ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: તુષાર ત્રિવેદી , સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (11:11 IST)

World Cup U19 : એ પાંચ ભૂલ જેને લીધે ભારત બાંગ્લાદેશ સામે હાર્યું

આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે બાંગ્લાદેશ સામેની ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો. ટાઇટલ જીતવા માટે ભારત ફેવરિટ હતું, તો બીજી તરફ બાંગ્લાદેશ અંડરડૉગ્સ તરીકે રમી રહ્યું હતું.
ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહીને શાનદાર દેખાવ કર્યો હતો, પરંતુ ફાઇનલમાં ટીમના યુવા ખેલાડીઓ પાણીમાં બેસી ગયા હોય તેમ લાગતું હતું. ફાઇનલમાં ભારતના પરાજયના કેટલાક કારણ ઉડીને આંખે વળગે તેવાં રહ્યાં.
 
યશસ્વી જયસ્વાલ પર વધુ પડતો મદાર
 
આ વર્લ્ડ કપનો હીરો ઓપનર યશસ્વી જયસ્વાલ હતા. તેમણે દરેક મૅચમાં મજબૂત બેટિંગ કરી હતી. ટુર્નામેન્ટમાં જયસ્વાલે એક સદી અને ચાર અર્ધસદી સાથે 400 રન ફટકાર્યા. રવિવારની ફાઇનલમાં વિકેટ પણ લીધી અને તેમને યોગ્ય રીતે જ 'મૅન ઑફ ધ સિરીઝ' જાહેર કરાયા, પરંતુ તેમના એકલા પર મદાર રાખવો ભારતને ભારે પડી ગયો હતો. ટીમમાં અન્ય બૅટ્સમૅન જયસ્વાલ જેટલા ફૉર્મમાં ન હતા. ફાઇનલમાં પણ જયસ્વાલે સારી બેટિંગ કરી હતી, પરંતુ તેમને સામે છેડેથી જરૂરી એવો યોગ્ય સહકાર સાંપડ્યો નહીં.
 
ખરેખર તો ભારતે બૅકઅપ પ્લાન સાથે રમવાની જરૂર હતી.
 
કૅપ્ટન પ્રિયમ ગર્ગની નિષ્ફળતા. ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપ માટે રવાના થઈ, ત્યારે સૌથી વધુ આશા કૅપ્ટન પ્રિયમ ગર્ગ પાસેથી રખાતી હતી. હકીકતમાં ભારતના મોખરાના બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ નહીં, પરંતુ પ્રિયમ ગર્ગ છે જોકે સમગ્ર ટુર્નામેન્ટમાં તે નિષ્ફળ રહ્યા. છેલ્લે તે ફાઇનલમાં ઝળકશે તેવી પણ અપેક્ષા રખાતી હતી.
 
જયસ્વાલની સાથે ગર્ગે પોતાની જવાબદારી સંભાળીને રમવાની જરૂર હતી તેને બદલે તેઓ સસ્તામાં આઉટ થઈ ગયા અને ત્યાંથી બેટિંગમાં પતન શરૂ થયું. 
મિડલ ઑર્ડરની નિષ્ફળતા ભારે પડી
 
પ્રિયમ ગર્ગ સહિત ભારતના મિડલ ઑર્ડરના બૅટ્સમૅન રવિવારે સાવ નિષ્ફળ રહ્યા હતા. તેમની પાસે સ્કોર આગળ ધપાવવાની તક હતી, પરંતુ બાંગ્લાદેશ સામે તેઓ ઝડપી બેટિંગ કરી શક્યા નહીં અને ધીમે-ધીમે ટીમ પર દબાણ વધતું ગયું. ટીમનો રનરેટ અત્યંત કંગાળ રહ્યો. તેમાં પણ જયસ્વાલ આઉટ થયા બાદ મિડલ ઑર્ડરમાં કોઈ બૅટ્સમેન ટકી શક્યા જ નહીં.
 
ઇનિંગ્સના અંત ભાગમાં એકાદ બે વિકેટ તો ગેરસમજમાં ભારતે ફેંકી દીધી. એક તરફ રનની ગતિ વધારવાની હતી અને બીજી તરફ વિકેટ બચાવવાની હતી, ત્યારે ધ્રુવ જુરેલ અને રવિ બિશ્નોઈએ રનઆઉટ થઈને વિકેટ ફેંકી દીધી હતી.
 
એક્સ્ટ્રા રનની લહાણી
 
177 રનનો સ્કોર ડિફેન્ડ કરવાનો હોય ત્યારે ભૂલથી પણ એક્સ્ટ્રાનો રન આપી દેવાય નહીં તેની ખાતરી રાખવાની હોય છે તેને બદલે ભારતે 33 રન તો માત્ર એક્સ્ટ્રાના જ આપી દીધા હતા. બાંગ્લાદેશના 170 રનના સ્કોરમાં ભારતના એક્સ્ટ્રાનો ફાળો ઘણો મોટો હતો કેમ કે આ સ્કોર ટીમના બેટ્સમૅન બાદ ત્રીજા ક્રમનો સર્વોચ્ચ સ્કોર બની રહ્યો.
 
રવિ બિશ્નોઈએ પ્રભાવિત કર્યા પણ તેમને સહકાર મળ્યો નહીં
 
સ્પિનર રવિ બિશ્નોઈએ ભારત તરફથી વળતો પ્રહાર કરીને મૅચ જીવંત બનાવી દીધી હતી, પરંતુ એક છેડેથી તે વિકેટો ખેરવી રહ્યા હતા, ત્યારે સામે છેડેથી અન્ય કોઈ બૉલરનો યોગ્ય સહકાર સાંપડ્યો નહીં.
રવિ વિકેટ ખેરવવાની સાથે રન પણ બચાવતા હતા, કેમ કે તેમણે દસ ઓવરમાં માત્ર 30 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી, પરંતુ બીજે છેડેથી અન્ય બૉલર વાઇડ સહિત એક્સ્ટ્રાની લહાણી કરતા હતા.
સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી બૉલિંગ કરનારા કાર્તિક ત્યાગીએ રન રોક્યા, પરંતુ તે ટીમને સફળતા અપાવવામાં નિષ્ફળ રહ્યા.