ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (09:58 IST)

Shreyas Iyer- શ્રેયસ અય્યર : પહેલી ટેસ્ટમૅચમાં ધમાકેદાર બેટિંગ કરનાર ખેલાડીની કહાણી, મુંબઈના મેદાનથી ભારતીય ટીમ સુધી

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ગુરુવારથી શરૂ થયેલી ટેસ્ટમૅચથી ટેસ્ટ કૅરિયરનો ડેબ્યૂ કરનાર ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરની ચોમેર ચર્ચા થઈ રહી છે.
 
ટેસ્ટમૅચના પ્રથમ દિવસે જ 75 રનની અણનમ પારી તેઓ રમ્યા, આ પારી તેઓ એવા વખતે રમ્યા જ્યારે 145 રન પર ભારતીય ટીમના ચાર મજબૂત બૅટ્સમૅન પૅવેલિયન પરત જઈ ચૂક્યા હતા.
 
આઈપીએલના સફળ ખેલાડીઓ પૈકીના એક અય્યરનો ટેસ્ટ ડેબ્યૂ ધમાકેદાર રહ્યો છે.
 
મયંક અગ્રવાલ, એસ. ગિલ, ચેતેશ્વર પુજારા અને કપ્તાન અજિંક્ય રહાણે આઉટ થઈ ચૂક્યા હતા, ત્યારે પીચ પર શ્રેયસ અય્યર અને રવીન્દ્ર જાડેજા ટકી રહ્યા હતા.
 
જાડેજાએ પણ 100 બૉલમાં 50 રન કર્યા પણ મૅચના પ્રથમ દિવસના હીરો તો અય્યર જ રહ્યા હતા. અય્યરે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને 136 બૉલમાં 75 રન કર્યા હતા.
શ્રેયસ અય્યરની પ્રથમ ટેસ્ટમૅચ
ભારતીય ટીમ તરફથી ટેસ્ટમૅચ રમનારા શ્રેયસ અય્યર 303મા ખેલાડી બન્યા છે.
 
26 વર્ષીય અય્યર પહેલી વખત ભારત માટે 2017માં વનડે અને ટી20 રમ્યા હતા. તેમણે અત્યાર સુધી વનડેમાં 43.79ની સરેરાશથી 813 રન કર્યા છે, જ્યારે 31 ઇન્ટરનેશનલ ટી20માં 27.62ની સરેરાશથી 580 રન કર્યા છે.
 
આ ટેસ્ટમૅચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ તેમજ ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે અને એથી શ્રેયસ અય્યરનો ડેબ્યૂ થયો છે.
 
વર્ષ 2015થી આઈપીએલમાં ઉત્તમ પર્ફૉમન્સ આપનારા અય્યર માટે આ મૅચ એક અગ્નિપરીક્ષા જેવી જ છે. જેનું મુખ્ય કારણ એ છે કે લાંબા ફૉર્મેટની મૅચમાં તેઓ હજુ સુધી રમ્યા નથી.
 
શરૂઆતની કારકિર્દી
 
ક્રિકબઝના અહેવાલ પ્રમાણે અય્યરની કારકિર્દીની શરૂઆત મુંબઈથી થઈ હતી, શિવાજીપાર્ક જિમખાનામાં અય્યરને પોતાનાથી મોટી ઉંમરના અને ઊંચા કદવાળા ફાસ્ટ બૉલર્સ સામે બેટિંગ કરતા જોઈને કોચ પ્રવીણ આમરે સ્તબ્ધ થઈ ગયા હતા.
 
જ્યારબાદ તેઓ સતત તેમના પ્રદર્શન પર નજર રાખી રહ્યા હતા.
 
ડૉમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શનને પગલે શ્રેયસ અય્યરની પ્રથમ વખત 2014માં અંડર-19 વર્લ્ડકપમાં પસંદગી થઈ હતી. જેમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમને ઇંગ્લૅન્ડ રમવા મોકલવામાં આવ્યા, જ્યાં 99ની સરેરાશથી ત્રણ ઇનિંગમાં 297 રન બનાવીને તેમણે બધાને ચોંકાવી દીધા હતા.
 
જે બાદ તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો.
 
જ્યારે સહેવાગ સાથે સરખામણી થઈ
શ્રેયસે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં વર્ષ 2014ની રણજી ટ્રૉફીથી ડેબ્યૂ કર્યો હતો. તે સીઝનમાં અય્યરે 50.56ની સરેરાશથી 809 રન ફટકાર્યા હતા.
 
જે બાદ 2015-16 દરમિયાન સાત અર્ધસદી અને ચાર સદી સાથે કુલ 1321 રન બનાવ્યા હતા.
 
વર્ષ 2016-17ની રણજી સીઝનમાં 42.64ની સરેરાશ સાથે અય્યરે 725 રન બનાવ્યા હતા.
 
2019માં સૈયદ મુસ્તાકઅલી ટ્રૉફીમાં ભારતીય ખેલાડી દ્વારા એક ટી20 મૅચમાં મારવામાં આવેલો સૌથી વધુ રનનો રેકર્ડ શ્રેયસ અય્યરનો હતો, તેમણે 147 રન ફટકાર્યા હતા.
 
ભારતીય ટીમના પૂર્વ બૅટ્સમૅન વીરેન્દ્ર સહેવાગની જેમ આત્મવિશ્વાસ સાથે રમનારા શ્રેયસ અય્યરની બેટિંગનો સ્ટ્રાઇકરેટ પણ સહેવાગ જેવો જ હતો, જેથી એ વખતે અવારનવાર બંનેની સરખામણી થઈ હતી.
 
આઈપીએલના સ્ટાર શ્રેયસ અય્યર
2015માં આઈપીએલની હરાજી દરમિયાન શ્રેયસ અય્યરને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ સામે 2.6 કરોડમાં દિલ્હી ડૅરડેવિલ્સે ખરીદ્યા હતા. જેની પાછળ તેમને પારખનારા કોચ પ્રવીણ આમરેનો હાથ હતો.
 
ડેબ્યૂ આઈપીએલ સીઝનમાં 439 રન ફટકારનારા અય્યરને 'ઇમર્જિંગ પ્લેયર' ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
 
જોકે, 2016માં તેનું પ્રદર્શન યોગ્ય રહ્યું ન હતું. તે વર્ષે અય્યર છ મૅચમાં માત્ર 30 રન કરી શક્યા હતા. જ્યારબાદ વર્ષ 2017માં 336 રન કર્યા હતા.
 
2018માં ગૌતમ ગંભીરે અધવચ્ચેથી ટીમ છોડી ત્યારે સતત સારા પ્રદર્શનને કારણે શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપાઈ હતી.
 
ત્યારબાદ તેઓ જ તમામ સીઝનમાં દિલ્હીની ટીમની આગેવાની કરી રહ્યા છે.