ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (07:48 IST)

કિસાન ક્રેડિટ કાર્ડ કે જે ખેડૂતોને જ મળતું હતું તે હવે પશુપાલકોને આપવાની યોજના થઈ છેઃ પરષોત્તમ રૂપાલા

26 નવેમ્બર, 2021ના રોજ ડૉ. વર્ગીસ કુરિયનની જન્મશતાબ્દી નિમિત્તે ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરીઉદ્યોગ વિભાગ અને અન્ય સંસ્થાઓ જેમ કે - GCMMF લિ., કૈરા મિલ્ક યુનિયન (અમૂલ ડેરી), NCDFI લિ., IRMA, મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રા. લિ., IDMC લિ., ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિ., NDDB ડેરી સર્વિસિઝ અને આનંદાલયે ભેગા મળીને NDDBના ટી. કે. પટેલ ઑડિટોરિયમ ખાતે ‘નેશનલ મિલ્ક ડે’ની ઉજવણી કરી હતી.
 
આ સમારંભ દરમિયાન પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાએ સ્વદેશી પશુઓ/ભેંસોની જાતિઓ ઉછેરનારા શ્રેષ્ઠ પશુપાલકો, શ્રેષ્ઠ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયનો અને દેશની શ્રેષ્ઠ ડેરી કૉઑપરેટિવ સોસાયટી (DCS)/મિલ્ક પ્રોડ્યૂસર કંપનીઓ/ડેરી ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનના વિજેતાઓને ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કર્યા હતાં. 
 
વિજેતાઓને સન્માનિત કરવા ઉપરાંત, પુરુષોત્તમ રૂપાલાએ ગુજરાતના ધામરોડ ખાતે અને કર્ણાટકના હેસેરગટ્ટા ખાતે આઇવીએફ લેબ અને સ્ટાર્ટ-અપ ગ્રાન્ડ ચેલેન્જ 2.0નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે દૂધ દોહવાના મશીન ધરાવતી મિલ્કોબાઇક્સ (NDDB અને IDMC લિ. દ્વારા સંયુક્તપણે વિકસાવવામાં આવેલ) મોટરસાઇકલોને લીલી ઝંડી બતાવી રવાના પણ કરી હતી. 
 
તેમણે આ પ્રસંગે બ્રીડ મલ્ટિપ્લિકેશન સ્કીમ માટે NDDB દ્વારા વિકસાવવામાં આવેલ વેબ પોર્ટલ લૉન્ચ કર્યું હતું અને જૈવિક ખાતરની અર્બન કિટનું અનાવરણ કર્યું હતું. માનનીય કેન્દ્રીય મંત્રીએ ડૉ. વર્ગીસ કુરિયનના પુત્રી સુશ્રી નિર્મલા કુરીયન દ્વારા તેમના પિતાના જીવન પર લખવામાં આવેલા પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. આ સમારંભ દરમિયાન 1990ના દાયકાની ખૂબ જ જાણીતી ટીવીસી ‘દૂધ દૂધ, પિયો ગ્લાસ ફૂલ’ તથા ડૉ. કુરીયન પરની શ્રદ્ધાંજલિ ફિલ્મને દર્શાવવામાં પણ આવી હતી.
 
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે કહ્યું હતું કે કોઈ કાર્યક્રમમાં વિભાગના ત્રણે મંત્રી અને સચિવો સાથે ઉપસ્થિત હોય એવો આ પહેલો કાર્યક્રમ છે. વિભાગ તરફથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું જેના લીધે ગુજરાતવાસીઓને સારી નસલની ગાયો અને ભેંસો માટે પંજાબ અને હરિયાણા ખરીદવા જવું પડતું હતું તે હવે આ પોર્ટલ પરથી જ ખરીદી શકશે.  
 
આ ઉપરાંત પોર્ટલ https://gopalratnaaward.qcin.orgના લોન્ચિંગના કારણે આટલા બધા ગોપાલ રત્નોને સન્માનવાની તક મળી. એનડીડીબીએ પોતે એટલી સ્પર્ધાઓ કરાવી કે તેના વિજેતાઓને પણ અહીં સન્માનવામાં આવ્યા. દરેક જણ કુરિયન સાહેબને ઘરેઘરે યાદ કરે છે, જેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પ્રધાનમંત્રી મોદીજીએ પશુપાલન સેક્ટરને મદદ આપવા એક મોટી યોજના આપી છે. જેના કારણે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ કે જે ખેડૂતોને જ મળતું હતું તે હવે પશુપાલકોને પણ મળશે. આમાં ત્રણ લાખ સુધીની લોન પણ મળે છે.
 
પરષોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, ગોપાલ રત્ન એવોર્ડ એક સીમાચિહ્ન સ્થાપિત કરશે તથા શ્રેષ્ઠ વ્યવહારો અને નવીનીકરણોને અપનાવવામાં મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, ડૉ. કુરીયન વૉકલ ફૉર લૉકલ વિચારધારામાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. અમૂલના સહકારી માળખાએ પશુપાલકોમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાની ભાવના પેદા કરી છે. તેમણે ડૉ. કુરીયનની જન્મશતાબ્દી નિમિત્તે આણંદમાં નેશનલ મિલ્ક ડેની ઉજવણીનું આયોજન કરવા બદલ એનડીડીબીને બિરદાવી હતી.
 
ડૉ. બાલ્યાને જણાવ્યું હતું કે, ગર્વશાળી દેશ આજે ડૉ. કુરીયનને યાદ કરી રહ્યો છે - આપણે સૌ જાણીએ છીએ કે દૂધ સહકારી મંડળીઓએ ડેરીઉદ્યોગના વિકાસમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ડૉ. કુરીયન તો પોતે જ એક સંસ્થા હતા. તેમણે નવીનીકરણ પણ ખૂબ ભાર મૂક્યો હતો અને એનડીડીબી દ્વારા તેમના આ વારસાને નવી ઊંચાઇએ લઈ જવામાં આવી રહ્યો છે.
 
ડૉ. મુરુગને જણાવ્યું હતું કે, ડૉ. કુરીયન એક સ્વપ્નદ્રષ્ટા હતા તથા તેમણે દેશના પશુપાલકોનું ઉત્થાન કરવા અને લાખો બાળકોને પોષણ પૂરું પાડવા બદલ તેમનો આભાર માન્યો હતો.
 
એનડીડીબીના ચેરમેને જણાવ્યું હતું કે, ડૉ. કુરીયન એક મહાન સંસ્થાનિર્માતા હતા અને આજે આપણે આ મહાન સ્વપ્નદ્રષ્ટાની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યાં છીએ, જેમણે પશુપાલકોને તેમના દ્વારા રચવામાં આવેલા તેમના સંસાધનો પર તેમનું પોતાનું નિયંત્રણ આપ્યું. તેમણે જણાવ્યું કે, એનડીડીબી ડેરીઉદ્યોગની સમસ્યાઓને ઉકેલવા માટે સતત નવીન અને વ્યાવસાયિક રીતે વ્યવહાર્ય હોય તેવા ઉકેલો શોધી રહી છે.
 
તો ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ડૉ. કુરીયને આજથી વર્ષો પહેલાં આપણને જે શીખવ્યું અને જેનો પ્રચાર કર્યો, તે આજે વધુને વધુ સુસંગત બની રહ્યું છે. અમૂલ એ તેમના વૉકલ ફૉર લૉકલ અભિગમની ઉપજ છે. મૂલ્યપ્રણાલી માટેની તેમની કટિબદ્ધતા આપણને સૌને પ્રેરિત કરે છે.
 
આ અગાઉ ડૉ. કુરીયનની જન્મશતાબ્દીની ઉજવણી ‘કદમ ફૉર કુરીયન’ નામની વૉકેથોન સાથે શરૂ થઈ હતી, જેની પાછળનો વિચાર એનડીડીબીના સ્થાપક ચેરમેનને સન્માનિત કરવા 20 કરોડ ડગલાં ચાલવાનો હતો. આ વૉકેથોન દરમિયાન લોકો અમૂલ ડેરીથી વાયા GCMMF, ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA), આનંદાલય સ્કુલ અને NCDFI થઇને એનડીડીબીના પરિસર સુધી પહોંચ્યાં હતાં. સમાજના દરેક તબક્કામાંથી આવતાં લોકોની આ કૂચને કદમ ફૉર કુરીયન એપ મારફતે રેકોર્ડ કરવામાં આવી હતી. ડૉ. કુરીયનનું હ્યુમન પોટ્રેટ બનાવવાની સાથે આ વૉકેથોનનું સમાપન થયું હતું.
 
માનનીય કેન્દ્રીય મંત્રીએ ડૉ. કુરીયનની સ્મૃતિમાં એનડીડીબી દ્વારા આયોજિત કાવ્ય, નિબંધ, પોસ્ટર, ક્વિઝ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કર્યા હતા. GCMMF લિ. દ્વારા આયોજિત ડૉ. કુરીયન સેન્ટેનરી ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતાઓ અને રનર-અપને પણ રુપાલાના હસ્તે પુરસ્કારો પ્રાપ્ત થયાં હતાં.