રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 મે 2019 (10:37 IST)

મોસ્કો : ઍરપૉર્ટ ઉપર સળગ્યું વિમાન, કમ સે કમ 41નાં મૃત્યુ

રશિયાના મોસ્કો ઍરપૉર્ટ ખાતે એક મુસાફર વિમાને આપાતકાલીન ઉતરાણ કર્યું હતું, દરમિયાન તેમાં આગ લાગી ગઈ હતી. સત્તાવાર અહેવાલો પ્રમાણે, આ આગને કારણે 41 મુસાફરોનાં મૃત્યુ થયાં છે.
તપાસકર્તાઓનાં જણાવ્યા પ્રમાણે, વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 78 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર 37 જ હયાત બચ્યા છે.
રશિયાની સરકારી ઍરલાઇન્સ કંપની 'ઍરોફ્લૉટ'ના કહેવા પ્રમાણે, 'ટેકનિકલ કારણોસર' આ વિમાન ઉડ્ડાણ બાદ ઍરપૉર્ટ પરત ફર્યું હતું.
જોકે, કેવા પ્રકારની ટેકનિકલ ખામી ઊભી થઈ હતી, તે અંગે કંપનીએ સત્તાવાર રીતે કશું નથી જણાવ્યું.
 
સોશિયલ મીડિયા ઉપર વહેતાં થયેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે આપાતકાલીન દ્વાર મારફત મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે.
અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે વિમાન ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે તેમાંથી કાળો ધૂમાડો નીકળી રહ્યો હતો. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન ઉછળી રહ્યું હતું.
આ વિમાન સુખોઈ સુપરજેટ-100 હોવાનું કહેવાય છે, જે મૉસ્કોના શેરેમેત્યેવો ઍરપૉર્ટથી મરમાંસ્ક જઈ રહ્યું હતું.
વિમાન જ્યારે રનવે ઉપર ઉતરી રહ્યું હતું ત્યારે તેના એંજિનમાં આગ લાગી ગઈ હતી.
 
સોશિયલ મીડિયા ઉપર વહેતી થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે લૅન્ડિંગ સમયે પ્લેનનો પાછળનો ભાગ સળગી રહ્યો હતો, જ્યારે કેટલાક લોકો આગળના આપાતકાલી દ્વારમાંથી કૂદી રહ્યાં છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અકસ્માતમાં મૃત્યુ પામેલાં લોકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
ઍરલાઇન્સ કંપની ઍરોફ્લૉટ દ્વારા જીવિત બચી ગયેલાં મુસાફરોનાં નામોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં માત્ર 33 નામ જ છે.
કંપની દ્વારા ઇમર્જન્સી ટેલિફોન નંબર પર બહાર પાડવામાં આવ્યાં છે.
કંપનીએ જાહેરાત કરી છે કે ઘાયલોનાં પરિવારજનોને નિઃશુલ્ક રશિયા મોકલવામાં આવશે.
 
'ભયભીત મુસાફરો'
રિપોર્ટ્સ મુજબ, વિમાનનાં ઇમર્જન્સી લૅન્ડિંગનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
ટ્રૅકિંગ વેબસાઇટ 'ફ્લાઇટરડાર 24'ના રિપોર્ટ મુજબ વિમાને ટૅકઑફ કર્યું, તેની અડધી કલાક પછી આપાતકાલીન ઉતરાણનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
ક્રિસ્ચાન કોસ્તોવ નામના એક પ્રત્યક્ષદર્શીએ સોશિયલ મીડિયા ઉપર સમગ્ર ઘટનાક્રમનું વિવરણ લખ્યું છે.
તેમના લખ્યું છે કે જ્યારે વિમાન સળગવા લાગ્યું ત્યારે આ મુસાફરો ભયને કારણે થરથર ધ્રૂજવા લાગ્યાં હતાં.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.