સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By મિશેલ રૉબર્ટસ|
Last Updated : શનિવાર, 4 એપ્રિલ 2020 (12:22 IST)

કોરોના વાઇરસ : શું ગંધ કે સ્વાદ ન આવે તો એ સંક્રમણનાં ચિહ્ન હોઈ શકે?

corona virus
કોઈ પણ પ્રકારની ગંધ કે સ્વાદ ન આવે તો એ કોરોના વાઇરસ સંક્રમણનો સંકેત હોઈ શકે છે એવું યુકેના સંશોધકોનું કહેવું છે. જોકે, સામાન્ય શરદી જેવી તકલીફમાં પણ સ્વાદ અને સુગંધ કે ગંધ ન આવે તેવું બની શકે છે. અને નિષ્ણાતો કહે છે કે તાવ અને શરદી વાઇરસનાં સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રમુખ લક્ષણ છે, જો આ લક્ષણો દેખાય તો મેડિકલ સલાહ લેવી જોઈએ. જો તમને અથવા તમારી સાથે રહેતા કોઈને પણ નવેસરથી કફ કે પછી તાવ આવતો હોય તો મેડિકલ સલાહ પ્રમાણે તો ઘરે જ રહેવું.
 
શોધમાં શું સામે આવ્યું?
 
કિંગ્સ કૉલેજના સંશોધકો કોરોના વાઇરસનાં સંભાવિત લક્ષણો વિશે માહિતી એકઠી કરીને આ બીમારી બાબતે વધારે જાણવા માગતા હતા. કૉવિડ સિમ્પટમ ટ્રૅકર પ્રમાણે લક્ષણોનો અભ્યાસ કરતા આ તારણો બહાર આવ્યાં:
 
53 ટકા લોકોએ કહ્યું કે તેમને થાક લાગતો હતો
29 ટકા લોકોને સતત ઉધરસ રહેતી હતી
28 ટકા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી
18 ટકા લોકોને સુંગધ કે સ્વાદની ખબર નહોતી પડતી
10.5 ટકા લોકોને તાવ આવતો હતો
ચાર લાખ લોકોમાંથી 1,702 લોકોએ કહ્યું કે તેમનો કોવિડ-19નો રિપોર્ટ કરવામાં આવ્યો, 570 લોકો કોરોના પૉઝિટિવ મળ્યા અને 1,123 લોકો નૅગેટિવ હતા.
 
આ કોરોના વાઇરસ પૉઝિટિવ લોકોમાંથી 59 ટકા લોકોએ કહ્યું કે તેમને કોઈ પણ પ્રકારની ગંધ કે સ્વાદની ખબર પડતી નથી.
 
તો શું ગંધ અને સ્વાદ ન આવવાને પણ કોરોના વાઇરસનાં લક્ષણમાં સામેલ કરી લેવા જોઈએ?
 
નિષ્ણાતો શું કહે છે?
 
નિષ્ણાતો હજી તેને પૂરતાં લક્ષણ નથી માનતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇંગ્લૅન્ડના સ્વાસ્થ્ય વિભાગે પણ તેને લક્ષણોમાં સામેલ નથી કર્યાં.
 
યુકેમાં કાન, નાક અને ગળાના ડૉક્ટરોના એક સંગઠન ઈએનટી યુકે પ્રમાણે કોરોના વાઇરસના દર્દીને ગંધ કે સ્વાદ ન આવે તેમાં આશ્ચર્ય ન થવું જોઈએ અને આ લક્ષણો માત્ર કોવિડ-19માં જ દેખાય એવું નથી.
 
કિંગ્સ કૉલેજના સંશોધકોનું કહેવું છે કે ગંધ અને સ્વાદ ન આવવો વધારાનાં લક્ષણોમાં સામેલ હોઈ શકે, પરંતુ તેની સાથે ઉધરસ અને તાવ જેવાં મુખ્ય લક્ષણોની સાથે જોવાં જોઈએ.
 
પ્રમુખ સંશોધક પ્રૉફેસર ટિમ સ્પેક્ટર કહે છે, "અમારા ડેટા મુજબ બીજાં લક્ષણો સાથે જોડીને જોઈએ તો ગંધ અને સ્વાદ જે દર્દીઓને ન આવતા હોય તેમનામાં કોવિડ-19 સંક્રમણ હોવાની શક્યતા ત્રણ ઘણી વધારે હોય છે. એટલે તેમણે સાત દિવસ માટે સૅલ્ફ આઇસોલેશનમાં રહેવું જોઈએ."