સૌરાષ્ટ્રની 54 બેઠક પર 600 દાવેદારો, અનેક ધારાસભ્યોને ફરી ટિકિટ મળવાના ચાન્સ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના રાજકારણના એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રમાં આંટાફેરા વધ્યા છે. આજે રાજકોટ જિલ્લા અને શહેરની બેઠકો પર દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા અને નારણ રાઠવા દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રની 54 બેઠક માટે 600 દાવેદારો છે જેની રજૂઆતો સાંભળવામાં આવી છે. સારી કામગીરી કરનાર ધારાસભ્યોને ફરી ટિકિટ મળવાની શક્યતા છે.
રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા તેમના અને નારણ રાઠવા સહિત સિદ્ધાર્થ પટેલને હાલ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવા જવાબદારી સોંપવામાં આવી છે. 20 સપ્ટેમ્બરથી જ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરી ચૂક્યા છે. આજે આ માટે જ તેઓ રાજકોટ આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને માત્ર 54 બેઠકો માટે 600 કરતા વધારે સક્ષમ દાવેદારો સામે આવ્યા છે. આ સેન્સ અંગે રિપોર્ટ હાઈકમાન્ડને સોંપ્યા બાદ ટૂંક સમયમાં ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. લલિત વસોયા ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાતને નકારતા તેમણે કહ્યું હતું કે, આવી વાતો મને મીડિયાનાં માધ્યમથી જ જાણવા મળી રહી છે. મારે પણ જાણવું છે કે, આવા સમાચાર કોણ ફેલાવી રહ્યું છે.
કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રજાના પણ પ્રતિનિધિ હોવાથી તેમને અન્ય પક્ષના કાર્યક્રમમાં જવાની મનાઈ કરી શકાય નહીં. હા તેમની વિચારધારા અને કામગીરી કોંગ્રેસનાં સિદ્ધાંતોને અનુરૂપ હોવી જોઈએ. કોઈ પણ ધારાસભ્ય ભાજપનાં કાર્યક્રમમાં હાજરી આપે તો તે પક્ષપલટો કરવાનો છે, તેવું માની શકાય નહીં. કોંગ્રેસ પક્ષમાં દરેકને સ્વતંત્ર રીતે કામ કરવાની આઝાદી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.