અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદા અંગેના તમામ અપડેટ્સ.
લાઇન
10:32 ચુકાદો વાંચવાનું શરુ
સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે ચુકાદો વાંચવાનું શરૂ કરી દેવાયું છે. જે દરમિયાન શિયા વકફ બોર્ડની અરજી પાંચે ન્યાયાધીશે ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ચુકાદો વાંચવામાં અડધા કલાકનો સમય લેશે.
10:22 કૉંગ્રેસ શું કહી રહી છે?
લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું છે, "અમે પ્રારંભથી શાંતિના પક્ષમાં છીએ. હું શાંતિનો પૂજારી છુ. આપણે સુપ્રીમ કોર્ટનો નિર્ણય માન્ય રાખવો જોઈએ."
10:15 કોર્ટ બહારની સ્થિતિ
સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે.
આ દરમિયાન કોર્ટમાં રામલલ્લાના વકીલ વી. એસ. વૈદ્યનાથન સુન્ની વકફ બોર્ડના વરિષ્ઠ વકીલ ડૉ. રાજીવ ધવન સાથે વડા ન્યાયાધીશની કોર્ટની બહાર વાતચીત કરતાં જોવા મળ્યા હતા.
10:09 વડા ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ પહોચ્યા
સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ પોતાના નિવાસેથી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે.
નોંધનીય છે કે અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદના મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે ચુકાદો સંભળાવશે.
10:05 અમિત શાહે બોલાવી સુરક્ષા અંગેની બેઠક
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદના ચુકાદાને પગલે ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસે ઉચ્ચસ્તરની સુરક્ષા બેઠક બોલાવી છે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા અરવિંદ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા છે.
9:57 રાજસ્થાનમાં કેવી સ્થિતિ?
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદના ચુકાદાને પગલે રાજસ્થાનના બુંદીમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. તો તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.
ભરતપુર વિસ્તારમાં આવતીકાલની સવારના છ વાગ્યા સુધી ઇન્ટનેટ સેવા બંધ કરી દેવાઈ છે.
9:50 કોર્ટની બહાર વકીલો
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની કોર્ટની આગળ ચુકાદા પહેલાં વકીલો એકઠા થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બૅન્ચ 10:30 વાગ્યે ચુકાદો સંભળાવશે.
9:40 ઉત્તર પ્રદેશની સ્થિતિ
મંદિર-મસ્જિદના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવાઈ છે.
અર્ધસૈનિક દળોના લગભગ 40 હજાર જવાનો રાજ્યમાં તહેનાત કરાયા છે તો શાળા-કૉલેજોને આગામી બે દિવસ માટે બંધ રાખવાના આદેશ અપાયા છે. ઠેરઠેર પોલીસ અને અર્ધસૈનિક દળો પેટ્રોલિંગ પણ કરી રહ્યાં છે.
અયોધ્યામાં કલમ 144ની અમલવારી અને કાયદોવ્યવસ્થાને જાળવી રાખવા મોટી સંખ્યામાં પોલીસદળોની તહેનાતી છેલ્લા કેટલાય દિવસોથી આરંભી દેવાઈ હતી. જોકે, શુક્રવારે ફેંસલાની તારીખ સામે આવતાં જ સતર્કતા અને સખતી વધારી દેવાઈ હતી.
9:20 અમદાવાદ, સુરત, વડોદરા હાઈ-ઍલર્ટ પર
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર રામમંદિર-બાબરી મસ્જિદના ચુકાદાને પગલે ગુજરાતમાં સતર્કતા વર્તાઈ રહી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘ અને ડીજીપી શિવાનંદ ઝાને રાજ્યમાં સદ્ભાવના જાળવી રાખવા તમામ પ્રયાસો કરી છૂટવા જણાવાયું છે.
રાજ્યની પોલીસ, એસઆરપી. આરએએફને હાઈ-ઍલર્ટ પર મૂકવામાં આવ્યાં છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં તહેનાત કરી દેવાયાં છે. સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન રાખવા માટે પણ એજન્સીઓને તાકીદ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા અમદવાદ, સુરત અને વડોદરામાં હાઈ-એલર્ટ પણ જાહેર કરાયું છે.
9:10 પ્રિયંકા ગાધીની અપીલ
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'દેશની એકતા, સામાજિક સદ્ભાવ અને પારસ્પરિક પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને જાળવી રાખવા' અપીલ કરી છે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, "આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર કાયમ રહેવું આપણી ફરજ છે."