બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 21 જૂન 2022 (12:38 IST)

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા બદલાઈ જશે? કોણ બનશે દયાબહેન?

disha vakani
લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 12 વર્ષથી ચાલી રહી છે.
 
સિરિયલ સાથે જોડાયેલા દરેક નાના-મોટા ફેરફારને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા છે. અત્યારે સિરિયલને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે સિરિયલના નિર્માતાને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે તેના મુખ્ય પાત્ર જેઠાલાલના પરમ મિત્ર તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા સિરિયલમાંથી નીકળી ગયા છે.
 
નિર્માતાઓએ સિરિયલમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે.
 
સિરિયલના નિર્માતા અસિત મોદી કહે છે કે ટૂંક સમયમાં જ દયાબહેનની વાપસી સાથે સિરિયલમાં કેટલાક નવા ચહેરાઓ પણ જોડાશે. ગોકુલધામ સોસાયટીની સાથે જેઠાલાલની દુકાન 'ગડા ઇલેક્ટ્રૉનિક્સ'ની પણ કાયાપલટ કરી નાખવામાં આવી છે
 
શોમાં ગડા ઇલેક્ટ્રૉનિક્સ જેઠાલાલની દુકાન તરીકે બતાવવામાં આવી છે. નટુકાકા અને બાઘા આ દુકાનના કર્મચારી છે. આ દુકાન લગભગ દરેક એપિસોડમાં દેખાડવામાં આવે છે.
 
વાસ્તવમાં આ દુકાન મુંબઈના ખારમાં આવેલી છે. આ દુકાનના માલિકનું નામ શેખર ગડિયાર છે. આગામી એપિસોડમાં હવે તમને આ દુકાન ફરી ક્યારેય જોવા નહીં મળે. કોરોનાકાળમાં બાકી બધાની જેમ આ દુકાનને પણ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું હતું.
 
આ શોના નિર્માતા અસિત મોદીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "જુઓ, જ્યાં અમે શૂટિંગ કરી રહ્યા હતા ત્યાં પહેલાં તકલીફ પડતી હતી. કોવિડનો સમય હતો અને તે ગીચ રહેણાક વિસ્તાર હતો."
 
"જેના કારણે કોરોના સંક્રમણના ઘણા કેસ સામે આવી રહ્યા હતા. ત્યાં રહેતા લોકો પણ અમારાથી ડરતા હતા કે શૂટિંગ ક્રૂ આવી જાય છે. અમે રસ્તા પર શૂટિંગ કરી શકતા નથી, તેથી અમને લાંબા સમયથી નવો સેટ બનાવવાની આવશ્યકતા જણાતી હતી."
 
"હવે અમે ફિલ્મ સિટીની અંદર જ તારક મહેતાના સેટ પર એક દુકાનનો સેટ બનાવી દીધો છે, જેના કારણે હવે અમે આરામથી શૂટિંગ કરી શકીશું. લેખનમાં નવીનતા હશે જે દર્શકોને ગમશે. "
 
નવાં દયાબહેનની ઍન્ટ્રીને લઈને એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે કે, શું દિશા વાકાણી જ ભજવશે દયાબહેન ભૂમિકા?
 
આ પ્રશ્નના જવાબમાં અસિત મોદીએ કહ્યું, "અમે પણ ઈચ્છીએ છીએ કે જૂનાં દયાબહેન પાછાં આવે. પરંતુ હવે તેમનાં લગ્ન થઈ ગયાં છે. પરિવારની જવાબદારી છે. એક ખુશીની વાત એ છે કે તેમના પરિવારમાં પુત્રનો જન્મ થયો છે. એક દીકરી હતી. હવે એક દીકરો આવ્યો એટલે આખો પરિવાર થઈ ગયો છે."
 
"પરિવારની જવાબદારીને લીધે તેઓ ન આવી શકે, તો અમે બીજાં દયાબહેનને શોધીશું. હું તમને વચન આપું છું કે મને અને મારી ટીમને જે પણ મળશે તે દર્શકોને ગમશે. અમે એક સારું મનોરંજન આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું."
 
શૈલેષ લોઢાના જવાનું દુખ?
 
દયાબહેનની ઍન્ટ્રી સાથે, બીજો મોટો ફેરફાર શોના તારક એટલે કે શૈલેષ લોઢાનું સિરિયલ છોડી જવું છે.
 
આ અંગે અસિત મોદી કહે છે, "જુઓ, જે લોકો શો છોડી ગયા છે તેનાથી હું નારાજ નથી. જ્યાં સુધી તેઓ ત્યાં હતો ત્યાં સુધી તેણે સારું કામ કર્યું. મેં તેમને ઘણું સમજાવ્યું કે તમે જોડાયેલા રહો."
 
"જે લોકો છોડીને ગયા છે તેઓનો હું આભારી છું કારણ કે તેઓએ શોમાં યોગદાન આપ્યું છે. તેમણે શો છોડવો ન જોઈએ એમ હું હંમેશાં કહીશ. પરંતુ ઠીક છે, જે નવા લોકો આવે છે તેઓ વધુ ઊર્જા સાથે આવે છે. બહુ મહેનત કરે છે."
 
અસિત મોદી કહે છે, "શોમાં જે પણ નવા ચહેરા આવે છે, પછી તે આપણા સોઢીભાઈ હોય કે સોનુ કે હાથીભાઈ હોય, બધા સખત મહેનત કરે છે. હું કહું છું કે જૂનાની જગ્યાએ જે નવા લોકો આવે છે, તેમને પણ ભરપૂર પ્રેમ આપો."
 
"જેઓ છોડી ગયા છે તેઓને ફરીથી જોડવા માગીએ છીએ. કદાચ તેમની કોઈ મર્યાદા હશે, મજબૂરી હશે. હું દર્શકોને વિનંતી કરીશ કે જે પણ આવે તેને પ્રેમ આપો. હું વચન આપી શકું છું કે તે તમને ભરપૂર મનોરંજન આપશે."
 
નટુકાકાની યાદ
શોના મહત્ત્વના પાત્ર નટુકાકાનું પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામનું કૅન્સરને કારણે અવસાન થયું હતું. શોમાં દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે.
 
દિલીપ જોશી બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં કહે છે, "અમારા શોની નવી દુકાનમાં પ્રવેશતાની સાથે જ બાઘાભાઈ એટલે કે તન્મય નટુકાકાને બહુ યાદ કરતા હતા. જ્યારે અમે સીન કર્યા ત્યારે પણ અમે તેમને ખૂબ મિસ કર્યા. તેઓ હંમેશાં અસિત ભાઈને કહેતા કે યાર બહું દૂર પડે છે, તો આપણે અહીં ક્યાંક દુકાન બનાવી લઈએ તો આપણા બધા માટે બહુ સારું રહેશે, પણ ત્યારે આવું કંઈ વિચાર્યું જ નહોતું."
 
"અમે તેમને યાદ કરીને બસ કહી જ રહ્યા હતા કે કદાચ અહીં શૂટિંગ કરવાનું તેમના નસીબમાં નહીં હોય. આજે તેઓ આપણી વચ્ચે નથી પણ તેઓ જ્યાં પણ હશે, ત્યાં એ જોઈને ખુશ થતા હશે અને અમને આશીર્વાદ આપતા હશે. અને આપણને સિરિયલમાં નવા નટુકાકાની ઍન્ટ્રી બહુ જલદી જોવા મળશે.
 
એક જ પાત્ર ભજવવાનો કંટાળો ન આવે?
દિલીપ જોષીએ જેઠાલાલનો રોલ કર્યો તેને 12 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આટલાં વર્ષો સુધી જેઠાલાલનું એક જ પાત્ર ભજવવાનો તમને કંટાળો નથી આવતો?
 
આના જવાબમાં દિલીપ જોશી કહે છે, "ના, એની જ તો મજા છે એક અભિનેતા માટે. મને ભૂતકાળમાં પણ પૂછવામાં આવ્યું છે કે તમે આટલા લાંબા સમયથી સતત આ રૉલ કરી રહ્યા છો, તમને કંટાળો નથી આવતો?
 
"દરરોજ એક પડકાર હોય છે કે એ જ પાત્ર, એ જ સેટ, એ જ સહ-અભિનેતાઓ છે, મતલબ એ જ ભૂમિકા છે... તો તમે આમાં નવું શું કરી શકો. ભગવાનની કૃપાથી દરેક દૃશ્યમાં દરેક વખતે કંઇક નવું મળી જ જાય છે, તો બહુ મજા આવે છે."
 
"એક પડકાર પણ છે કે જ્યારે તમે કંઈક નવું કરવાનું વિચારો છો, તમે કંઈક નવું કરો છો, તે એક અભિનેતા હોવાના નાતે સંતોષ આપે છે કે હા કંઈક સારું કર્યું, સીન ભજવવાની મજા આવી. બસ ભગવાનની કૃપા છે કે તે સારા-સારા વિચારો આપી રહ્યો છે અને અમે તેને દરરોજ ભજવી રહ્યા છીએ અને તેથી જ અમારો શો આજે પણ અમારા દર્શકોને એકદમ તાજો લાગી રહ્યો છે."
 
ગોકુલધામ એટલે મિની ઈન્ડિયા
 
આ શો 12 વર્ષથી ચાલી રહ્યો છે. શોમાં એવું શું ખાસ છે કે જેના કારણે દર્શકો આ શો સાથે જોડાયેલા છે?
 
આ અંગે દિલીપ જોષી કહે છે, "મને લાગે છે કે પાત્રોની નિર્દોષતા તેની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ છે. અમારા ગુજરાતી હાસ્યલેખક તારકભાઈ મહેતાએ બધા પાત્રોને ખુબજ સુંદર રીતે ઉપસાવ્યા છે. તે દરેક વર્ગના પ્રેક્ષકોને અપીલ કરે છે. મતલબ કે પહેલાં ટપુસેના નાની હતી તો બાળકો માટે મહત્ત્વની હતી. વડીલો માટે બાપુજી હતા, આધેડ માટે જેઠાલાલ અને બાકીના કલાકારો હતા."
 
"મહિલાઓ માટે, સિરિયલની બાકીની બધી મહિલાઓ છે. ગોકુલધામમાં દરેક પ્રાંતનો એક પરિવાર બતાવવામાં આવ્યો છે, તો એ પણ એક વિશિષ્ટતા છે. જેને પ્રેમથી મિની ઈન્ડિયા કહેવામાં આવે છે, કહેવાનો અર્થ એ છે કે આ શો દરેક ઉંમરના લોકો માટે છે અને તેથી જ તેની સર્જનાત્મકતાને જોતાં લોકો તેને પસંદ કરી રહ્યા છે."
 
સમાચાર મુજબ હવે દયાબહેનના પાત્રમાં એક નવો ચહેરો જોવા મળવાનો છે. 90ના દાયકામાં ટેલિકાસ્ટ થયેલા ફેમસ ટીવી શો 'હમ પાંચ'માં સ્વીટી માથુરનું પાત્ર ભજવનાર રાખી વિજાન દયાબહેન બની શકે છે.