ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ચિંકી સિન્હા , શુક્રવાર, 3 એપ્રિલ 2020 (16:29 IST)

કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદી સરકારે મહામારીમાં આ સવાલોના જવાબ આપવા પડશે

ગત દિવસોમાં 'મનકી બાત'માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનને કારણે લોકોને થતી મુશ્કેલી માટે માફી માગી હતી. તેમણે કહ્યું હતું, "હું બધા દેશવાસીઓની માફી માગું છું. મને લાગે છે કે તમે મને માફ કરશો."
 
તેમણે કહ્યું હતું, "મોટા નિર્ણય કરવા પડ્યા હોવાથી તમારી સામે તમામ મુશ્કેલીઓ આવી પડી છે. મારા ગરીબ ભાઈઓ અને બહેનો વિચારતા હશે કે તેમને કેવો વડા પ્રધાન મળ્યો છે, જેણે અમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. હું દિલના ઊંડાણથી તેમની માફી માગું છું."
 
વડા પ્રધાન માફી માગી લે એ પૂરતું છે?
 
તેમણે માફી માગી હોવા છતાં કેટલાક સવાલો એવા છે કે જેના જવાબ મળવા જરૂરી છે. વડાપ્રધાને કોરોના વાઇરસ સામે લડવા માટે 24 માર્ચે રાતે આઠ વાગ્યે સમગ્ર દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી ત્યારથી જ મોટા શહેરોમાંથી નગરો તથા ગામડાંઓમાં શ્રમિકોનું પરત ફરવાનું શરૂ થઈ ગયું હતું. લૉકડાઉનની જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે તે 24 માર્ચની રાતે બાર વાગ્યાથી અમલી બની જશે.
 
તેથી લોકોને ખાદ્યસામગ્રી તથા દવાઓ ખરીદવા માટે ઘણા ઓછા કલાકોનો સમય મળ્યો હતો. પ્રવાસી શ્રમિકો, કામકાજ ઠપ થઈ જવાથી અને જરૂરી ચીજો નહીં મળવાની સમસ્યાનો સામનો કરતા હતા, પરંતુ બાંધકામ અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો આ લૉકડાઉનનો સામનો કઈ રીતે કરશે તેનો વડા પ્રધાનના ભાષણમાં કોઈ ઉલ્લેખ ન હતો.
 
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂખ, બીમારી, વધુ પગપાળા ચાલવાથી અને માર્ગ દુર્ધટનાઓમાં અનેક શ્રમિકોનાં મોત થયાં હતાં. સરકાર પાસે મોટાં શહેરોમાં કાર્યરત પ્રવાસી શ્રમિકોની સંખ્યાની માહિતી ન હોય એ અશક્ય છે. સરકારે આ રોગચાળા સામે લડવા માટે પશ્ચિમી દેશોનું અનુકરણ કરીને આપણા દેશમાં પણ અચાનક લૉકડાઉન અમલી બનાવ્યો હતો.
 
બીજા દેશો સાથે સરખામણી કરીએ તો ત્યાં મેડિકલ સુવિધાઓ, ટેસ્ટિંગ કિટ્સની અછત કે બીજી સમસ્યાઓ હશે, પણ ત્યાં ભારત જેટલા મોટા પ્રમાણમાં પ્રવાસી શ્રમિકો નથી. રોજ મજૂરી દ્વારા પેટગુજારો કરતા હોય એવા લોકોનો એક મોટો વર્ગ આપણાં શહેરોમાં છે. 2017ના આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે 2011થી 2016ની વચ્ચે લગભગ 90 લાખ લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોજગારી માટે ગયા હતા.
 
2011ની વસતી ગણતરી અનુસાર, રોજગાર મેળવવા દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે જતા પ્રવાસી શ્રમિકોની સંખ્યા લગભગ 1.39 કરોડ છે.
 
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળની સ્વાયત સંસ્થા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોપ્યુલેશન સાયન્સીસના જણાવ્યા અનુસાર, પ્રવાસી શ્રમિકોને સૌથી વધુ રોજગાર કન્સ્ટ્રક્શન ક્ષેત્ર આપે છે. તેમાં લગભગ ચાર કરોડ શ્રમિકો જોડાયેલાં છે.
 
એ પછી લગભગ બે કરોડ લોકો (સ્ત્રી-પુરુષ) ઘરેલુ કામકાજમાં જોડાયેલાં છે. ટેક્સટાઈલ ક્ષેત્રમાં એ પ્રમાણ 1.1 કરોડનું છે, જ્યારે ઇંટના ભઠ્ઠામાં કામ કરીને એક કરોડ લોકો રોજગાર મેળવે છે. એ ઉપરાંત ટ્રાન્સપૉર્ટ, ખાણકામ અને ખેતીવાડીમાં મોટા પ્રમાણમાં પ્રવાસી શ્રમિકો કાર્યરત છે. પ્રવાસી શ્રમિકોના જણાવ્યા મુજબ, લૉકડાઉન પછી તેમની રોજગારી બંધ થઈ ગઈ હતી. કન્સ્ટ્રક્શન અને બીજા ઉદ્યોગોમાં કામકાજ બંધ થઈ જવાને કારણે તેમણે ત્યાંથી રવાના થવું પડ્યું હતું.
 
સરકાર આ માનવીય સંકટનો અંદાજો કેમ ન લગાવી શકી?
 
સરકારે ગરીબ વર્ગના લોકો માટે કેશ ટ્રાન્સફર તથા રાશન વિતરણ જેવા ઉપાયોની જાહેરાત કરી છે, પણ ઘણા શ્રમિકો પાસે બેંક ખાતા કે રાશન કાર્ડ નથી.
 
સરકારે જાહેરાત કરી છે કે લૉકડાઉન દરમિયાન મકાનમાલિકો શ્રમિકો પાસેથી આ મહિનાનું ભાડું નહીં માગે. પ્રસ્તુત આદેશનું પાલન નહીં કરનારાઓને આઈપીસીની કલમક્રમાંક 188 હેઠળ છ મહિનાની જેલસજા તથા દંડ ફટકારવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે.
 
જોકે, વડા પ્રધાને 24 માર્ચે 21 દિવસની લૉકડાઉનની જાહેરાત કરી ત્યારે આ બધી વાતો કહી ન હતી.
 
તેમણે લોકોને ખાતરી આપવી જોઈતી હતી કે સરકાર રહેવાની તથા ખાવાપીવાની સમસ્યા સર્જાવા દેશો નહીં.
 
પરિસ્થિતિ વણસી ત્યારે સરકારને આ વાત યાદ આવી. વડા પ્રધાન મોદીની આ જાહેરાતની સરખામણી 2016ની નોટબંધી સાથે કરવામાં આવી રહી છે.
 
એ વખતે વડાપ્રધાને દેશની 80 ટકા કરન્સીને અચાનક અમાન્ય કરી નાખી હતી. એ પછી દેશમાં અરાજકતા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
 
એ પછી વડાપ્રધાને લોકોને એવી અપીલ કરી હતી કે થોડા દિવસનો સમય આપો. બધું ઠીક થઈ જશે. નહીંતર લોકો કહેશે એ ચોકમાં હું ઉભો રહીશ.
 
કિંગ્ઝ કૉલેજ, લંડનના પ્રોફેસર અને 2015માં પ્રકાશિત 'ધ પેન્ડેમિક પરહેપ્સ'ના લેખક કાર્લો કાડફ આજકાલ ભારતમાં જ રહે છે.
 
કાર્લો કાડફ કહે છે, "ભારતમાં ગરીબો, હાંસિયા પરના લોકો અને જોખમ લેતા વર્ગના લોકોને સૌથી માઠી અસર થઈ છે. પહેલેથી જ અસમાનતાનો સામનો કરતા આ લોકો પર સૌથી વધારે માઠી અસર થશે."
 
તેઓ સવાલ કરે છે કે આ પ્રકારના આકરાં પગલાં લેતાં પહેલાં તેના પરિણામ તથા તેની કિંમત બાબતે ચર્ચા શા માટે કરવામાં આવી ન હતી?
 
જ્યાં દ્રેજ નામના અર્થશાસ્ત્રીએ એક લેખમાં લખ્યું છે, "નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેર કરેલા પૅકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના(પીએમજીકેવાય)માં રૂ. 16,000 કરોડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) અને મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગૅરંટી ઍક્ટ(મનરેગા)ના રૂ. 5,600 કરોડમાં મજૂરીદરમાં વૃદ્ધિનો પણ સમાવેશ થાય છે. તેને ગ્રામીણ વિકાસ મંત્રાલયે 23 માર્ચે નોટિફાઈ કરી ચૂક્યું હતું."
 
જ્યાં દ્રેજના જણાવ્યા અનુસાર, રાશન અને કેશ ટ્રાન્સફરના સંદર્ભમાં આ રાહત પૅકેજ બરાબર છે, પણ જેમાં નેશનલ ફૂડ સિક્યુરિટી ઍક્ટ હેઠળ 2011ના આંકડા સામેલ કરવામાં આવ્યા હતા તે પીડીએસમાં દેશના તમામ ગરીબોને આવરી લેવાયા નથી.
 
જ્યાં દ્રેજ લખે છે, પીએમજીકેવાય હેઠળ કેશ ટ્રાન્સફર માટે ફાળવાયેલા રૂ. 31,000 કરોડ પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાંઓમાં જશે. તેમાંથી દરેક ગરીબના ખાતામાં દર મહિને 500 રૂપિયા જમા થશે. એ શરૂઆતના ત્રણ મહિના ચાલશે. કોઈ પણ સરેરાશ પરિવાર માટે રૂ. 500માં ઘર ચલાવવું અશક્ય છે.
 
જે ગરીબ લોકોને પીડીએસ અથવા પીએમજીકેવાય હેઠળ આવરી શકાતા નથી એમના માટે શું જોગવાઈ છે? આ ખામીનું નિરાકરણ શા માટે ન કરવામાં આવ્યું?
 
શું લૉકડાઉન સિવાય પણ કોઈ વિકલ્પ હતો?
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે જણાવ્યું હતું કે આ રોગચાળાએ દુનિયાના વિકસિત દેશોને પણ કઈ રીતે ઘૂંટણિયે પાડ્યા છે એ સરકાર જોઈ રહી છે.
 
તેમના જણાવ્યા મુજબ, એ દેશોએ આ રોગચાળાનો સામના માટે પૂરતા પગલાં લીધાં ન હતાં કે તેમની પાસે સંસાધનોનો અભાવ હતો એવું નથી. હકીકત એ છે કે કોરોના વાઇરસનો ફેલાવો એટલો ઝડપથી થયો છે કે તમામ તૈયારી અને પ્રયાસો છતાં દુનિયાના દેશો તેનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
 
તેમણે જણાવ્યું હતું કે તેના પર અસરકારક રીતે વિજય મેળવવાનો એકમાત્ર ઉપાય હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે.
 
તેમણે એમ પણ જણાવ્યું હતું કે અલગ-અલગ દેશોની કોરોના વાઇરસના સામનાની તરકીબોનું વિશ્લેષણ કર્યા બાદ સરકાર આ નિષ્કર્ષ પર પહોંચી છે.
 
દક્ષિણ કોરિયા તેના ત્યાં જે લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો હતો તેમની સંખ્યા ઓછી કરવામાં સફળ થયું હતું અને તેનું કારણ મહત્તમ ટેસ્ટિંગ હતું.
 
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) પણ સતત ભારપૂર્વક જણાવી રહ્યું છે કે આ રોગચાળાને અટકાવવા સોશિઅલ ડિસ્ટન્સિંગની ઉપરાંત ટેસ્ટિંગ પણ મહત્વનું છે.
 
જોકે, વડા પ્રધાનનું ભાષણ સાંભળીને એવું સમજાય છે કે સામાજિક અંતર અને લૉકડાઉન મારફત જ વાઇરસની ચેઇન તોડી શકાય છે, એટલું જ ભારત તેમાંથી શીખ્યું છે.
 
લૉકડાઉનનો ઉદ્દેશ લોકોના મોટા પ્રમાણમાં એકઠા થતા રોકવાનો હતો, પણ શ્રમિકોના ટોળેટોળાં પગપાળા પ્રવાસ કરતા જોવા મળ્યાં હતાં.
 
સરકાર અને વ્યવસ્થાતંત્રની ટીકા શરૂ થઈ એટલે ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિલ્હીમાં અનેક બસ મોકલી અને શ્રમિકો એ બસોમાં એકસાથે બેસીને ગયા. આ સ્થિતિમાં લૉકડાઉનનો સામાજિક અંતર જાળવવાનો હેતુ પણ ધ્વસ્ત થતો જોવા મળ્યો હતો.
 
શ્રમિકો તેમના ગામ ગયા, પણ તેમનાં રાજ્યોની સરકારોએ તેમની સાથે કેવું વર્તન કર્યું હતું એ જગજાહેર છે. એ શ્રમિકોને ક્વોરૅન્ટીનમાં રાખવાનું કહેવામાં આવ્યું હતું, પણ ત્યાં પાયાની સુવિધાઓ સુદ્ધાં નથી.
 
દક્ષિણ કોરિયામાંથી ધડો કેમ ન લીધો?
 
માર્ચ-2020ની શરૂઆતમાં ડબલ્યુએચઓએ જાહેરાત કરી હતી કે કોરોના વાઇરસ એક વૈશ્વિક રોગચાળો છે. તેનો પ્રસાર રોકવા માટે સોશિઅલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ-આઇસોલેશન અપનાવવાની સલાહ આપવામાં આવી હતી.
 
અલબત, આ સંબંધે દક્ષિણ કોરિયા એક અપવાદ સાબિત થયું હતું. દક્ષિણ કોરિયાએ મોટા પાયે ટેસ્ટિંગની મદદ લીધી હતી અને તે કોરોનાની ચેઇન તોડવામાં સફળ રહ્યું હતું. દક્ષિણ કોરિયાએ લૉકડાઉન જેવું આકરું પગલું લીધું ન હતું.
 
ભારત સરકારના ઍજન્ડામાં મોટા પાયે પરીક્ષણ કરવાનો સમાવેશ થતો નથી. સરકારે જણાવ્યું છે કે તે રૅન્ડમ સૅમ્પલિંગ કરશે. સિસ્ટમેટિક ટેસ્ટિંગ ન થતું હોવાને કારણે એ ખબર નથી પડતી કે રોગચાળો ક્યાં સુધી ફેલાયો છે.
 
પ્રોફેસર કાડફ 'રીફ્રેમિંગ ધ કોરોના કોન્વર્સેશન'માં લખે છે, "જ્યાં મેડિકલ સુવિધા આસાનીથી ઉપલબ્ધ છે, તાલીમ પામેલા સ્ટાફની પૂરતી સંખ્યા છે અને લવચિક ક્ષમતા છે ત્યાં દર્દીઓના બચવાની આશા વધારે છે. સ્પેનમાં પ્રત્યેક 1000 લોકોએ ત્રણ પથારી (બેડ) ઉપલબ્ધ છે. ઇટલીમાં એ આંકડો 3.2, ફ્રાન્સમાં 6નો, જર્મનીમાં 8નો અને દક્ષિણ કોરિયામાં એ આંકડો પ્રતિ 1,000 વ્યક્તિ 12.3 બેડ્સનો છે."
 
ખાનગી લૅબરેટરીઓને પરીક્ષણ કિટ્સની મંજૂરીમાં મોડું કેમ?
 
ભારતમાં ટેસ્ટિંગ કિટ્સની કમી છે. તેના પરથી ખબર પડે છે કે અહીં પૂરતા પ્રમાણમાં પરીક્ષણ થતું નથી. આઈસીએમઆરે શરૂઆતમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ) તથા યુરોપિયન સીઈ સર્ટિફિકેશનવાળી ટેસ્ટિંગ કિટ્સની મંજૂરી આપી હતી. તેમાં ચેન્નઈસ્થિત ટ્રાઈવિટ્રોન હેલ્થકેર જેવી ભારતીય કંપનીને બાકાત રાખવામાં આવી હતી.
 
ટ્રાઈવિટ્રોન ચીનને પાંચ લાખ ટેસ્ટિંગ કિટ્સ મોકલી ચૂકી છે. જોકે, આ કંપની એક દિવસમાં હજ્જારો સૅમ્પલ્સનું પરીક્ષણ કરી શકાય એવી કિટ્સ હાલ વિકસાવી રહી છે, પણ સરકારે શરૂઆતમાં લગભગ બમણી કિંમતે ટેસ્ટિંગ કિટ્સની આયાત કરી હતી.
 
ટ્રાઈવિટ્રોન અને માયલેબ ડિસ્કવરી તેમની ટેસ્ટિંગ કિટ્સ માટે આઈસીએમઆર અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનની મંજૂરી મળવામાં વાર લાગી.
 
બીજી તરફ એક સ્વીડનની એક કંપનીની પેટા કંપની રોશ ડાગ્નોસ્ટિક્સ ઇન્ડિયાને ટેસ્ટ લાઇસન્સ મળી ગયું છે.
 
માયલેબને 2019માં એચઆઈવી અને હેપેટાઈટિસ બી તથા સીની ટેસ્ટિંગ કિટ્સ માટે ભારતની સૌપ્રથમ એફડીએ એપ્રુવ્ડ મોલિક્યૂલર ડાયગ્નોસ્ટિક કંપની તરીકે મંજૂરી મળી હતી.
 
સંયુક્ત સાહસમાં ટ્રાઈવિટ્રોનની ભાગીદાર લૅબસિસ્ટમ્સ ડાયગ્નોસ્ટિક્સ ચીનમાં ટેસ્ટિંગ કિટ્સ વેચતી હતી. કંપનીએ જણાવ્યું હતું કે એ રોજની સાડા સાત લાખ ટેસ્ટિંગ કિટ્સનું ઉત્પાદન કરે છે.
 
આઈસીએમઆરના નેટવર્કમાં હોય તેવી લૅબોરેટરીમાં કોવિડ-19 ટેસ્ટ કરાવવાનો ખર્ચ લગભગ રૂ. 4,500 થાય છે, જે ગરીબો માટે મોટી રકમ છે.
 
અમેરિકન કંપની થર્મો ફિશર સાઇન્ટિફિક અને સ્વિસ કંપની રોશ ડાયગ્નોસ્ટિક્સની કિટ્સનો ઉપયોગ આઈસીએમઆર કરી રહી છે.
 
અમેરિકન અને ભારતીય કંપનીઓના સંયુક્ત સાહસ કોસારા બાબતે પણ એક વિવાદ સર્જાયો હતો. આ કંપનીને યુએસ એફડીએ સર્ટિફિકેશન સંબંધી સ્પષ્ટતા વગર જ ટેસ્ટિંગ કિટ્સ બનાવવાનું પ્રારંભિક લાઇસન્સ મળી ગયું હતું.
 
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, લાંબા સમય બાદ નીતિમાં એવો ફેરફાર કરવામાં આવ્યો હતો કે પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલૉજીની મંજૂરી મળી હોય એવા સ્વદેશી ઉત્પાદકોને પણ પરવાનગી આપવામાં આવે.
 
 
દુનિયામાં સૌથી ઓછાં ટેસ્ટ ભારતમાં કેમ?
 
27 માર્ચ સુધી દેશમાં માત્ર 26,798 ટેસ્ટ્સ કરવામાં આવ્યા હતા. આ સંખ્યાનો સમાવેશ દુનિયાભરના દેશોમાં કરવામાં આવી રહેલાં સૌથી ઓછાં પરીક્ષણોમાં થાય છે. ભારતમાં કેટલા ટેસ્ટ્સ ઉપલબ્ધ છે તેના કોઈ સ્પષ્ટ આંકડા ઉપલબ્ધ નથી અને ટેસ્ટિંક કિટ્સની કમીને કારણે પરીક્ષણના માપદંડ આકરા છે.
રોગચાળામાં સપડાયેલા દેશોનો પ્રવાસ કરીને આવેલા હોય અથવા કોવિડ-19ના દર્દીના સંપર્કમાં આવ્યા હોય એવા લોકોનું જ પરીક્ષણ હાલ કરવામાં આવી રહ્યું છે.
 
આઈસીએમઆરે 20 માર્ચે જણાવ્યું હતું કે ટેસ્ટિંગના માપદંડમાં લક્ષણોના આધારે હેલ્થકેર વર્કર્સ અને હાઈ-રિસ્ક લોકોને પણ સામેલ કરી શકાય છે.
 
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, પ્રત્યેક 1,000 લોકો માટે એક ડૉક્ટર હોવો જોઈએ, એવી ડબલ્યુએચઓની ભલામણ છતાં ભારતમાં પ્રત્યેક 10,000 લોકોએ એક ડૉક્ટર જ ઉપલબ્ધ છે.
 
સમય હોવા છતાં ટેસ્ટિંગ કિટ્સ અને પીપીઈનું ઉત્પાદન શા માટે વધારવામાં ન આવ્યું હોવાના સવાલોનો સામનો પણ ભારતે કરવો પડી રહ્યો છે. એ ઉપરાંત વેન્ટિલેટર્સ માટે ગંભીરતાથી પ્રયાસ શા માટે ન કરવામાં આવ્યા હતા એ સવાલ પણ છે.
 
દેશ ત્રીજા તબક્કામાં પહોંચી ગયો હોવાનો સંકેત સરકારે 28 માર્ચે આપ્યો હતો.
 
બીજી તરફ વડાપ્રધાને તેમના ભાષણમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે એવા દર્દીઓ માટે તથા દેશમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે રૂ. 15,000 કરોડની જોગવાઈ કરી છે.
 
વડાપ્રધાને કહ્યું હતું, "આ જોગવાઈથી કોરોના ટેસ્ટિંગ એકમો, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ(પીપીઈ), આઇસોલેશન બેડ્સ, વૅન્ટિલેટરો અને બીજાં જરૂરી સાધનોની સંખ્યા ઝડપથી વધારવામાં મદદ મળશે."
 
વૅન્ટિલેટરોની કમી કેવી રીતે પૂરી થશે?
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશના જાહેર ક્ષેત્ર પાસે માત્ર 8,432 વૅન્ટિલેટરો છે, જ્યારે ખાનગી ક્ષેત્ર પાસે 40,000 વૅન્ટિલેટરો છે.
 
સરકારે ટાટા મોટર્સ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા, હોન્ડા કાર્સ ઇન્ડિયા અને મારુતિ સુઝુકી ઇન્ડિયાને વૅન્ટિલેટર બનાવવાની શક્યતા ચકાસવા જણાવ્યું છે.
 
વૅન્ટિલેટરની જરૂર કોવિડ-19થી ગંભીર રીતે પીડાતા દર્દીને લાઇફ સપોર્ટ આપવા માટે પડતી હોય છે.
 
નિષ્ણાતો કહી ચૂક્યા છે કે ભારતના હાલની સંખ્યાની સરખામણીએ આઠથી દસ ટકા વધુ વૅન્ટિલેટરોની જરૂર પડશે.
 
અલબત, કાર ઉત્પાદક કંપનીઓ તેના ઉત્પાદનમાં જોડાઈ ગઈ છે. તેમ છતાં દેશમાં ઝડપભેર વૅન્ટિલેટરોનું ઉત્પાદન કરવું એ એક મોટો પડકાર છે.
 
બીજા દેશો ઝડપભેર વૅન્ટિલેટર્સ ખરીદી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાંથી એવું પણ જાણવા મળે છે કે માત્ર સામાજિક અંતર જાળવવાના આયાતી વિચારના અમલ કરતાં તબીબી તૈયારી વધુ જરૂરી છે.
 
કોવિડ-19 રોગચાળા સામે લડવા માટેના ભારત સરકારના ઉપાયો સામેના અનેક સવાલોના જવાબ મળતા નથી.