સોમવારથી એક લિટર દહીં, છાશમાં રૂ।.દોઢથી ત્રણ રૂપિયાનો ટેક્ષ લાગશે
ગત જૂન માસમાં સરકારને જી.એસ.ટી.થી રૂ।. 1,44,616 કરોડની તગડી આવક થઈ છે જે ગત વર્ષના આ મહિના કરતા 56 ટકા વધુ છે છતાં જી.એસ.ટી.કાઉન્સિલે તાજેતરમાં દહી,છાશ જેવી અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓને ટેક્સ દાયરામાં લઈ લેવા નિર્ણય કરીને તેના અમલ માટે ગત બુધવારે નોટિફીકેશન બહાર પાડયું છે. જેના પગલે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં અમુલ ડેરી વગેરેના એક લિટર દહીં અને છાશ માટે હાલ વસુલાતી રકમમાં રૂ।. 1.50થી રૂ 3 વધુ વસુલાશે.
સૂત્રો અનુસાર રાજકોટમાં માત્ર દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા દૈનિક 15,000 કિલો દહીં અને 70,000 લિટર છાશનું વેચાણ થાય છે. અન્ય ડેરીઓના આટલા જ દહીં, છાશ વેચાય છે. છાશનો ભાવ પ્રતિ લિટર રૂ।. 30 અને દહીંનો ભાવ રૂ।. 60 વસુલાય છે જે હવે રૂ।. 31.50 અને રૂ।. 63 વસુલાશે. આમ, માત્ર રાજકોટ ઉપર દૈનિક 1.50લાખનો અને રાજ્યમાં આશરે રોજ રૂ।. 30 લાખથી વધુનો કરબોજ આવશે. અત્યાર સુધી છાશ-દહીં પર આ કરબોજ ન્હોતો જે તા. 18થી અમલી થઈ રહ્યો છે.