અમદાવાદ પોલીસનું ટ્વીટ/ ગાડીમા બેઠેલા દરેક વ્યક્તિઓએ સીટબેલ્ટ બાંધવો ફરજીયાત
અમદાવાદ પોલીસ દ્વારા ટ્વીટ કરી એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કારમાં ડ્રાઈવ કરતા વ્યક્તિ અને તેની પાસે આગળની સીટમાં બેઠેલા વ્યક્તિએ જ સીટ બેલ્ટ બાંધ્યો હોય છે. પરંતુ પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિઓ સીટ બેલ્ટ બાંધતા હોતા નથી. જેને લઈને અકસ્માત સમયે પાછળ બેઠેલા લોકોને પણ ઈજા પહોંચી શકે છે. જેને ધ્યાનમાં રાખતા પોલીસ દ્વારા આ ટ્વીટ કરતા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે અને એવો આદેશ જાહેર કરાયો છે કે, કારમાં બેઠેલા તમામ લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજીયાત રહેશે.હેલ્મેટ ફરજીયાત બાદ હવે કારમાં બેઠેલા દરેકને સીટ બેલ્ટ બાંધવો ફરજીયાત છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે કાર ચાલક સિવાય કારમાં કોઇ સીટ બેલ્ટ બાંધતુ નથી. જો કે કાર ચાલકનાં સીટ બેલ્ટ બાંધવાની સંખ્યા પણ દંડ ફટકારવાની ઘટનાઓ સામે આવ્યા બાદથી જ વધી છે. ત્યારે હવે અમદાવાદ પોલીસે આ અંગે ટ્વીટ કરી શહેરીજનોને શીટ બેલ્ટ ન પહેરવાથી શું નુકસાન થઇ શકે છે તે એક વીડિયો મારફતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટ્રાફિકનાં નિયમથી લોકોને જાગૃત કરવા અમદાવાદ પોલીસનું આ એક ખાસ પગલુ માનવામા આવી રહ્યુ છે. ત્યારે હવે ટ્વીટ દ્વારા લોકોને જણાવવામાં આવતા લોકો તેને કેટલુ ધ્યાને લે છે તે જોવાનું રહેશે.