રેહાન ફઝલ
એપ્રિલ 1573માં ડુંગરપુરના રાવલ અસકરણને હરાવીને અકબરના સેનાપિત માનસિંહ પડોશી રાજ્ય મેવાડ પહોંચ્યા. મહારાણા પ્રતાપે પ્રસિદ્ધ ઉદયસાગર સરોવરના કિનારે તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. પ્રતાપના પુત્ર અમરસિંહે, માનસિંહનું સ્વાગત કર્યું. જોકે, પેટમાં દુઃખે છે તેવું બહાનું કાઢીને રાણા પ્રતાપ પોતે હાજર રહ્યા નહોતા. એ ભોજન સમારંભનો ઉલ્લેખ કરીને જેમ્સ ટોડે પોતાના પુસ્તક 'એનલ્સ એન્ડ એન્ટિક્વિટિઝ ઑફ રાજસ્થાન'માં લખ્યું છે, "તે સમયે માનસિંહે કહ્યું હતું કે પેટમાં દુખાવાનું બહાનું બહુ જાણીતું છે."
"પ્રતાપ પોતે સામે આવીને જમવા બેસે નહીં, ત્યાં સુધી હું એક કોળિયો પણ નહીં લઉં. તે પછી અમે બંને એક જ થાળીમાં જમીશું."
"પ્રતાપે એવું કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે પોતાની ફોઈનાં લગ્ન તુર્કો સાથે કરાવ્યાં હોય તેવા રાજપૂતો સાથે ભોજન કરવા બેસશે નહીં."
જોકે, આવી મુલાકાતનો કોઈ ઉલ્લેખ અબુલ ફઝલના 'અકબરનામા' કે અબ્દુલ કાદીર બદાયુંની 'મનતખત-ઉત-તારીખ'માં નથી.
હા, અમરકાવ્ય 'વંશાવળી'માં રાજ રત્નાકરે આ મુલાકાતનું વર્ણન કર્યું છે અને લખ્યું છે, "માનસિંહ ભોજન દરમિયાન વચ્ચેથી જ ઊભા થઈ ગયા ત્યારે પ્રતાપે કટાક્ષમાં કહ્યું હતું કે તેમણે પોતાના ફૂઆ અકબરની સાથે અહીં આવવાની જરૂર હતી."
"માનસિંહના ગયા બાદ પ્રતાપે ભોજનમાં મૂકાયેલાં વાસણો અને થાળીઓને સાફ કરાવ્યાં હતાં, જેથી તેમણે પોતાનાં ફોઈનાં લગ્ન સમ્રાટ સાથે કરાવ્યાં તે પાપને ધોઈ શકાય."
જગમાલને બનાવ્યા વારસદાર
માનસિંહની પહેલાં તેમના પિતા ભગવંત દાસ અને અકબરના નવરત્નોમાંના એક રાજા ટોડરમલ પણ અકબર વતી મહારાણા પ્રતાપને મનાવવાનો પ્રયાસ કરી ચૂક્યા હતા. તેઓ પણ તેમાં સફળ થયા નહોતા.
28 ફેબ્રુઆરી 1572ના રોજ રાણા ઉદયસિંહનું નિધન થયું હતું.
રાણા પ્રતાપ તેમના સૌથી મોટા પુત્ર હતા પણ અવસાન પહેલાં તેમણે પોતાના નવમા નંબરના પુત્ર જગમાલને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા.
જોકે, મેવાડના મંત્રીઓ અને દરબારીઓએ આખરે રાણા પ્રતાપને જ ગાદીએ બેસાડ્યા હતા.
'મહારાણા પ્રતાપ - ધ ઇન્વિસિબલ વૉરિયર' પુસ્તકનાં લેખિકા રીમા હૂજા કહે છે, "રાણા ઉદયસિંહે 20થી વધુ લગ્ન કર્યાં હતાં."
"રાણા પ્રતાપ તેમના સૌથી મોટા પુત્ર હતા. તેમનાં 25 ભાઈઓ અને 20 બહેનો હતી."
"ઉદયસિંહના અંતિમ સંસ્કાર વખતે મુખાગ્નિ આપવા માટે રાણા પ્રતાપ નહોતા ગયા."
"તે વખતે મેવાડમાં એવી પ્રથા હતી કે સૌથી મોટો પુત્ર અગ્નિ સંસ્કાર વખતે જવાના બદલે રાજમહેલમાં જ રહે. જેથી કોઈ દુશ્મન તકનો લાભ ઊઠાવીને હુમલો ના કરી દે."
"પ્રતાપના મામા અખઈ રાજ અને ગ્વાલિયરના રામસિંહ તે વખતે મેવાડમાં હતા. તેમણે જોયું કે રાજકુમાર જગમાલ પણ સ્મશાનમાં હાજર નહોતા."
"તેમણે પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે જગમાલ રાજમહેલમાં જ છે અને તેમના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે."
"તેથી તેઓ તરત રાજમહેલ પહોંચ્યા અને જોયું કે ઉદયસિંહ જે રાજગાદી પર બેસતા હતા, ત્યાં જગમાલ બેઠા હતા."
"બંનેએ ડાબે જમણે ગોઠવાઈને તેમના હાથ પકડીને તેમને ત્યાંથી ઉઠાવ્યા અને મહારાણાના પુત્ર જ્યાં બેસતા હતા ત્યાં તેમને બેસાડી દીધા. તે પછી પ્રતાપની શોધ કરવામાં આવી."
"તેઓ શહેરની બહાર એક વાવ પાસે કેટલાક સાથીઓ સાથે બેઠા હતા અને શહેર છોડીને જવાની તૈયારીમાં હતા."
"તેમણે રાણા બનવા માટે મનાવી લેવાયા અને ત્યાં જ એક પથ્થર પર બેસાડીને તેમનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો."
મુઘલો સામેનો જંગ
આ પછી હવે જગમાલે ગુસ્સામાં મેવાડ છોડી દીધું. તેમણે અજમેર જઈને અકબરનો સંપર્ક કર્યો. અકબરે તેમને જહાજપુરની જાગીર ભેટમાં આપી. આ પહેલાં ઉદયસિંહ જીવતા હતા ત્યારે જ તેમના બીજા પુત્ર શક્તિસિંહે પણ મેવાડ છોડી દીધું હતું. તેઓ પણ અકબર તરફથી મળતા વજીફા પર ગુજારો કરતા હતા. પ્રતાપ રાણા બન્યા તેનાં ચાર વર્ષ પહેલાં જ 1568માં મેવાડની રાજધાની ચિત્તોડ પર મુઘલોએ કબજો કરી લીધો હતો.
ગાદી સંભાળ્યા બાદ રાણા પ્રતાપે એક તરફ મુઘલોનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી. બીજી બાજુ ઊભા પાકનો નાશ કરી દેવાનો આદેશ કર્યો, જેથી અકબરની સેનાને અનાજ મળવું મુશ્કેલ બને. રીમા હૂજા કહે છે, "ચિત્તોડની આસપાસ ઊભેલા પાકને બાળી નખાયો, જેથી મુઘલ સૈનિકોને અનાજ ના મળે."
"એ જ રીતે ચિત્તોડથી ઉદયપુર વચ્ચેના બધા જ કુવામાં કચરો નાખી દેવાયો, જેથી મુઘલ સેનાને પીવાનું પાણી પણ ના મળે."
"પ્રતાપે પ્રતિજ્ઞા કરી હતી કે ચિત્તોડ ફરી પાછું પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સોના ચાંદીનાં વાસણોનો ઉપયોગ નહીં કરે તથા પલંગના બદલે જમીન પર ઘાસ પાથરીને સુવાનું રાખશે."
"તેના કારણે સદીઓ સુધી મેવાડના રાજાઓ રાણા પ્રતાપની યાદમાં પોતાની થાળી નીચે પાન રાખીને જ ભોજન કરતા હતા."
હલ્દીઘાટીનું યુદ્ધ
અકબર અને પ્રતાપ વચ્ચેની દુશ્મનાવટ પછી આખરે હલ્દીઘાટીમાં યુદ્ધ થયું. 21 જૂન 1576માં બંને તરફની સેના આમને-સામને ગોઠવાઈ ગઈ હતી. મુઘલ સેનાની આગેવાની માનસિંહ કરી રહ્યા હતા. શરૂઆતમાં એવું લાગતું હતું કે રાજપૂતો મુઘલોને ભારે પડી રહ્યા છે.
તે વખતે મુઘલોનો એક સેનાપતિ મિહતાર ખાન પાછળની બાજુ લડી રહ્યો હતો. તેણે આગળ આવીને જોરથી બૂમ મારી કે બાદશાહ અકબર મોટી સેના સાથે યુદ્ધમાં ભાગ લેવા આવી રહ્યા છે. અબુલ ફઝલે 'અકબરનામા'માં લખ્યું છે, "આ સાંભળીને મુઘલ સેનાનું મનોબળ વધી ગયું હતું. તેઓ ભાગવાના બદલે રાજપૂતોની સામે લડવા લાગ્યા."
"અકબર આવે તેવી શક્યતા પણ હતી કેમ કે તેઓ આગ્રા કે દિલ્હીમાં નહીં પણ યુદ્ધ મેદાનથી થોડે જ દૂર હતા. આ અફવાથી રાજપૂતો પણ હતાશ થયા હતા."
હાથી રામપ્રસાદના મહાવતનું મોત
મેવાડની સેનાનો મુખ્ય હાથી રામપ્રસાદ હતો. તેના મહાવતને એક તીર વાગ્યું અને તેમનું મોત થયું તે પછી મુઘલોને પ્રારંભિક સફળતા મળી ગઈ હતી.
એ ઘટનાનું વર્ણન કરતા અબ્દુલ કાદિર બદાયૂંનીએ 'મનતખબ-ઉત-તવારીખ'માં લખ્યું છે, "માનસિંહે બહાદુરી સાથે પોતાના હાથીને આગળ કર્યો."
"રાજપૂતોએ તેમને રોકવા માટે પોતાના હાથીઓનો ઉપયોગ પણ કર્યો."
"દરમિયાન માનસિંહને મદદરૂપ થવા માટે હાથીઓના કમાન્ડર હુસૈન ખાન પણ આગળ આવી ગયા હતા."
"મુઘલોના એક હાથીએ રાણાની સેનાના મુખ્ય હાથી રામપ્રસાદ પર જબરદસ્ત હુમલો કર્યો. તેના કારણે તેનો મહાવત માર્યો ગયો."
"માનસિંહની સેનાનો એક મહાવત તેના પર સવાર થઈ ગયો અને તેને મુઘલ સેના તરફ હંકારીને લઈ ગયો."
"બાદમાં જીતના સમાચાર રામપ્રસાદ હાથી સાથે મોકલીને બાદશાહ અકબર સુધી પહોંચાડવામાં આવ્યા."
હાથીએ ચેતકના પગને ઈજા કરી
દરમિયાન ચેતક પર સવાર મહારાણા પ્રતાપ, હાથી પર બેસીને લડી રહેલા માનસિંહની સામે આવી ગયા હતા. તેમણે ભાલાથી માનસિંહ પર હુમલો કર્યો.
રીમા હૂજા કહે છે, "ભાલો માનસિંહને ના વાગ્યો પણ તેમના મહાવતને વાગ્યો અને તેનું મોત થયું."
"તે જ વખતે માનસિંહના હાથીની સૂંઢમાં રાખેલી તલવારથી ચેતકના પગ પર હુમલો કરાયો, જેમાં તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો."
"ચેતકને ઘા લાગ્યા તે સાથે જ મુઘલ સેનાએ રાણા પ્રતાપ પર તીરોનો મારો શરૂ કરી દીધો હતો."
"રાણાની સેનાના સેનાપતિઓએ નક્કી કર્યું કે રાણા યુદ્ધ મેદાનથી દૂર જતા રહે."
"મુઘલોને ભ્રમમાં નાખવા માટે તેમની જગ્યાએ માનસિંહ ઝાલા ગોઠવાઈ ગયા હતા."
"તેમના માથે મેવાડનું રાજવી છત્ર લગાવી દેવાયું હતું. તે લડાઈમાં આખરે માનસિંહ ઝાલા માર્યા ગયા હતા."
"બે પેઢી પહેલાં માનસિંહ ઝાલાના પૂર્વજ અજ્જા ઝાલાએ આવી રીતે જ લડીને પ્રતાપના દાદા રાણા સાંગાનો જીવ બચાવ્યો હતો."
"રાણા પ્રતાપ યુદ્ધ મેદાનમાંથી જતા રહ્યા તે સાથે જ રાજપૂત સેના અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી."
બાદમાં નિઝામુદ્દીને 'તબાકત-એ-અકબરી'માં લખ્યું હતું, "પીછેહઠ કરી રહેલા રાજપૂતોનો મુઘલોએ પીછો કર્યો."
"ઘણા બધા રાજપૂતોને મારવામાં તેમને સફળતા મળી હતી. તે પછી બપોર બાદ યુદ્ધ પૂરું થઈ ગયું."
ચેતકનું મોત
આ બાજુ પગમાંથી લોહી નીકળતું હોવા છતાં ચેતકે રાણા પ્રતાપને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડી દીધા હતા. રીમા હૂજા કહે છે, "ઉત્તમ અશ્વની ઓળખ જ એ છે કે તે વગર કહ્યે માલિકના મનની વાત જાણી લે. ચેતકમાં પણ એવા જ ગુણ હતા."
"ઘાયલ થવા છતાં તેમણે રાણાને પીઠ પર સવાર રાખ્યા હતા. તેની સામે એક મોટી ખાઈ આવી તે છલાંગ લગાવીને તેણે પાર કરી દીધી હતી."
"તે પછી તેને હાર્ટઍટેક આવ્યો અને તેનો પ્રાણ જતો રહ્યો. પ્રતાપને ચેતક જતો રહ્યો તેનું બહુ જ દુઃખ થયું હતું."
"બાદમાં ચેતકનું જ્યાં મોત થયું ત્યાં જ તેની યાદમાં તેમણે સ્મારક બનાવ્યું હતું."
હલ્દીઘાટી છોડીને રાણા પ્રતાપ ગોગુંડાના પશ્ચિમમાં કોલિયારી નામના કસબામાં પહોંચ્યા હતા. ત્યાં ઘાયલ સૈનિકોની સારવાર ચાલી રહી હતી.
"પ્રતાપને ખ્યાલ આવી ગયો હતો કે મુઘલ સેના ગોગુંડાના કિલ્લા પર પણ હુમલો કરશે."
"તેથી તેમણે કિલ્લામાં રહેતા લોકો અને પોતાના પરિવારને અન્ય સ્થળે મોકલી દીધા હતા."
"મુઘલ સેના ત્યાં પહોંચી ત્યારે 20 મેવાડી સૈનિકો કિલ્લાનું રક્ષણ કરી રહ્યા હતા."
"તમામ 20 સૈનિકો કિલ્લાનું રક્ષણ કરતા માર્યા ગયા. પ્રતાપે ગોગુંડા પહોંચતો પુરવઠો અટકાવી દીધો હતો."
"તેના કારણે કિલ્લા પર કબજો કરીને બેઠેલા મુઘલો માટે ખાવાના સાંસા પડી ગયાં હતાં."
રીમા હૂજા કહે છે, "મુઘલ સૈનિકોએ ભોજન માટે પોતાના અશ્વોની પણ કતલ કરવી પડી હતી."
"ત્યાં ખાવા માટે થોડા જંગલી ફળફૂલ અને કેરી સિવાય કશું નહોતું."
અકબરની નારાજી
હલ્દીઘાટીની લડાઈમાં મુઘલોને સ્પષ્ટ વિજય મળ્યો હતો તેવું કહી શકાય નહીં, કેમ કે અબુલ ફઝલ સહિત તે વખતના તમાર ઇતિહાસકારોએ લખ્યું હતું કે અકબર આ યુદ્ધનાં પરિણામોથી બહુ ખુશ થયા નહોતા. તેમનું કહેવું છે કે લાંબા સમય સુધી તેમણે એ લડાઈના સેનાપતિઓ માનસિંહ, આસફ ખાન અને કાઝી ખાનને પોતાના દરબારમાં હાજર થવા દીધા નહોતા.
કેટલાક ઇતિહાસકારો એવું પણ કહે છે કે અકબરને માનસિંહ પોતાના હુકમોનું પાલન કરે છે કે કેમ તે વિશે પણ શંકા હતી. બીજી બાજુ આ યુદ્ધને હિંદુ-મુસ્લિમની લડાઈની નજરથી જોવાનું પણ ખોટું ગણાશે. મજાની વાત એ છે કે મુઘલ સેનાના સેનાપિત હિંદુ માનસિંહ હતા, જ્યારે મહારાણા પ્રતાપ તરફથી મુસ્લિમ સેનાપતિ હાકિમ ખાન સૂર લડી રહ્યા હતા.
મહારાણા પ્રતાપની ગોરિલાયુદ્ધની રણનીતિ
હલ્દીઘાટીના યુદ્ધ પછી રાણા પ્રતાપે, અકબરની સેના સામે લડવાની પદ્ધતિ બદલી હતી. તેમણે હવે મુઘલો પર અચાનક હુમલો કરીને પછી જંગલોમાં ગાયબ થઈ જવાની રીત અપનાવી હતી.
રીમા હૂજા કહે છે, "એવું લાગતું હતું કે મહારાણા 100 જગ્યાએ એકસાથે હાજર છે. કેમ કે તેઓ ગુપ્ત રસ્તેથી જંગલોમાં પહોંચી જતા હતા."
"1582માં કુંબલગઢથી 40 કિમી દૂર દીવાએરની લડાઈમાં પ્રતાપે મુઘલોને હરાવ્યા હતા."
"પ્રતાપના પુત્ર અમરસિંહે મુઘલોના કમાન્ડર સુલતાન ખાન પર એટલો જોરથી પ્રહાર કર્યો હતો કે ઘોડા સહિત તેમના બે ટુકડા થઈ ગયા હતા."
આ રીતે છાપો મારીને યુદ્ધ કરવામાં પ્રતાપ એટલા અસરકારક નીવડ્યા હતા કે બાદમાં અન્યોને તેમાંથી પ્રેરણા મળી હતી.
ઇતિહાસકાર સતીશ ચંદ્રા લખે છે કે બાદમાં મલિક કાફૂર અને શિવાજીને આમાંથી છાપામાર યુદ્ધ કરવાની શીખ મળી હશે.
આ દરમિયાન રાણા પ્રતાપના પુત્ર અમર સિંહે અજમેરના સુબા ખાન-એ-ખાના પરિવારની સ્ત્રીઓ અને બાળકોને કેદ કરી લીધાં હતાં.
આ ખાન-એ-ખાના એટલે બીજા કોઈ નહીં, હિંદીના મશહૂર કવિ રહીમ હતા.
રીમા હૂજા કહે છે, "પ્રતાપને આ વાતની ખબર પડી ત્યારે તેઓ પોતાના પુત્ર પર નારાજ થયા હતા.
"તેમણે તરત જ પરિવારના લોકોને છોડી દેવાનું કહ્યું હતું. અમરસિંહે માનભેર તેમને ઘરે પહોંચાડ્યા હતા."
"બાદમાં રહીમે તેની ખૂબ પ્રસંશા કરી હતી અને તેમની શાનમાં ઘણા દુહા લખ્યા હતા."
1596માં શિકાર કરતી વખતે મહારાણા પ્રતાપને ઈજા થઈ હતી, તેમાંથી તેઓ સાજા થઈ શક્યા નહોતા.
19 જાન્યુઆરી 1598માં 57 વર્ષની ઉમરે તેમનું અવસાન થયું હતું. અકબર લાહોરમાં હતા ત્યારે દરબારમાં તેમને આ ખબર મળી હતી.
રીમા હૂજા કહે છે, "તે વખતે રાજસ્થાનના મશહૂર કવિ દુરસા આઢા અકબરના દરબારમાં હાજર હતા."
"તેમની વિશેષતા એ હતી કે તેઓ શીઘ્ર કવિ ગણાતા હતા. રાણા પ્રતાપના મોતના ખબર મળતા તેઓ ઊભા થઈને દુહા બોલવા લાગ્યા."
"અસ લેગો અણદાગ પાગ લેગો અણનામી
ગો આડા ગવડાય જીકો બહતો ઘુરવામી"
તેનો અર્થ એ થતો હતો કે તે ક્યારેય તારા ઘોડા પર શાહી દાઘ લાગવા દીધો નહીં, ક્યારેય પોતાની પાઘડી નમાવી નહીં, ક્યારેય શાહી ઝરોખાની નીચે ઊભા રહ્યા નહીં, ક્યારેય નવરોઝમાં બાદશાહને મળવા આવ્યા નહીં. આજે તારા મોતના ખબર દરબારમાં આવ્યા છે, ત્યારે જુઓ બાદશાહનું માથું પણ નમી ગયું છે. તેમની આંખમાં આંસુ છે અને પોતાની જીભને તેમણે દાંત નીચે દવાબી દીધી છે. તું જીતી ગયો પ્રતાપ. રાજસ્થાનમાં એવી કથા પ્રચલિત છે કે આ દુહાઓ સાંભળીને અકબરે દુરસા આઢાને ઇનામ આપ્યું હતું. કદાચ એ જ રાણા પ્રતાપની અસલી જીત હતી.