આવતીકાલથી ગુજરાતમાં શરૂ થશે વેક્સીનેશન, વિજય રૂપાણીએ કહ્યું કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરની વયના વડીલોને આવતીકાલ 1 માર્ચથી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના 60 લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ આ અપીલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની ચિંતા કરીને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે.
હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરૂ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.
તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 60 વર્ષથી વધુની વયના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વન્તરિ રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્યપણે રસીના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.