સતીશ કૌશિક પંચતત્વમાં વિલીન, બોલીવુડે ભીની આંખે આપી વિદાય
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. હંમેશા પોતાના અભિનયથી લોકોને હસાવનાર સતીશ કૌશિક મુંબઈના વર્સોવા સ્મશાનગૃહમાં પંચતત્વમાં વિલીન થયા છે. સતીશ કૌશિકના અંતિમ દર્શન માટે જાવેદ અખ્તર, રણબીર કપૂર, શિલ્પા શેટ્ટી, અર્જુન કપૂર, રાખી સાવંત, અબ્બાસ મસ્તાન, રાકેશ રોશન સહિતના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, હાસ્ય કલાકાર અને પટકથા લેખક સતીશ કૌશિકના નિધનથી સિનેજગતમાં શોકનો માહોલ છે.
સતીશ કૌશિકે પોતાની કરિયરની શરૂઆત થિયેટર દ્વારા કરી હતી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સતીશ કૌશિકે થિયેટરમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ તેણે વર્ષ 1983માં ફિલ્મ 'જાને ભી દો યારો'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પછી સતીશ કૌશિક એ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'માસૂમ'માં જોવા મળ્યો હતો. ઘણી ફિલ્મોમાં કામ કર્યા પછી, સતીશ કૌશિકે વર્ષ 1993માં ફિલ્મ 'રૂપ કી રાની ચોરોં કા રાજા' દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવી લીડ રોલમાં હતા, પરંતુ આ પછી પણ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ.
સતીશ કૌશિક ફિલ્મો
આ ફિલ્મ પછી સતીશ કૌશિકે અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂરને તેની બીજી ફિલ્મ 'પ્રેમ'માં કાસ્ટ કર્યો, આ ફિલ્મના ગીતો સુપરહિટ રહ્યા. આ પછી સતીશ કૌશિકે 'તેરે નામ', 'બધાઈ હો બધાઈ', 'વદા', 'શાદી સે પહેલે', 'કર્ઝ' અને 'કાગઝ' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું. સતીશ કૌશિકે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું અને ઘણા સ્ટાર્સનાં ડૂબતા કરિયરને પણ બચાવ્યુ છે. જેમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સતીશ કૌશિકે તાજેતરમાં જ જાવેદ અખ્તરની હોળી પાર્ટીમાં પણ હાજરી આપી હતી, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી.