બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 એપ્રિલ 2020 (11:54 IST)

કોરોના વાઇરસ : શું ગુજરાતમાં કેસોમાં ઉછાળા માટે તબલીગી જમાત જવાબદાર?

ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે મંગળવારે કહ્યું કે ગુજરાત અને દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવવામાં તબલીગી જમાતની મોટી ભૂમિકા છે.તેમણે આગળ કહ્યું કે પ્રશાસન સાથે સહયોગ ન કરી અને ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવીને તેમણે કોરોના સંક્રમણને ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
 
નીતિન પટેલનું કહેવું છે, "ઇસ્લામિક રાષ્ટ્ર જેમકે પાકિસ્તાનમાં પણ સરકારના નિર્દેશોનાં ઉલ્લંઘનની વાતો નથી સાંભળી. દુર્ભાગ્યની વાત છે કે ભારતમાં અમુક 
 
કટ્ટરવાદી અને ધાર્મિક ઉન્માદી લોકોએ અફવાહ ફેલાવી કે તેનાથી તેમના ધર્મને નુકસાન થશે."
 
તેમણે કહ્યું કે "જમાતના સભ્યોએ અધિકારીઓને જાણ કરવી જોઈતી હતી અથવા મેડિકલ ચૅકઅપ કરાવવા આગળ આવવું જોઈતું હતું, જેનાથી વાઇરસના 
 
ફેલાવો ઓછો થયો હોત."
 
આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના 241 કેસ નોંધાયા છે.
 
નીતિન પટેલે કહ્યું, "તેમણે સમજવું જોઈતું હતું કે તેમનાં પગલાંને કારણે તેમના લઘુમતી સમુદાયના લોકો જ વધારે સંક્રમિત થયા છે."
 
તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યાત્રાથી પાછા આવેલા મોટાભાગના લોકો હિંદુ હતા, તેમણે કોઈ નખરા ન કર્યા અને ક્વોરૅન્ટીનમાં જતા રહ્યા છે.
 
ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલના આ નિવેદન અંગે વિવાદ સર્જાયો છે, ત્યારે પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા માટે શું એક સમુદાયને 
 
જવાબદાર ઠેરવી શકાય?
 
આંકડા શું કહે છે?
 
25 માર્ચના દિવસે ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યા 38 હતી, 15 દિવસમાં આ સંખ્યા વધીને 241 થઈ છે. રાષ્ટ્રીય સ્તર પર અમુક 
 
જિલ્લાઓને હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદને પણ સામેલ કરવામાં આવ્યું હતું, કારણકે ગુજરાતમાં સૌથી વધારે કેસ અહીં સામે આવ્યા 
 
છે.
 
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો નવ એપ્રિલના દિવસે અમદાવાદમાં નવા 48 કેસમાંથી 45 કેસ 
 
મુસ્લિમ છે. પાંચ એપ્રિલે અને છ એપ્રિલે પણ સામે આવેલાં નામોમાં સૌથી વધારે મુસ્લિમ દર્દીઓ હતા. કોરોના વાઇરસના સંક્રમણની નાથવાની કામગીરીની 
 
દિશામાં સાત એપ્રિલે રાજ્ય સરકારે ગુજરાતમાં 15 હૉટસ્પૉટ જાહેર કર્યા હતા, જેમાંથી આઠ અમદાવાદમાં, ત્રણ સુરતમાં, બે વડોદરામાં અને બે ભાવનગરમાં 
 
છે.
 
અમદાવાદમાં જે વિસ્તારોને હૉટસ્પૉટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો છે, જેમકે દાણીલીમડા, આસ્ટોડિયા 
 
અને કોટ વિસ્તાર.
 
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આપેલી માહિતી મુજબ સોમવારથી અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા આઠ હૉટસ્પૉટમાં વિશેષ ધ્યાન આપવામાં આવી 
 
રહ્યું છે અને ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરાયો છે.
 
અત્યાર સુધીના આંકડા શું કહે છે?
 
ત્રીજી એપ્રિલે ગુજરાતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 88 થઈ અને મૃત્યુઆંક સાત હતો.
 
ત્રીજી એપ્રિલે સરકારે લૅબ ટેસ્ટના આંકડા બહાર પાડ્યા હતા, જેના પ્રમાણે ત્યાર સુધી રાજ્યમાં કુલ 1826 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
 
ચાર એપ્રિલે ગુજરાતમાં કેસની સંખ્યા વધીને 108 થઈ ગઈ હતી, મૃત્યુઆંક 10 થયો હતો. તે દિવસના આંકડા મુજબ લૅબ-ટેસ્ટની સંખ્યા 2276 બતાવવામાં 
 
આવી હતી.
 
એટલે એક દિવસમાં 450 જેટલા ટેસ્ટ, પાંચ એપ્રિલની સાંજ સુધી લૅબ-ટેસ્ટની સંખ્યા 2568 હતી.
 
છ એપ્રિલે લૅબ-ટેસ્ટ બાબતે સરકારે જણાવ્યું કે 24 કલાકમાં 311 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 18ના રિપોર્ટ પૉઝિટિવ મળ્યા.
 
સાત એપ્રિલેના આંકડા મુજબ 24 કલાકમાં લૅબ-ટેસ્ટની સંખ્યા વધીને 673 થઈ હતી, જેમાંથી 32 લોકોના રિપોર્ટ પૉઝિટિવ હતા.
 
આઠ એપ્રિલના રોજ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 672 લૅબ-ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 11ના રિપોર્ટ પૉઝિટિવ મળ્યા.
 
આઠ એપ્રિલ સુધી ગુજરાતમાં 4,224 લૅબ-ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 186 કેસમાં રિપોર્ટ પૉઝિટિવ હતા.
 
હવે વાત કરીએ તો નવ એપ્રિલની સવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં 55 નવા કેસ સામે આવ્યા અને કુલ પૉઝિટિવ કેસોની 
 
સંખ્યા 241 ગઈ, આ સાથે જ મરણાંક 17 એ પહોંચ્યો.
 
નવ એપ્રિલે સરકારે કહ્યું કે 24 કલાકમાં 1788 લૅબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 62 કેસમાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.
 
સરકારી આંકડા મુજબ નવ એપ્રિલ સુધીમાં ગુજરાતમાં કુલ 5,760 ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 241 લોકોના રિપોર્ટ પૉઝિટિવ નીકળ્યા.
 
ગુજરાતની સ્થિતિનિ મહારાષ્ટ્રની સ્થિતિ સાથે તુલના કરીએ તો મહારાષ્ટ્રના મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ ડ્રગ્સ ડિપાર્ટમૅન્ટના એક રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રમાં સાત 
 
એપ્રિલ સુધી સરકારી અને ખાનગી લૅબમાં કુલ 17,563 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 4.25 ટકા કેસમાં રિપોર્ટ પૉઝિટિવ હતા અને 1000 જેટલા કેસમાં 
 
રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી.
 
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયા છે.
 
'આંકડા વધે તો આશ્ચર્ય નથી'
 
ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ નવ એપ્રિલ સવારે કરેલી પ્રેસવાર્તામાં કહ્યું કે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 55 નવા કેસ સામે 
 
આવ્યા હતા, જે આશ્ચર્યની વાત નથી.
 
તેમણે કહ્યું કે "સ્થિતિ નિયંત્રણમાં છે. અમને દિલ્હીના નિઝામુદ્દીનની ઘટના પછી ક્લસ્ટર્સ અથવા હૉટસ્પૉટ વિસ્તારોમાં સંખ્યાબંધ કેસો મળ્યા છે. ત્યારથી આ 
 
વધારે ફેલાશે એવું અમારું અનુમાન હતું."
 
તેમણે આગળ કહ્યું, "આવા વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં થર્મલ ગન સાથે સ્થાનિકોનાં લક્ષણોનું સર્વેલન્સ કરાયું હતું. બીમાર લોકોનાં 
 
ટેસ્ટિંગ અને સારવાર શરૂ કરી દેવાઈ છે."
 
"જે નવા 55 કેસ સામે આવ્યા છે, તે પૈકી અમદાવાદમાંથી 50 કેસ આવ્યા છે, જે આ હૉટસ્પૉટ વિસ્તારોમાંથી જ છે."
 
એ મહિલા જેમણે પ્રસૂતિના આગલા દિવસ સુધી કામ કરી મેડ-ઇન-ઇન્ડિયા કિટ બનાવી
માત્ર તબલીગી જમાત જ જવાબદાર?
 
તબલીગી જમાતના લોકોને કારણે જ ગુજરાતમાં સંક્રમણ વધ્યા?
 
આ પ્રશ્નનો જવાબ આપતાં અમદાવાદમાં વરિષ્ઠ ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગનું કહેવું છે, "ભારતમાં હવે કોરોના સંક્રમણ સ્ટેજ 3 એટલે કે કૉમ્યુનિટી સ્પ્રેડ તરફ 
 
જઈ રહ્યું છે."
 
ગુજરાતમાં સરકારે જાહેર કરેલા તાજા આંકડા મુજબ 241માંથી 176 કેસ લૉકલ ટ્રાંસમિશનના છે. વિદેશયાત્રા કરીને આવેલી વ્યક્તિના સીધા સંપર્કમાં ન આવ્યા 
 
હોય તો પણ ચેપ લાગે તો તેને લૉકલ ટ્રાંસમિશન કહેવાય છે.
 
તેઓ કહે છે, "તબલીગી જમાતના મરકઝમાં વિદેશથી આવેલા લોકોને કારણે ચેપ ફેલાયો હોય અને પછી તેઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં ગયા એ સત્ય 
 
છે."
 
"એ વાત નકારી ન શકાય કે એ લોકો કોરોના વાઇરસના કૅરિયર હોઈ શકે, પણ એ વાતને પણ નકારી ન શકાય કે લૉકડાઉનના 14 દિવસ થયા છે અને 
 
વિદેશથી આવનારા લોકોથી ચેપ લાગવાનો તબક્કો પસાર થઈ ગયો છે."
 
તેઓ કહે છે, "દેશમાં એસિપ્ટૉમૅટિક (જેમાં લક્ષણ ન દેખાય) સંક્રમિતો પણ મળી આવ્યા છે અને એ ચિંતાની વાત છે. જે રીતે લૉકડાઉનમાં અમુક જરૂરી સેવાઓ 
 
ચાલુ છે, દાખલા તરીકે કોઈ દુકાનવાળો કે શાકવાળો સંક્રમિત હોય પણ તેમાં લક્ષણ ન દેખાય, પરંતુ એ સંક્રમણ ફેલાવી શકે છે."
 
ડૉ. પ્રવીણ ગર્ગ ઉમેરે છે, "એટલે માત્ર એક સમુદાય વિશેષને કારણે જ સંક્રમણ વધ્યું અને ફેલાયું એ પૂરવાર થઈ શકે એવી વાત નથી."
 
બીજી તરફ ગુજરાતમાં લૅબ-ટેસ્ટિંગની સંખ્યામાં ધીમે-ધીમે સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાર હજાર જેટલાં ટેસ્ટ થયા છે.
 
આઠ એપ્રિલે 672 લૅબ-ટેસ્ટ અને નવ એપ્રિલે 1,788 લૅબ-ટેસ્ટ કરવામાં આવ્યા. તો છ એપ્રિલે માત્ર 310 જેટલા ટેસ્ટ થયા હતા.
 
સરકાર પોતે જ માની રહી છે કે ટેસ્ટિંગ વધે અને કેસની સંખ્યા વધે તો તેમાં આશ્ચર્યની વાત નથી અને એ વાત ગળે ઊતરે એવી પણ છે.
 
એ પણ ધ્યાને લેવું રહ્યું કે અમદાવાદમાં જ્યાં ગુજરાતમાં સૌથી વધારે સંક્રમિતોના કેસ છે અને સૌથી વધારે હૉટસ્પૉટ છે, તેવા મુસ્લિમ બહુમતીવાળા 
 
વિસ્તારોમાં અત્યારે ટેસ્ટિંગ અને મૉનિટરિંગ વધારવામાં આવ્યું છે.
 
ડૉ. પ્રવીણ જૈન કહે છે, "કોરોના વાઇરસના સંક્રમણને રોકવાનો એકમાત્ર રસ્તો છે ટેસ્ટિંગ, રાજ્ય સરકારો પાસે શરૂઆતથી ટેસ્ટિંગ કિટ મર્યાદિત સંખ્યામાં હતી. 
 
ટેસ્ટિંગ વધશે ત્યારે સંક્રમિતોની સંખ્યા પણ વધશે."
 
"હાલ સરકાર માત્ર એવા લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે કે જેઓ સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હોય અને એ માટે સંક્રમિતોનું કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાઈ રહ્યું છે. સીમિત 
 
સંસાધનમાં એટલું જ થઈ શકે. આટલા માટે વસતીમાં પૂરતાં સંસાધન ન હોવાને કારણે સીમિત ટેસ્ટિંગ થઈ રહ્યું છે."
 
જયંતી રવિએ નવ એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે "અમને પહેલાં હૉટસ્પૉટમાં જ કેસ વધવાની આશંકા હતી. જે વિસ્તારો ગીચ હતા અને ત્યાં કેસ મળી આવ્યા 
 
હતા, ત્યાં સંક્રમણની શક્યતા હોય છે. ભારત સરકારના નિર્દેશ મુજબ તેમને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી છે, અથવા કોરોના સંક્રમિતોના સીધા સંપર્કમાં આવ્યા 
 
હોય તેમનો ટેસ્ટ કરવામાં આવે છે."
 
તેમણે ગુજરાતમાં ટેસ્ટિંગની સંખ્યાનો બચાવ કરતા કહ્યું કે આઈસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
 
તેમણે વધુમાં જણાવ્યું કે 3,000થી 4,000 રૅપિડ ઍક્શન ટેસ્ટ કિટનો એક જથ્થો શુક્રવારે દિલ્હીથી રવાના કરી દેવામાં આવશે.
 
તેમણે કહ્યું કે આ કિટ મળવાથી અન્ય જગ્યાએ જ્યાં વૃદ્ધો હોય ત્યાં અથવા ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી ધરાવતા લોકોમાં વાપરી શકીએ છીએ.
 
જયંતી રવિએ જણાવ્યું કે વિદેશથી ગુજરાત સરકારે પચાસ હજાર રૅપિડ ઍક કિટ્સ ઑર્ડર કરી છે.