સુરતમાં લાગ્યા બેનર, પાટીદાર કોર્ટની કલમ 144 લાગુ કરાઈ હોવાથી ભાજપના કાર્યકરોએ આવવું નહી
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહેલા ભાજપી નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિરોધમાં પાટીદારોની સોસાયટી બહાર પાસ દ્વારા બેનર લગાવવામાં આવ્યાં છે કે, પાટીદાર કોર્ટની કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી ભાજપના નેતાઓએ આ સોસાયટીમાં પ્રચાર અર્થે આવવું નહીં.પાટીદારોની સોસાયટી આગળ બેનર લગાવવાના મુદ્દે પાસના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે અમારી પર દેશદ્રોહીના લેબલ લગાવી દીધા છે. ત્યાં હવે શા માટે મતની ભીખ માગવા તેમણે આવવું જોઈએ.
ભાજપ જ નહીં પરંતુ તેમણે ઉભા રાખેલા અપક્ષ નેતાઓએ પણ ન આવવાની સૂચના બેનરમાં લખી છે. સાથે જ અમે આગામી દિવસોમાં ભાજપના કાગળ જે ઘરે અપાયા હશે તેને એકઠા કરીને ગંગાજળ અને ગૌ મૂત્રના છંટકાવનું આયોજન કરી રહ્યાં છીએ.પાસ દ્વારા લગાવવામાં આવેલા બેનર અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપના વિરોધમાં પાસ દ્વારા લગાવવામાં આવ્યાં હતાં. ત્યારે પાટીદાર વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગે હાર થઈ હતી. જ્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ફરી આ રીતના બેનર અને વિરોધ જોતાં ભાજપી નેતાઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે ભાજપ અને પાસ વચ્ચે ઘર્ષણ વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.