટલા સ્થાનિક લોકોને લોન આપવા તેમજ અન્ય લાલચ આપીને બહાને તેમના દસ્તાવેજો મેળવી લીધા હતા. 24 લોકોના દસ્તાવેજના આધારે મીનાબહેન અને સાદિકઅલી સવજાણી દ્વારા જીએસટી નોંધણી નંબર મેળવ્યા હતા. મોટા ભાગના નાણાંકીય ભીડ તેમજ જીએસટી અંગે જ્ઞાન ન હોય તેવા લોકોને આમને ટાર્ગેટ બનાવ્યા હતા. જીએસટી નોંધણી માટે પણ તેમણે આ લોકોના મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હતો.