ધોનીના નામ અને ફોટોના સહારે કરી લીધી કરોડો રૂપિયાની લૂંટ !! હવે ખાશે જેલની હવા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરનો ઉપયોગ કરીને પાંચ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે કેટલાક લોકોએ લોન આપવાના નામે ધોની ફાઇનાન્સ નામની નકલી કંપની ખોલી અને દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. આ કંપનીના લોગો પર ક્રિકેટર ધોનીની તસવીર લગાવવામાં આવી હતી.
સરળ હપ્તામાં લોન આપવાના બહાને ફસાવતા
પોલીસના જણાવ્યા અનુસાર તેઓ પ્રોસેસિંગના નામે 50 હજાર રૂપિયા સુધી લેતા હતા. તેમની પાસે ઘણા લોકોના નામ, સરનામા અને ફોન નંબર હતા, જેમને સરળ હપ્તા પર લોન આપવાના બહાને બોલાવવામાં આવ્યા હતા. પટનાના પત્રકાર નગર પોલીસ સ્ટેશનની પોલીસે રવિવારે મોડી સાંજે આ ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી હતી.
2 આરોપીઓ ફ્રોડના કેસમાં જઈ ચૂક્યા છે જેલ
અધિકારીએ જણાવ્યું કે પહેલા પણ તેમાથી બે આરોપીઓ ગૌતમ કુમાર અને ભરત કુમારને કાંકરબાગ દક્ષિણ ગોલામ્બર પાસે સ્થિત એક ગલીમાંથી શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવ્યા હતા. આ પછી, તેની સૂચના પર, પોલીસ ખેમનીચક ખાતે દગા કરનારાઓની ઓફિસ પર પહોંચી, જ્યાંથી વધુ ત્રણની ધરપકડ કરવામાં આવી. તેમાં આકાશ કુમાર સિંહા રાજીવ રંજન અને આકાશ કુમારનો સમાવેશ થાય છે. આકાશ સિંહા અને આકાશ કુમાર પહેલા પણ લોકો સાથે દગો કરવાના કેસમાં જેલ જઈ ચૂક્યા છે.
આરોપીઓએ 2 રૂમના ફ્લેટમાં બનાવી હતી ઓફિસ
પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ડો.માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું કે આ ટોળકી પર્સનલ લોન, હોમ લોન, બિઝનેસ લોન, ઈન્સ્યોરન્સ અને જીએસટીના નામે લોકોને છેતરતી હતી. તેણે બે રૂમનો ફ્લેટ લઈને ઓફિસ ખોલી હતી. પોલીસે ઠગ પાસેથી રૂ. 1.45 લાખ રોકડા, લેપટોપ, મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર, રજીસ્ટર, 10 મોબાઈલ ફોન, બાઇક અને 30 એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે.