બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (11:57 IST)

સ્વામી ચિન્મયાનંદ : કોણ છે ભાજપના આ નેતા જેમની બળાત્કારના કેસમાં ધરપકડ કરાઈ

શાહજહાંપુર બળાત્કાર કેસમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરી લેવામાં આવી છે.
યુપીની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે ચિન્મયાનંદની ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી ધરપકડ કરી છે.
હાલ એસઆઈટી તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવા માટે જિલ્લા હૉસ્પિટલમાં જઈ રહી છે.
હૉસ્પિટલની બહાર પણ ભારે સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એસઆઈટીની ટીમ પણ જિલ્લા હૉસ્પિટલમાં હાજર છે.
ભાજપના વરિષ્ઠ નેતા પર કાયદાનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ચિન્મયાનંદને આજે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 
કોણ છે સ્વામી ચિન્મયાનંદ?
ભાજપના પૂર્વ સાંસદ સ્વામી ચિન્મયાનંદ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.
તેમની ગણના રામમંદિર આંદોલનના મોટા નેતાઓમાં થાય છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં તેમનો આશ્રમ છે અને તેમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ તેઓ ચલાવે છે.
ગોંડાના મૂળ નિવાસી અને સંન્યાસી બન્યા બાદ હરિદ્વારમાં રહેતા સ્વામી ચિન્મયાનંદ બાદમાં શાહજહાંપુરના આશ્રમમાં આવીને રહ્યા હતા.
જે મુમુક્ષુ આશ્રમ તેઓ ચલાવી રહ્યા છે તેની સ્થાપના આ વિસ્તારના પ્રખ્યાત સંત સ્વામી શુકદેવાનંદે આઝાદી પહેલાં કરી હતી.
સ્વામી ચિન્મયાનંદ એશીંના દાયકામાં આ આશ્રમમાં આવ્યા અને તેઓ અહીં એ સમયના સ્વામી ધર્માનંદના શિષ્ય બનીને રહેવા લાગ્યા હતા.
મુમુક્ષુ આશ્રમના મૅનેજર શ્રીપ્રકાશ ડબરાલ કહે છે કે શ્રી દેવી સંપદ મંડલ તરફથી સ્વામી ચિન્મયાનંદને આ આશ્રમમાં મોકલવામાં આવ્યા હતા.
શ્રી દેવી સંપદ મંડલ એ સંસ્થા છે જેના અંતર્ગત મુમુક્ષુ આશ્રમ જેવા અનેક આશ્રમો આવેલા છે.
આશ્રમના સંચાલન સાથે જોડાયેલા ડૉક્ટર અવનીશ મિશ્ર જણાવે છે કે શુકદેવાનંદના શિષ્ય ધર્માનંદ હતા અને તેમના બે શિષ્ય ચિદાનંદ અને ચિન્મયાનંદ.
તેઓ કહે છે, "ચિન્મયાનંદ મુમુક્ષુ આશ્રમ અને હરિદ્વારમાં આવેલા પરમાર્થ નિકેતનના અધિષ્ઠાતા બન્યા જ્યારે ચિદાનંદ ઋષિકેશ સ્થિત આશ્રમના."
બાદમાં ચિન્મયાનંદે શાહજહાંપુરમાં મુમુક્ષુ શિક્ષણ સંકુલ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું અને તેના દ્વારા અનેક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. જેમાં પબ્લિક સ્કૂલથી લઈને પોસ્ટ ગ્રૅજ્યુએટ સ્તરની કૉલેજ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ સામેલ છે.
 
શું છે બળાત્કારનો મામલો?
"સ્વામી ચિન્મયાનંદને મારી વિવશતાનો ફાયદો ઉઠાવીને દગાથી મારો નાહવાનો વીડિયો ઉતાર્યો. પછી તેના દ્વારા મને બ્લેકમેઇલ કરીને મારા પર બળાત્કાર કર્યો, પછી બળાત્કારનો પણ વીડિયો બનાવીને મારું એક વર્ષ સુધી શોષણ કરતા રહ્યા. મને લાગ્યું કે આમને આ રીતે જ જવાબ આપી શકાય છે કારણ કે તેમની સામે લડવાની ના તો મારી હેસિયત છે કે ના તો મારામાં તાકાત છે."
ઉપરોક્ત શબ્દો ઉત્તર પ્રદેશના શાહજહાંપુર લૉ કૉલેજમાં અભ્યાસ કરતી એ વિદ્યાર્થિનીના છે જેમણે ચિન્મયાનંદ પર બળાત્કારના આરોપ લગાવ્યા છે.
શાહજહાંપુરની એક લૉ કૉલેજની વિદ્યાર્થિનીએ કેટલાક દિવસો પહેલાં એક વીડિયો પોસ્ટ કરીને દ્વારા સંત સમાજના એક મોટા નેતા સામે તેમના સહિત અનેક યુવતીઓના શોષણ અને ધમકાવવાના આરોપ લગાવ્યા હતા.
આ વિદ્યાર્થિની જે કૉલેજમાં અભ્યાસ કરતી હતી તેનું સંચાલન સ્વામી ચિન્મયાનંદના હાથમાં હતું.
જોકે, સ્વામીના આશ્રમ તરફથી આ આરોપોને નકારી દેવામાં આવ્યા છે અને તેમને બદનામ કરવા માટે આરોપો લગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.
યુવતીએ કહ્યું, "મેં કાયદાનો અભ્યાસ પણ એ જ કૉલેજમાં કર્યો છે પરંતુ ત્યાં સુધી મને કંઈ ખબર ન હતી. એલએલએમમાં જ્યારે ઍડમિશન લેવા માટે કૉલેજના આચાર્યના કહેવા પર હું ચિન્મયાનંદને મળી હતી."
"આ મુલાકાત બાદ મને તેમનો અસલી ચહેરો જોવા મળ્યો હતો. શાહજહાંપુરમાં પોલીસને હું ફરિયાદ નહોતી કરી શકતી કેમ કે તેઓ ખુદ આશ્રમમાં સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવતા હતા."
"જે બાદ મારા મિત્રએ મને આઇડિયા આપ્યો અને મેં ઑનલાઇન કૅમેરા મંગાવીને વીડિયો બનાવ્યો."
આ મામલામાં પીડિતા અને તેમના પિતાએ પુરાવારૂપે 43 નવા વીડિયો એસઆઈટીની ટીમને આપ્યા છે.
પીડિતાએ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તેમની પાસે પુરતા પુરાવા છે કે સ્વામી ચિન્મયાનંદે તેમના પર અનેકવાર બળાત્કાર કર્યો હતો.
આઠ વર્ષ પહેલાં શાહજહાંપુરની એક અન્ય મહિલાએ પણ સ્વામી ચિન્મયાનંદ સામે યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી.
એ મહિલા સ્વામી ચિન્મયાનંદના આશ્રમમાં રહેતાં હતાં. જોકે, રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ સરકારે તેમની સામે થયેલા કેસો પરત ખેંચી લીધા હતા. જોકે, પીડિતાના પક્ષે સરકારના આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો.