બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2019 (18:04 IST)

લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલે કહ્યું 'મારો ગુનો એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહી'

પાટીદાર નેતા અને કૉંગ્રેસ પક્ષમાં જોડાનાર હાર્દિક પટેલનું લોકસભાની ચૂંટણી લડવા અંગેનું કાયદાકીય સસ્પેન્સમાં વળાંક આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને દોષિત જાહેર કરતાં વીસનગર અદાલતના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે.
આ કેસમાં અદાલતે કહ્યું હતું કે હાર્દિક પટેલ પર અનેક ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે અને હાર્દિક પટેલે આપેલી ખાતરી છતાં 17 જેટલી પોલીસ ફરિયાદો છે. અદાલતે નિર્ણય આપતી વખતે એમનાં પર અલગ અલગ અદાલતોમાં ચાલી રહેલા કેસનો પણ ધ્યાને લીધા હતા.
આ કેસમાં સરકારી વકીલ ધર્મેશ દેવનાનીએ મીડિયાને કહ્યું કે હાઇકોર્ટે હાર્દિકની અરજી ફગાવી દીધી છે. હાર્દિક સામે 17 જેટલા ગુના નોંધાયેલા છે, રેર કેસ હોય તેમાં કન્વીકશન પર સ્ટે આપી શકાય પણ હાર્દિકના કેસમાં એવું નથી. તેમના કેસ ભડકાઉ ભાષણના છે.
બીજી તરફ હાર્દિક પટેલના વકીલ સલીમ એમ સૈયદે કહ્યું હતું કે અમે અદાલતના ચુકાદાનો અભ્યાસ કરી આગળ જઈશું અને તરત જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું.
હાઇકોર્ટે સ્ટે ન આપતા હાર્દિક પટેલના 2019ની લોકસભાની ચૂંટણી લડવા પર સવાલ ખડો થયો છે.
ગુજરાતમાં લોકસભા માટે ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.
પ્રતિનિધિત્વ કાનૂન 1951 મુજબ જો કોઇ કેસમાં દોષિત જાહેર થયા હોય તો ચૂંટણી લડી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં અગાઉ હાર્દિક પટેલની પિટિશન જસ્ટિસ આર. પી. ઘોલરિયાએ નોટ બિફોર મી કરી હતી અને ત્યારબાદ જસ્ટિસ એ. જી. ઉરેજીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
શરૂઆતમાં રાજ્ય સરકારે હાર્દિકના કેસમાં જવાબ રજૂ ન કરતાં અદાલતે ત્વરિત જવાબ રજૂ કરવા તાકીદ કરી હતી.
રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા હાર્દિક પટેલ સામે અનેક ગુના હોવાની રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે કાયદો તોડનારને કાયદા ઘડવા ન બેસાડાય.
સામા પક્ષે હાર્દિક પટેલના વકીલે વીસનગર કેસ સિવાયના કેસમાં કોઈ પુરાવાઓ ન હોવાની અને અદાલતે માત્ર સાદી સજા કરેલી હોવાની દલીલ કરી હતી. તેમજ સાક્ષીઓની યોગ્ચ જુબાનીઓ પણ ન લેવાઈ હોવાનું અદાલતને જણાવ્યું હતું.
'મારો ગુનો એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં'
હાર્દિક પટેલImage copyrightGETTY IMAGES
ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે કહ્યું હતું કે 'હું ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું સ્વાગત કરું છું. ચૂંટણી તો આવે અને જાય છે પરંતુ ભાજપ બંધારણની વિરુદ્ધ કામ કરી રહ્યો છે. કૉંગ્રેસ પાર્ટીના 25 વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી રોકવામાં આવી રહ્યો છે.'
'ભાજપના નેતાઓ પર અનેક કેસો છે અને સજા પણ થયેલી છે પંરતુ કાયદો ફક્ત અમને જ લાગુ પડે છે.'
Skip Twitter post by @HardikPatel_
End of Twitter post by @HardikPatel_
'અમે ડરીશું નહીં. સત્ય, અહિંસા અને ઇમાનદારીથી સામાન્ય લોકોનો અવાજ ઉઠાવતાં રહીશું. જનતાની સેવક કૉંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું.'
'પાર્ટી માટે આખા દેશમાં પ્રચાર કરીશ. મારો ગુનો ફક્ત એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં. આ સત્તા સામે લડવાનું પરિણામ છે.'
Skip Twitter post 2 by @HardikPatel_
End of Twitter post 2 by @HardikPatel_
શું છે વીસનગર કેસ?
પાટીદાર અનામત આંદોલનImage copyrightGETTY IMAGES
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો વીસનગરના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપવા માટે ગયા હતા.
આવેદન સમયે પાંચ હજાર લોકોનું ટોળું એકઠું થયું હતું અને ટોળું બેકાબૂ બનતા ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
આ ઘટનામાં ટોળાંએ એક કારને પણ સળગાવી દીધી હતી અને અન્ય જગ્યાએ પણ નુકસાન કર્યું હતું. તેમજ એક પત્રકારને પણ માર મારવામાં આવ્યો હતો.
વીસનગર પોલીસે આ ઘટનામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના 17 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
ધારાસભ્યની ઑફિસમાં કરેલી તોડફોડ મામલે વીસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા.
આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લોકસભાની ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગવામાં આવ્યો હતો.